ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (12:22 IST)

નેશનલ ચેસ બોક્સીંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના ખેલાડીઓનો ધમાકેદાર પર્ફોર્મન્સ

ગુજરાતના પાંચ ખેલાડી આ વર્ષે હવે પછી તુર્કીમાં રમાનાર વર્લ્ડ ચેસ બોક્સીંગ ચેમ્પિયનશીપ લેશે ભાગ
 
અમદાવાદમાં રમાયેલી 10મી નેશનલ ચેસ બોક્સીંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના ખેલાડીઓએ ધમાકેદાર દેખાવ કર્યો છે અને ઘણી કેટેગરીમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ચેસ બોક્સીંગ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત અને ચેસ બોક્સીંગ એસોસિએશન ઓફ ગુજરાતના યજમાનપદે શાહીબાગના રિલાયન્સ મૉલ ખાતે રમાયેલી 10મી ચેસ બોક્સીંગ ચેમ્પિયનશીપ તા.9 થી 11 દરમ્યાન યોજાઈ હતી અને તેમાં બે દિવસ દરમ્યાન કુલ 80 મેચ રમાઈ હતી. આ મેચમાં દેશમાંથી 120થી વધુ ખેલાડીઓ સામેલ થયા હતા. આ ચેમ્પિયનશીપમાંથી તુર્કીમાં રમાનાર વર્લ્ડ ચેસ બોક્સીંગ ચેમ્પિયનશીપ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
 
57 ગોલ્ડ, 29 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 99 મેડલ એનાયત કરવામાં આવ્યા છે, જેમાં પુરૂષ એથેલેટસને 37 ગોલ્ડ, 12 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ હાંસલ થયા છે. મહિલા ખેલાડીઓને 20 ગોલ્ડ, 7 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મળ્યો છે.  મેડલની દ્રષ્ટિએ વાત કરીએ તો આંધ્ર પ્રદેશ ચાર્ટમાં મોખરે રહયું છે અને તે પછી ઉત્તર પ્રદેશને બીજુ સ્થાન અને તામિલ નાડુને ત્રીજુ સ્થાન હાંસલ થયું છે.
 
સુરતના પ્રેમ પંડિત ગાલા નાઈટ ફાઈટમાં વિજેતા બન્યા છે અને તે પશ્ચિમ બંગાળના તેમના હરિફને પુરૂષોની 54 કી.ગ્રા.ની સિનિયર મેન્સ કેટેગરીમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયશીપ માટે ક્વોલિફાય થયા છે.ગુજરાતના ઈન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર તેજ બાકરેને માસ્ટર્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ થયો છે, જ્યારે અર્જુન ભંડારીને 62 કી.ગ્રા.ની સબ-જુનિયર બોયઝ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.
 
95 કી.ગ્રા.ની સિનિયર મેન કેટેગરીમાં પાર્થ શાહે, ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડલ વિજેતા કેરાલાના માધવ કરતાં બહેતર દેખાવ કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
ગુજરાત ચેસ બોક્સીંગ એસોસિએશનના સેક્રેટરી અંકિત દલાલને 95 કી.ગ્રી.થી વધુની સિનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ હાંસલ થયો છે.  સમાન કેટેગરીમાં સિમીત શાહને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે.
 
વર્લ્ડ ચેસ બોક્સીંગ ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ મોન્ટુ દાસ જણાવે છે કે “10મી ચેસ બોક્સીંગ ચેમ્પિયનશીપને અમદાવાદમાં જે ઉત્તમ પ્રતિભાવ મળ્યો છે તે બદલ અમે રોમાંચિત છીએ. ગુજરાતના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને ચેસ બોક્સીંગની આ અનોખી રમતમાં ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો છે. અમને વિશ્વાસ છે કે ચેસ બોક્સીંગ ભારતમાં ખૂબ જ લોકપ્રિય રમત બની રહેશે. 
 
હું તમામ ખેલાડીઓ અને મેડલ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવું છું. આ તબક્કે હું ચેસ બોક્સીંગ એસોસિએશન ઓફ ગુજરાતનો આ રમતના સુંદર આયોજન બદલ આભાર માનું છું.” તેજસ બાકરે અને પ્રેમ પંડિત ઉપરાંત  અર્જુન ભંડારી, પાર્થ શાહ અને અંકિત દલાલ પણ વર્લ્ડ ચેસ બોક્સીંગ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય થયા છે.
 
ગુજરાત ચેસ બોક્સીંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ મેહુલ મહેતાએ જણાવ્યું હતું કે “આ ચેમ્પિયશીપની ઘણી મેચમાં અમને ભારે રસાકસી જોવા મળી હતી અને રમતના ચાહકોએ ચેમ્પિયનશીપને મોટી સફળતા અપાવી છે. અમે ચેસ બોક્સીંગ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાના આભારી છીએ કે તેમણે આ ચેમ્પિયનશીપ યોજવાની તક પૂરી પાડી છે.”ભવ્ય ક્લોઝીંગ સેરેમનીમાં ચેસ બોક્સીંગ ઈન્ડિયાના ચેરમેન અનિન્દય બેનરજી સહિતના મહાનુભવોના હસ્તે વિજેતાઓને મેડલ્સ અને પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા.
 
ગુજરાત ચેસ બોક્સીંગ એસોસિએશનના સેક્રેટરી અંકિત દલાલ જણાવે છે કે “ચેસ બોક્સીંગ એ અનોખી રમત છે કે જેમાં ખેલાડીમાં બૌધ્ધિક અને શારીરિક તાકાત જરૂરી બની રહે છે. 10મી ચેસ બોક્સીંગ ચેમ્પિયનશીપને જે અદ્દભૂત પ્રતિભાવ પ્રાપ્ત થયો છે તેનાથી અમને વિશ્વાસ છે કે ગુજરાત અને અન્ય સ્થળોએ આ રમતને ભારે  લોકપ્રિયતા પ્રાપ્ત થશે.”