IND vs PAK: ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાનને કર્યું બહાર, લીગ મેચમાં હરાવ્યું
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકીના મેદાન પર રમાઈ. જ્યાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4-0ના અંતરથી હરાવ્યું. ટીમ ઈન્ડિયા આ મેચ પહેલા જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ આ મેચ પણ જીતીને પાકિસ્તાનની ટીમને સેમીફાઈનલની રેસમાંથી બહાર કરી દીધી હતી. સાથે જ પાકિસ્તાને અંતિમ-4માં જવા માટે કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવાની હતી, પરંતુ તે તેમ કરી શક્યું નહીં. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટની પ્રથમ પાંચમાંથી ચાર મેચ જીતીને છેલ્લી 4માં સ્થાન બનાવી લીધુ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની એક મેચ જાપાન સામે ડ્રો થઈ હતી. ટીમ ઈન્ડિયા 6 ટીમની આ ટૂર્નામેન્ટના પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ એક જીત, બે હાર અને બે ડ્રો સાથે 5 મેચમાંથી 5 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
કેવી રહી મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ પાકિસ્તાન ટીમ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે બે વખત પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યા હતા. જુગરાજ સિંહે પણ ત્રીજા ક્વાર્ટરમાં બીજા પેનલ્ટી કોર્નરને ફેરવીને સ્કોરશીટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આકાશદીપ સિંહે અંતિમ ક્વાર્ટરમાં મનદીપના બોલને ટેપ કરીને અંતિમ કિલ ફટકારી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ 4-0થી મેચ જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ તોડ્યું પાકિસ્તાનનું સપનું
ચેન્નાઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનું સપનું તોડી નાખ્યું. સેમિફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો જાપાન સાથે થશે જ્યારે પ્રથમ સેમિફાઇનલમાં મલેશિયા અને કોરિયાની ટીમો સામસામે ટકરાશે. આ ઉપરાંત પાકિસ્તાન અને ચીનની ટીમો પાંચમા સ્થાન માટે લડશે. પાકિસ્તાન અને ચીનની ટીમો હાલમાં ખિતાબી મુકાબલામાંથી બહાર છે. સાથે જ ટીમ ઈન્ડિયા માટે પણ સેમીફાઈનલ મેચ આસાન નથી. તેમણે પોતાની સેમિફાઇનલ એ જ જાપાન સામે રમવાની છે જે લીગ સ્ટેજમાં તેમણે ડ્રો કરી હતી.