બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 28 નવેમ્બર 2021 (08:34 IST)

અમિત શાહ ગુજરાત પ્રવાસે, અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર, પોલિ ફિલ્મ પ્લાન્ટ્સનું ઉદઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થઇ ગયું છે.રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(જીસીએમએમએફ)ના નવા દૂધ પાઉડર પ્લાન્ટ, પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્સમાં રૂ. 415 કરોડનું રોકાણ કરાયું છે.
 
આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવેલ છે જે જીસીએમએમએફનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે.
 
આ નવો પ્લાન્ટ 24x7 કાર્યરત રહે તે રીતે રૂ. 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે. બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે અને તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે. આ પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે. વધુમાં, આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોની જરૂરિયાતોને પુરી કરી કરશે અને સુરક્ષા પ્રણાલીઓના ઉચ્ચતમ સ્તરથી સુસજ્જ પણ છે. આ ઉપરાંત, આ પ્લાન્ટમાં નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે.
 
કેન્દ્રીય સહકાર મંત્રી અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે, જે અમૂલફેડ ડેરીની બટર ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી ત્રણ ગણી વધારીને 120 ટન કરશે. આ પ્લાન્ટ રૂ. 85 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યો છે, અને તે ડેરીને, ખાસ કરીને જ્યારે પીક સીઝનમાં દૂધનું સંપાદન વધારે હોય ત્યારે દૂધ ફેટના વધુ જથ્થાને અસરકારક રીતે નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે.
 
અમૂલફેડ ડેરીમાં નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન પણ કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવશે જેને રૂ. 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે ડેરીને લાંબાગાળા સુધી બગડે નહીં તેવા 50 લાખ લિટર દૂધને કાર્ટન પેકેજિંગમાં ખૂબ મોટા જથ્થામાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે.
 
કેન્દ્રીય સહકાર મંત્રી ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીના નવા પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. આ વિસ્તરણને પગલે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20,000 ટનથી બમણી થઈ 40,000 ટન થઈ છે, જે તેને ભારતનો સૌથી મોટો પોલિ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવે છે. આ નવા વિસ્તરણ માટે રૂ.50 કરોડનું રોકાણ કરાયું છે.
અમિત શાહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના દૂધ ઉત્પાદકોને પણ સંબોધિત કરશે.
 
આગામી સમયમાં રાજકોટ નજીક નવી ડેરી અમૂલફેડ ડેરી 2ના નિર્માણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દૈનિક 20 લાખ લિટરની ક્ષમતા ધરાવતો આ પ્રસ્તાવિત પ્લાન્ટ સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી માટે ગુજરાત સરકાર સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે.
 
અમૂલફેડ ડેરી દૂધની વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં આઇસ્ક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, લસ્સી, છાશ, માખણ, બેબી ફૂડ, ડેરી વ્હાઇટનર, દૂધ, દહીં અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તે ગુજરાતમાં ડેરી સહકારી સંસ્થાઓ માટેના સર્વોચ્ચ રાજ્ય સ્તરીય માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફનો એક ભાગ છે, જે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.
 
અમૂલ ફેડરેશનએ 18 જિલ્લા દૂધ સંઘો, 18563 ગ્રામ સ્તરની દૂધ સહકારી મંડળીઓ અને 36 લાખથી વધુ દૂધ ઉત્પાદક સભાસદો સાથે મળીને ભારતમાં સૌથી મોટું ડેરી સહકારી નેટવર્ક છે. આ ફેડરેશન દેશનું સૌથી મોટું ખાદ્ય સંગઠન છે જેનું ગ્રૂપ ટર્નઓવર વર્ષ 2020-21માં રૂ. 53,000 કરોડ જેટલું હતું અને તેને વર્ષ 2025 સુધીમાં રૂ. 1 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
 
અમૂલ ફેડરેશન પાસે 87 જેટલા ડેરી પ્લાન્ટ્સ છે, જેની કુલ દૂધ સંચાલન ક્ષમતા દરરોજ 39 મિલિયન લિટર છે. ગુજરાતમાં તેના વ્યાપક નેટવર્ક ઉપરાંત અમૂલ ફેડરેશન દેશના અન્ય 13 રાજ્યોમાં પણ દૂધ સંપાદન કરે છે જેના માટે તેના કેટલાક સભ્ય દૂધ સંઘોએ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પણ સ્થાપી છે.