શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2023 (12:28 IST)

રાજકોટમાં ધુમ્મસની ચાદર છવાઈ, વાહન ચાલકો થંભી ગયા, માવઠા બાદ ઠંડીનું જોર વધ્યું

A blanket of fog blankets Rajkot
A blanket of fog blankets Rajkot
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી માવઠાનું જોર જોવા મળી રહ્યું છે. ભર શિયાળે માવઠું થતાં ખેતરના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ માવઠાને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. સવારે 10 વાગ્યા સુધી વિઝિબિલિટી ઓછી જોવા મળી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હાઇવે પર કેટલાક વાહનો તો સાઇડમાં પાર્ક કરાયેલ જોવા મળ્યા હતા. ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ બાદ ઠંડીનું પણ જોર વધ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા એકાએક ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નલિયા રાજ્યમાં સૌથી શીત નગર બની રહ્યું છે.કચ્છથી સૌરાષ્ટ્ર સુધીમાં રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બે દિવસથી ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે. જેની સાથે-સાથે આજે રાજકોટ શહેર અને જિલ્લામાં ગાઢ ધુમ્મ્સ છવાયું હતું. સામાન્ય રીતે વહેલી સાવરે સૂર્ય ઉગી જતો હોય છે, પરંતુ આજે 9 વાગ્યા સુધી સૂર્યનાયારણ દેખાયા નહોતા. ગાઢ ધુમ્મ્સ છવાયેલ જોવા મળ્યું હતું. શહેર અને જિલ્લામાં 100 ફૂટ દૂર કઇ દેખાતું ન હતું અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ગુજરાતમાં કરા સાથે પડેલ માવઠું અને હવે ગાઢ ધુમ્મ્સના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. કારણ કે, ખેતરમાં જીરાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હાઇવે પર ગાઢ ધુમ્મસથી વાહનચાલકોની સ્પીડ પર બ્રેક લાગી ગઈ હતી અને ગાડી ધીમી ચલાવવી પડી હતી. તેમજ પાર્કિંગ લાઇટ, હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. સવારે 9 વાગ્યા સુધી સતત ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે દૂર સુધી કઈ દેખાતું ન હતું. કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક ધુમ્મ્સના કારણે કેટલાક વાહનો સાઈડમાં પાર્ક કરીને ઉભેલા જોવા મળ્યા હતા. નલિયામાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ રહ્યું હોવા છતાં 15.4 ડિગ્રીએ વધુ એકવાર રાજ્યમાં સૌથી શીત નગર બની રહ્યું હતું. અહીં પણ દિવસનું તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી ઘટીને 26.8 રહેતાં દિવસ ઠંડો બન્યો હતો.