મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (12:07 IST)

ખંભાળિયામાં આશ્ચર્યજનક કાર્યક્રમ, ખેડૂતોએ ભીખ માંગીને રૃપિયા એકઠા કરી સરકારને મોકલ્યા

ખંભાળિયામાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદીમાં અન્યાય થયાનાં આક્રોશ સાથે ચાલતા ૭૨ કલાકના ઉપવાસ આંદોલનના આજે બીજા દિવસે ખેડૂતોએ ભીખ માંગીને રૃપિયા એકઠા કરી સરકારને મોકલવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો. ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી ત્યારથી આ યોજના લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે.

જે બાબતે સરકારનું અનેક વખત ધ્યાન દોરવા છતાં કોઈ જ નિર્ણય ન લેવાતા ખેડૂતોએ ગત ૭ માર્ચનાં રોજ કલેક્ટરને આપેલી ૮ દિવસની મુદત પુરી થતા ૨૦ માર્ચથી વિવિધ ૬ મુદ્દાઓ જેવા કે, મગફળી વેચાઈ ગઈ છે પણ રૃપિયા આવ્યા નથી, ૫ માર્ચથી ૯ માર્ચ વચ્ચે સરકારે ખેડૂતોને મેસેજ મોકલ્યા પણ મગફળી ખરીદી નહિ, મગફળી ચાર-ચાર મહિનાથી ટેકાના કેન્દ્રોમાં ધૂળ ખાય છે પણ કોઈ ખરીદદાર નથી, ટેકાના કેન્દ્રો વાળાએ ટોકન આપ્યા છે પણ મગફળી ખરીદતા નથી, જમીન માપણીનાં ગોટાળા સુધારવાની જગ્યાએ બગાડે છે તેમજ કપાસનો પાકવીમો હજુ જાહેર નથી થયો વગેરે માંગ લઈ ગઈકાલથી ખંભાળિયામાં ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જિલ્લાના ખેડૂતો ૭૨ કલાકના ઉપવાસ આંદોલન પર બેઠા છે, જેનો આજે બીજો દિવસ હતો. કૃષિમંત્રી બોલીને બદલી જાય, સરકાર બોલીને બદલી જાય તો ખેડૂતો જાય તો જાય ક્યાં? સરકાર પાસે તાયફા કરવાના રૃપિયા છે પણ ખેડૂતને આપવાના રૃપિયા નથી. મગફળી ખરીદવાનાં રૃપિયા નથી. ચાર-ચાર મહિનાથી ખેડૂતોની મગફળીના રૃયિયા સરકાર વાપરે છે તો ખરેખર સરકાર ટેકો આપે છે કે ખેડૂતો પાસેથી ટેકો લ્યે છે એવા આક્રોશ સાથે આજે ઉપવાસી ખેડૂતોએ ખંભાળિયાના રાજમાર્ગ પરથી પસાર થતાં લોકો પાસે ભીખ માંગી રૃપિયા એકઠા કરી સરકારને મોકલવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. ખેડૂતોનું કહેવું હતું કે, સરકાર પાસે જો રૃપિયા ન હોય તો ખેડૂતો ભીખ માંગવા પણ તૈયાર છે. હજુ પણ જો સરકાર તાત્કાલિક પ્રશ્નોનો ઉકેલ લાવે, નહિતર રોજ નવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે, તેવી ખેડૂતોએ ચીમકી આપી છે.