શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 જુલાઈ 2021 (13:34 IST)

આજથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, ડાંગમાં રવિવારે રેડ અલર્ટ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયો છે. આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રવિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.

અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 41 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટોછવાયો વરસાદ થયો છે. કપરાડા, બોડેલી, જેતપુર પાવી, ગાંધીધામ, વાંસદા, ભચાઉ, અમદાવાદમાં સાણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે ગાંધીનગરમાં દહેગામ, તાપીમાં વાલોદ,વ્યારા, વલસાડમાં ધરમપુર, વડોદરામાં સિનોર અને ડાંગમાં આહવામાં વરસાદ થયો છે.ગુજરાતમાં હજુ સુધી 8.57 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.92 ટકા વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં 4.72 ઈંચ સાથે 28.35 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.43 ઈંચ સાથે 19.29 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 6.96 ઈંચ સાથે 22.5 ટકા, સૌરાષ્ટ્રમાં 6.61 ઈંચ સાથે 24.07 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.22 ઈંચ સાથે મોસમનો 31.92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.