ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By હેતલ કર્નલ|
Last Modified: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (11:34 IST)

નવલી નવરાત્રિમાં ગરબાની રમઝટ સાથે નૅશનલ ગેમ્સનો રંગારંગ પ્રારંભ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું ઈ-લોકાર્પણ

36 th national games
ગુજરાતની યજમાનીમાં યોજાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે શાનદાર શુભારંભ થયો હતો. ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાની રમઝટ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે દેશના સૌથી મોટા રમતોત્સવનો રંગારંગ પ્રારંભ થયો.
 
નેશનલ ગેમ્સનો શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ અને વૈશ્વિક ફલક પર સન્માનનો રમત–ગમત સાથે સીધો સંબંધ છે. યુવાનો રાષ્ટ્ર ઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે જ્યારે સ્પોર્ટ્સ યુવાનોમાં ઊર્જા અને ઉત્તમ જીવનનિર્માણનો પ્રમુખ સ્ત્રોત બની રહે છે. 
 
વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે વિકાસમાં ઉચ્ચ સ્થાને રહેલા દેશો રમત ગમત અને આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ વિજેતામાં પણ અગ્રેસર રહે છે. ખેલના મેદાનમાં ખેલાડીઓની જીત અને દમદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રોમાં પણ જીતનો રસ્તો બનાવે છે. સ્પોર્ટસ પાવર દેશની ઓળખ ઉભી કરવામાં  મહત્વની ભૂમિકા ભજવે છે.
 
વડાપ્રધાનએ આઝાદીના અમૃત કાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સ્ટાર્ટ્સ વિથ એક્શન એટલે કે કોઇપણ કાર્યની શરૂઆત કરીને તે પથ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સતત ચાલતા રહેવાના જુસ્સા સાથે જ નવા ભારતની શરૂઆત કરી છે. દેશ અને દુનિયામાં રમાતી વિભિન્ન રમતો વર્ષો સુધી ભારતીય માટે ફક્ત સામાન્યજ્ઞાન સુધી સિમીત રહી હતી, પરંતુ છેલ્લાં આઠ વર્ષમાં રમત-ગમત ક્ષેત્રે દેશ અને યુવાનોનો મિજાજ બદલાયો છે. 
 
8 વર્ષ અગાઉ દેશના રમતવીરો 100 જેટલી જ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટમાં જ ભાગ લઇને જૂજ રમતોમાં સહભાગી બનતા હતા, જ્યારે આજે દેશના યુવા રમતવીરો 300થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટમાં ભાગ લઇ ને 40થી વધુ રમતો રમતા થયા છે. જેના પરિણામે ભારતના મેડલની સંખ્યા સાથે દેશની ચમક પણ વધી છે. 
 
વડાપ્રધાનએ કોરોનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયગાળામાં પણ  સરકારે ખેલાડીઓનું મનોબળ તૂટવા દીધું નથી. કેન્દ્ર સરકારે યુવાનોને રમત ગમત માટેનાં તમામ સંસાધનો આપ્યા છે. દેશમાં સ્પોર્ટ્સ સ્પિરિટની સાથે સ્પોર્ટ્સના ડેવપલમેન્ટ માટે કામ કર્યું, જેના પરિણામે જ તાજેતરમાં રમાયેલા ઓલમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સૌથી વધુ મેડલ જીત્યા છે. તદ્ઉપરાંત તાજેતરની પેરાઓલ્મિપકમાં 47 જેટલા રેકોર્ડ બ્રેક મેડલ જીત્યા છે. રમત ગમતમાં દેશની દીકરીઓ પણ ખભેથી ખભા મિલાવીને ભાગીદાર બનીને તિરંગાની શાન વધારી રહી છે, એવું વડાપ્રધાન શ્રીએ ઉમેર્યું હતું.
 
વડાપ્રધાનએ વધુમાં જણાવ્યું કે આજે છેલ્લાં 8 વર્ષમાં યુવાનોમાં સ્વપ્નને સાકાર કરી શકવાનો વિશ્વાસ વધ્યો છે. સરકાર હવે રમત ગમત માટે માત્ર યોજનાઓ બનાવતી નથી, બલકે યુવાનોની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વઘી રહ્યો છે. જેના પરિણામે ખેલાડીઓને વધુમાં વધુ સંસાધનો અને અવસર પ્રાપ્ત થઇ રહ્યા છે. છેલ્લાં 8 વર્ષમાં રમતગમત ક્ષેત્રનું બજેટ 70 ટકા વધ્યું છે. ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા આજે જન આંદોલન બન્યાં છે, તેમ વડાપ્રધાનએ ઉમેર્યું હતું.
 
સ્પોર્ટસ અને રમતો ભારતીય સંસ્કૃતિ અને સંભ્યતા નો અભિન્ન હિસ્સો હોવાનું જણાવી વડાપ્રધાન શ્રીએ કહ્યું કે, આપણી વિરાસતના ગર્વ સાથે ખેલની પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી રહી છે. કલારીયપટ્ટું અને યોગાસન જેવી પ્રાચીન ભારતીય રમતોને આ નેશનલ ગેમ્સમાં સામેલ કરીને  હજારો વર્ષોની પરંપપરાને આગળ વધારીને ખેલ જગતના ભવિષ્યને નેતૃત્વ આપ્યું છે. 
 
અમદાવાદના ડ્રોન શો નો ઉલ્લેખ કરતા વડાપ્રધાન એ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં જે પ્રકારનો શાનદાર અને ભવ્ય શો યોજાયો તે જોઇને દરેક ભારતીય ગૌરવપૂર્ણ ઘટના બની રહી. ડ્રોન ટેકનોલોજી જેવો શ્રેષ્ઠ ઉપયોગ ગુજરાત અને ભારતને નવી વૈશ્વિક ઉંચાઇઓ પર લઇ જશે જેમાં બેમત નથી.સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન એ જણાવ્યું કે, આ કોમ્પલેક્ષમાં ફુટબોલ, હોકી, બોક્સિંગ, બાસ્કેટબોલ, કબડ્ડી જેવી અનેક રમતોની સુવિધાઓ એક સાથે ઉપલ્બધ જે તે સમગ્ર દેશ માટે એક મોડલરૂપ બની રહેશે.
 
દેશનાં 36 રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 7000થી વધુ ખેલાડીઓ, 35,000થી વધુ કૉલેજ-યુનિવર્સિટીઓના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ગેમ્સમાં સીધા સહભાગી બનીને 36મી નેશનલ ગેમ્સના ‘જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા’ એન્થમને સાકાર કર્યું છે, તેમ વડાપ્રધાનએ કહ્યું હતું. 
 
વડાપ્રધાનએ માહોલ જોઈને જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સના શુભારંભ પ્રસંગે સર્જાયેલ દૃશ્યો, તસ્વીર અને માહોલ અવિસ્મરણીય છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં, વિશ્વનો સૌથી યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવનું આયોજન અદભુત અને અદ્વિતીય હોય ત્યારે તેની ઊર્જા પણ એવી જ અસારધારણ હોવાની તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતુ. વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર ટીમ ગુજરાતને ખૂબ જ ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સનું શ્રેષ્ઠ આયોજન કરવા બદલ પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા.