બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (06:11 IST)

Lok Sabha Election 2024 - લોકસભાની ચૂંટણી ગુજરાતમાં ક્યારે યોજાશે?

Narendra Modi Lok sabha election
- લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે માસમાં યોજાય એવી શક્યતા 
- વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે જંગ 
- નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે
  
જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે તેમ તેમ લોકસભાની ચૂંટણીના ભણકારા તીવ્ર બનતા જઈ રહ્યા છે. સામાન્યપણે લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે માસમાં યોજાતી હોઈ આ વખતે પણ આ જ સમયમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીપ્રક્રિયા હાથ ધરાય એવી સંભાવના છે. આ વખતે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે જંગ જામે તેવી સંભાવના છે.
 
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો સામેની બાજુએ વિપક્ષે પણ પીએમ મોદીની આગેવાનીમાં ભાજપને હંફાવવા તૈયાર હોવાનો હુંકાર ભર્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. પાછલી બે વખતથી ગુજરાતની તમામ લોકસભા બેઠકો કબજે કરનાર ભાજપે આ વખત ‘ક્લીન સ્વીપની હેટ્રિક’નો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આથી પણ ભાજપ માટે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવાની છે.
 
ગત લોકસભા ચૂંટણીની માફક 18મી લોકસભા ચૂંટણીનું મતદાન પણ તબક્કાવાર યોજાઈ શકે છે. નોંધનીય છે કે 17મી લોકસભાની મુદત 16 જૂનના રોજ સમાપ્ત થવા જઈ રહી છે. જે પહેલાં મતગણતરી સહિતની લોકસભાની ચૂંટણીને લગતી મોટા ભાગની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે.
આ સંભાવના અને નિકટ આવતી જતા સમયને ધ્યાને લેતાં ભાજપ સહિત તમામ દળો ‘ચૂંટણી મોડ’માં આવી પણ ગયાં છે. આ લોકસભા ચૂંટણીની સંભવિત તારીખો અને અન્ય બાબતો અંગે વાત કરતા પહેલાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણીનું પરિદૃશ્ય સમજી લઈએ.
 
ગત વખતે શું હતી ચૂંટણીપરિણામની સ્થિતિ?
 
17મી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બીજી ટર્મ માટે ‘મૈં ભી ચોકીદાર’ના નારા સાથે ચૂંટણીમેદાને ઊતર્યા હતા.
આ ચૂંટણી માટેનું મતદાન સાત તબક્કામાં યોજાયું હતું. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાયું હતું. તેમજ 23 મે, 2019ના રોજ પરિણામ જાહેર કરાયાં હતાં. જેમાં, ભાજપની આગેવાનીમાં નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ)ને 543માંથી 353 બેઠકો મળી હતી. જ્યારે ભાજપ આપબળે આ ચૂંટણીમાં 303 બેઠકો મેળવી લાવ્યો હતો, જે વર્ષ 2014ના તેના 282 બેઠકો પર જીતના રેકૉર્ડ કરતાં પણ વધુ હતો.
 
સામેની બાજુએ મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ આ વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં અનુક્રમે 44 અને 52 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. જો ગુજરાતની વાત કરીએ તો ગત વખતે ત્રીજા તબક્કામાં રાજ્યની 26 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.
 
આ વખતે ગુજરાત ભાજપે રાજ્યમાં તમામ બેઠકો જીતવાની સાથોસાથ દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમજ ગત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો મેળવી રાજ્યમાં ત્રીજા નંબરની પાર્ટી બની હતી. આ બંને ફેકટરોને કારણે આ વખતની ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.
 
લોકસભા ચૂંટણીની સંભવિત તારીખો કઈ? 
 
ભારતની લોકસભાની ચૂંટણીને ‘સમગ્ર વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું પર્વ’ ગણાવવામાં આવે છે. ભારત સહિત વિશ્વની નજર લોકસભાની ચૂંટણી પર રહેતી હોય છે. જોકે, લોકશાહીના આ પર્વની સંભવિત તારીખોની હજુ સુધી જાહેરાત કરાઈ નથી. ભારતનું ચૂંટણીપંચ આગામી અમુક સમયમાં લોકસભાની ચૂંટણીનું સમયપત્રક બહાર પાડી શકે છે. જોકે, મોટા ભાગે ચૂંટણી આ વર્ષના એપ્રિલ-મે માસ દરમિયાન યોજાઈ શકે છે. ઘણા સમયથી ચૂંટણીની તારીખો જાહેર કરાવાની રાહ જોવાઈ રહી છે. અહેવાલો અનુસાર ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચના પ્રથમ અઠવાડિયા દરમિયાન આ જાહેરાત થઈ શકે છે.
 
કેટલા તબક્કામાં યોજાશે મતદાન?
 
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના મતદાનની વાત કરીએ તો એ નવ તબક્કામાં યોજાયું હતું, જ્યારે વર્ષ 2019ની ચૂંટણીનું મતદાન સાત તબક્કામાં હાથ ધરાયું હતું.  જોકે, આ વખતે કેટલા તબક્કામાં મતદાન યોજાશે એ તો ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરાયા બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ આ વખતે પણ મતદાન તબક્કાવાર યોજાય તેવી પૂરી સંભાવના છે.
 
2024ની ચૂંટણીમાં કેટલા મતદાર મતદાન કરી શકશે?
 
ભારતના ચૂંટણીપંચના ડેટા અનુસાર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 90 કરોડ મતદારો મત આપવાને પાત્ર હતા. જે પૈકી દોઢ કરોડ તો નવા મતદારો હતા. કેટલાક અહેવાલો અનુસાર 2024ની લોકસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં છ કરોડનો વધારો થઈ શકે છે. આમ, કુલ મતદારોની સંખ્યા 90થી વધીને 96 કરોડ થઈ શકે છે.