શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (10:55 IST)

Ukraine-Russia war: : રશિયાની આટલી મોટી સેના છતાં યુક્રેનને કેમ ઝુકાવી શકતું નથી?

રશિયા પાસે વિશ્વની એક સૌથી શક્તિશાળી અને સૌથી મોટી સેના છે, પરંતુ અત્યાર સુધીના યુક્રેન પરના આક્રમણમાં એવું બિલકુલ લાગ્યું નથી. પશ્ચિમના મોટા ભાગના લશ્કરી બાબતોના વિશ્લેષકો યુદ્ધભૂમિમાં રશિયાના પ્રદર્શન સામે અવાક છે, એક વિશ્લેષકે તો તેને "નિરાશાજનક" પણ ગણાવી દીધું છે.
 
તેની લશ્કરી આગેકૂચ અટકી ગઈ હોય તેવું લાગે છે. કેટલાક તો એવો પ્રશ્ન કરે છે કે તેને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કેવી રીતે કરશે.
 
આ અઠવાડિયે નેટોના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ બીબીસીને કહ્યું, "રશિયનો સ્પષ્ટપણે તેમનું લક્ષ્ય હાંસલ કરી શક્યા નથી અને કદાચ તે છેલ્લે સુધી હાંસલ કરી શકશે નહીં."
 
તો હવે પ્રશ્ન એ થાય છે કે ભૂલ ક્યાં થઈ?
 
મેં પશ્ચિમના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને ગુપ્તચર અધિકારીઓ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે રશિયાએ ક્યાં ભૂલો કરી.
 
રશિયાએ પ્રથમ ભૂલ યુક્રેનની પ્રતિકારની શક્તિને ઓછી આંકવાની કરી હતી. રશિયાએ એવું માની લીધું કે યુક્રેન પાસે મર્યાદિત ક્ષમતાઓ સાથેની નાનકડી સેના છે.
 
 
ખોટું અનુમાન
 
રશિયાનું વાર્ષિક સંરક્ષણ બજેટ 60 અબજ ડૉલરનું છે, તેની સરખામણીમાં યુક્રેનનું બજેટ માત્ર ચાર અબજ ડૉલરનું છે.
 
એટલે જ રશિયાએ પોતાની સૈન્યક્ષમતાને વધારે પડતી આંકી. રાષ્ટ્રપતિ પુતિને તેમની સૈન્ય માટે મહત્ત્વાકાંક્ષી આધુનિકીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને કદાચ તેના પ્રચાર પર તેમણે પોતે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
એક વરિષ્ઠ બ્રિટિશ સૈન્ય અધિકારીનું કહેવું છે કે રશિયાનું મોટા ભાગનું રોકાણ તેના વિશાળ પરમાણુ શસ્ત્રો અને તેનાં પરીક્ષણ પર થાય છે, જેમાં હાઇપરસોનિક મિસાઇલ જેવાં નવાં શસ્ત્રો વિકસાવવાનું પણ સામેલ છે.
 
એવું માનવામાં આવે છે કે રશિયાએ વિશ્વની સૌથી આધુનિક ટૅન્ક T-14 અરમાટા બનાવી છે. તે મોસ્કોના રેડ સ્ક્વેર પર વિજયદિવસની પરેડમાં જોવા મળી હતી પરંતુ યુદ્ધભૂમિમાં જોવા મળી નથી.
 
રશિયાએ મોટા ભાગે તેની જૂની T-72 ટૅન્ક, બખ્તરબંધ વાહનો, આર્ટિલરી અને રૉકેટ લૉન્ચર મેદાનમાં ઉતાર્યાં છે.
 
રશિયાના આક્રમણની શરૂઆતમાં તેને હવાઈહુમલામાં નોંધપાત્ર ફાયદો થયો હતો અને તે યુક્રેનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલાઓ કરી રહ્યું હતું, કારણ કે રશિયાના ત્રણની સામે યુક્રેન પાસે માત્ર એક જ જહાજ છે.
 
 
મોટા ભાગના લશ્કરી વિશ્લેષકો માનતા હતા કે રશિયા ટૂંક સમયમાં હવાઈક્ષેત્રે ફતેહ હાંસલ કરી લેશે, પરંતુ એવું થયું નહીં. યુક્રેનનું હવાઈસંરક્ષણ હજુ પણ અસરકારક છે અને રશિયાની ક્ષમતાઓને મર્યાદિત કરી રાખી છે.
 
મોસ્કો પણ માની રહ્યું હતું કે તેનાં વિશેષ દળો એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, ઝડપી સહાય પૂરી પાડશે, પરંતુ આમાં પણ તેને મોટો આંચકો લાગ્યો.
 
એક વરિષ્ઠ પશ્ચિમી ગુપ્તચર અધિકારીએ બીબીસીને જણાવ્યું કે રશિયાને લાગતું હતું કે તે સ્પેચનિયત્સ અને વીડીવી પેરાટ્રૂપર્સની એક નાનકડી અને આગેવાન ટુકડીને ઉતારીને "કેટલાક રક્ષકોને મારી નાખશે". પરંતુ થોડા દિવસો પછી જ્યારે કિએવ નજીક હોસ્તોમિલ ઍરપૉર્ટ પર હેલિકૉપ્ટર હુમલો નિષ્ફળ ગયો, ત્યારે રશિયા પાસે સૈનિકો, સાધનો અને ખાવા-પીવાની વસ્તુઓ લાવવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો.
 
તેનાથી વિપરીત, રશિયાએ તેમની સાધન-સામગ્રી રોડ માર્ગે લાવવી પડી હતી. આના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ અને તેનાથી યુક્રેનિયન દળોને આક્રમણ કરવાનું સરળ લક્ષ્ય મળી ગયું. કેટલાંય ભારે શસ્ત્રોથી સજ્જ વાહનો રસ્તા પરથી ઊતરી ગયાં અને કાદવમાં ફસાઈ ગયાં.
 
દરમિયાન, રશિયન સૈન્યના લાંબા કાફલાની ઉપગ્રહ છબી જોવા મળી જેમાં કાફલો ઉત્તરથી આગળ વધી રહ્યો હતો, તેમ છતાં તે કિએવને ઘેરવામાં નિષ્ફળ રહ્યું. રશિયાને દક્ષિણ તરફથી સૌથી મહત્ત્વની સરસાઈ મળી છે, જ્યાંથી તે રેલવે લાઇન દ્વારા તેનાં સુરક્ષા દળોને સામાન પહોંચાડવામાં સક્ષમ છે.
 
બ્રિટનના સંરક્ષણસચિવ બેન વોલેસે બીબીસીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની સેનાએ "ગતિ ગુમાવી દીધી છે".
 
"તેઓ ફસાયેલા છે અને તેઓ ધીમે-ધીમે પરંતુ જીવન અને સંપત્તિનું ભારે નુકસાન સહન કરી રહ્યા છે."
 
નુકસાન અને તૂટતું મનોબળ
 
 
રશિયાએ યુક્રેન પર હુમલો કરવા માટે 1.90 લાખ સૈનિકો એકત્ર કર્યા હતા, જેમાંથી મોટા ભાગના પહેલાંથી જ યુદ્ધ માટે મેદાનમાં હાજર છે. તેમાંથી 10% સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. રશિયન અને યુક્રેનિયન સૈન્યમાં કેટલા સૈનિકો માર્યા ગયા તેનો કોઈ આધારભૂત આંકડો નથી.
 
યુક્રેન દાવો કરે છે કે 14,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે અમેરિકાનો અંદાજ છે કે આ સંખ્યા અડધી હોઈ શકે છે.
 
પશ્ચિમી અધિકારીઓનું કહેવું છે કે એવા પુરાવા પણ છે કે રશિયન સૈનિકોનું મનોબળ ઘટી રહ્યું છે. એક અધિકારી કહે છે કે મનોબળ 'ખૂબ, ખૂબ, ખૂબ નીચું છે.'
 
અન્ય એક અધિકારીનું કહેવું છે કે સૈનિકો "ઠંડીમાં છે, થાકેલા છે અને ભૂખ્યા છે". બેલારુસમાં હિમવર્ષા વચ્ચે અઠવાડિયા સુધી રશિયા હુમલો કરવાનો આદેશ આપે તેની રાહ જોઈ રહ્યા હતા.
 
રશિયા તેના માર્યા ગયેલા સૈનિકોની ભરપાઈ કરવા માટે રિઝર્વ યુનિટના સૈનિકોને બોલાવવાનું વિચારી રહ્યું છે. આમાં ભૂતકાળમાં તહેનાત કરાયેલા સૈનિકોથી લઈને આર્મેનિયામાં તહેનાત કરાયેલા સૈનિકોનો સમાવેશ થાય છે.
 
પશ્ચિમી અધિકારીઓનું માનવું છે કે "ભારે સંભાવના" છે કે ઘણા વિદેશી સીરિયન સૈનિકો, જેને "ભાડૂતી" તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ યુદ્ધમાં સામેલ થઈ શકે છે.
 
માલ-સામાનનો પુરવઠો
 
રશિયા મૂળભૂત બાબતો માટે સંઘર્ષ કરી રહ્યું છે. સૈન્યમાં એક જૂનો દાખલો છે કે જ્યારે સમજ્યા વગરની રણનીતિની વાત આવે, ત્યારે વ્યાવસાયિક સાધનોની વાત આવે છે. એવા પુરાવા છે કે રશિયાએ વિચારવામાં વધુ સમય લીધો નથી.
 
બખ્તરબંધ ટુકડીઓ પાસે ઑઇલ, ખોરાક અને દારૂગોળાની તંગી છે. વાહનો તોડી નાખવામાં આવ્યાં છે અને તેને રેઢાં છોડી દેવામાં આવ્યાં છે, જેને યુક્રેનિયન ટ્રેક્ટરો ખેંચીને લઈ જઈ રહ્યાં છે.
 
પશ્ચિમી અધિકારીઓનું માનવું છે કે રશિયા પાસે દારૂગોળાની અછત હોવાની શક્યતા છે. તે ક્રૂઝ મિસાઇલો સહિત 850-900 જેટલી લાંબા અંતરની ગાઇડેડ મિસાઇલો છોડી ચૂક્યું છે, જેમાં ક્રૂઝ મિસાઇલ પણ સામેલ છે, તેમને અનગાઇડેડ શસ્ત્રોથી બદલવું ખૂબ મુશ્કેલ છે.
 
ખામીઓને પહોંચી વળવા માટે રશિયાએ ચીન પાસે મદદ માગી છે, જેના પર અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે.
 
તેનાથી વિપરીત, યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી સતત શસ્ત્રોનો પુરવઠો મળી રહ્યો છે, જેણે તેમનું મનોબળ વધારી દીધું છે.
 
અમેરિકાએ પણ જાહેરાત કરી છે કે તે સંરક્ષણ સહાય પેટે 80 કરોડ ડૉલરની વધારાની સહાય આપશે. સાથે એન્ટી ટૅન્ક અને એન્ટી ઍરક્રાફ્ટ મિસાઈલ પણ આપવામાં આવશે, એવી અપેક્ષા છે કે યુએસ નિર્મિત આત્મઘાતી ડ્રોન સ્વિચબ્લેડ જેવાં હથિયારો પણ આપી શકે છે.
 
પશ્ચિમી અધિકારીઓ હજુ પણ ચેતવણી આપી રહ્યા છે કે રાષ્ટ્રપતિ પુતિન 'વધુ ક્રૂરતા આચરી શકે છે.' તેઓ કહે છે કે પુતિન પાસે હજુ પણ યુક્રેનનાં શહેરોને નષ્ટ કરવાની શક્તિ છે.
 
આ બધા આંચકા છતાં એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની "અટકી જવાની સંભાવના ઓછી છે અને તેઓ આક્રમણ વધારી શકે છે. તેઓ માને છે કે રશિયા યુક્રેનને લશ્કરી રીતે હરાવી શકે છે."
 
યુક્રેનના જવાનોએ ભારે લડત આપી છે, અને તેમના અધિકારીઓએ પણ ચેતવણી આપી છે કે મહત્ત્વપૂર્ણ પુરવઠા વિના તેઓ પણ "શસ્ત્રો અને સંખ્યાના સંદર્ભમાં પાછા પડી શકે છે".