રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 2 નવેમ્બર 2019 (10:24 IST)

ચીનમાં 5G સેવાની શરૂઆત, ડેટા-પ્લાન કેટલા રૂપિયામાં?

ચીનના મોબાઇલ ઑપરેટરોએ પોતાના દેશના ગ્રાહકો માટે 5G સેવા શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ચીનમાં નવી શરૂ કરાયેલી 5G સર્વિસ હેઠળ ડેટા પ્લાનની કિંમત રૂપિયા 1300થી રૂપિયા 6000 સુધી રાખવામાં આવી છે.
ચીનના સરકારી મોબાઇલ ઑપરેટર ચાઇના મોબાઇલ, ચાઇના યુનિકૉમ અને ચાઇના ટેલિકૉમે ગુરુવારે 5G ડેટા પ્લાન શરૂ કરવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે ચીન પહેલાં દક્ષિણ કોરિયા અને અમેરિકામાં 5Gની શરૂઆત થઈ ચૂકી છે. આ સેવા ચીનનાં 50 શહેરોમાં શરૂ કરાઈ હતી, જેમાં બેજિંગ અને શંઘાઈ સામેલ છે.
 
દિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી, પ્રદૂષણસ્તર 9 મહિનાની ટોચે
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઇમરજન્સીની સ્થિતિમાં પહોંચી ગયું છે. શુક્રવારે દિલ્હીનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ એકંદરે 459 નોંધાયો હતો. જ્યારે ઘણા વિસ્તારોમાં તો તે 500 સુધી પહોંચી ગયો હતો.
આ બાબત ધ્યાન પર લેતાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી 'પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ ઑથૉરિટી'એ શુક્રવારના રોજ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી હતી.
નોંધનીય છે કે 5 નવેમ્બર સુધી રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાનો, સમગ્ર શિયાળા દરમિયાન ફટાકડા ન ફોડવાનો હુકમ કરાયો છે.
આ સિવાય શહેરીજનોને ખુલ્લામાં ફરવા કે કસરત નહીં કરવાની સલાહ અપાઈ છે.
 
અખાતના દેશોએ મોરબી સિરામિકઉદ્યોગની પેદાશો પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદી
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ (GOC)એ ભારતમાંથી આયાત કરાતી સિરામિક પ્રોડક્ટ ઉપર 40%થી 106% જેટલી એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે.
અખાતના દેશોના આ પગલાથી પહેલાંથી મંદીનો માર વેઠી રહેલા ગુજરાતના મોરબી ખાતેના સિરામિકઉદ્યોગ પર માઠી અસર પડવાનાં એંધાણ છે.
નોંધનીય છે કે મોરબીના સિરામિકઉદ્યોગના કુલ ઉત્પાદન પૈકી 35%થી 40% પેદાશોની અખાતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
 
બાણેજના એકમાત્ર મતદાર ભરતદાસનું નિધન
ગીરના જંગલમાં આવેલા બાણેજના એકમાત્ર મતદાર તરીકેનું બહુમાન ધરાવનાર ભરતદાસનું શુક્રવારે માંદગીના કારણે નિધન થયું હતું.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર બિમારીના કારણે તેમને રાજકોટ ખાતેની હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
નોંધનીય છે કે લોકસાભા કે વિધાનસભાની ચૂંટણીમાં ગીરના જંગલમાં આવેલા દુર્ગમ બાણેજ ગામના એકમાત્ર રહેવાસી ભરતદાસ માટે અલાયદું મતદાનમથક ઊભું કરવામાં આવતું.