1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (08:07 IST)

દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો

સુરતમાં અનેક વડીલો કોરોના વાયરસ સામે લડીને સંપૂર્ણ સ્વસ્થ થયાં હોય એવા અનેક કિસ્સા ઉજાગર થયાં છે. નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેન કિશોરભાઇ દેસાઈએ સ્મીમેરમાં ૭ દિવસની સારવાર લઈને કોરોનાને શિકસ્ત આપી છે. દેસાઈ પરિવારને ચિંતા હતી કે આ કપરાં સમયમાં તેઓ કદાચ બચી શકશે કે કેમ પરંતુ તેમણે કોરોનાને હારવીને પોતાના મક્કમ મનોબળનો પરચો આપ્યો છે. 
 
જેનાથી તેમની સારવાર કરનારા ડોક્ટરો પણ આશ્ચર્યમાં છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે જરા પણ ડર વિના હસતા મુખે કહેતા હતા કે, 'મને કંઇ ન થાય, કારણ કે મને કોરોનાથી ડર જ નથી લાગતો.' દાદીમાં સ્વસ્થ થઈને ઘરે આવ્યાં અને તરત જ પોતાનું દૈનિક કાર્ય કરવા લાગ્યા છે, જાણે કે કોરોના થયો જ ન હોય.'
 
દાદી સવિતાબેન નવસારીના ચીકુવાડી, આશાબાગ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે, કોરોના પોઝિટીવ આવતાં હોમ આઇસોલેટ થયા હતા, પણ ઓક્સિજન લેવલ ઓછું થતાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લવાયા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ૮૬ ટકા થઈ ગયુ હતું, ફેફસાંમાં ૩૦ ટકા કોરોના ઇન્ફેકશન હતું, પરંતુ સમયસર અને સઘન સારવારના પરિણામે આજે તેમનું ઓક્સિજન પ્રમાણ ૯૫ ટકા થયું છે, અને સંપૂર્ણ સ્વસ્થ થયાં છે.'
 
સવિતાબેનની પૌત્રી સેજલબેન દેસાઇ જણાવે છે કે, 'દાદીને તા.૦૮ એપ્રિલના રોજ અચાનક તબિયત બગડતાં પ્રાઇવેટ ક્લિનકમાં બતાવ્યું. બે દિવસની સારવાર બાદ કોવિડ લક્ષણો હોવાથી તા.૧૦ એપ્રિલના રોજ કોરોના પોઝિટીવ આવતાં હોમઓઇસોલેટ થયાં હતા. તા.૨૦ એપ્રિલના રોજ દાદીને અચાનક શ્વાસ લેવામાં તફલીફ પડવા લાગી, જેથી પરિવાર દ્વારા નવસારીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા, પરંતુ ત્યાં ઓક્સિજનની વ્યવસ્થા ન હોવાથી દેસાઈ પરિવાર દાદીને સુરતની સ્મીમેરમાં લાવ્યા હતાં. ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોવાથી સ્મીમેરના કોવિડ-૧૯ના વોર્ડમાં દાખલ કરી ઓક્સિજન પર રાખી સારવાર શરૂ કરવામાં આવી. સમયસરની સારવાર મળતા દાદીને શ્વાસ લેવામાં ખૂબ રાહત થઈ.
 
સેજલબેન કહે છે કે, દાદીમાનું મનોબળ તો પહેલેથી જ મક્કમ છે, પરંતુ તેમની ધાર્મિક માર્ગે સરળ અને સાદી જીવનશૈલીના કારણે કોરોના વાયરસ હાર્યો છે. અમે દરરોજ તેમનો દરેક વાતમાં દરેક કામમાં પોઝિટિવ એપ્રોચ જોઈએ છે. જે અમને પણ મોટીવેટ કરે છે.'
 
સ્મીમેરના તબીબો નિયમિત તપાસ અને દવા આપતા. સાથે હિંમત વધારતા કે, 'દાદી, તમે તો જરા પણ ડરતા નથી ને.., વહેલા ઘરે જઈને સૌને મળવું છે ને.. તમને જલ્દી જ સ્વસ્થ કરીને ઘરે મોકલવા છે.' સ્મીમેરમાં પ્રેમાળ સ્ટાફ અને તબીબોએ સારવાર મળશે એવું વિચાર્યું ન હતું, સ્વસ્થ થઈ જતાં તા.૨૭ એપ્રિલે રજા આપવામાં આવી હતી. સ્મીમેરના તબીબોનો ખુબ આભાર માનું છું કે તેમણે મને ઉમદા સારવાર આપીને મને સાજી કરી.'
 
કોરોનામુક્ત થયેલા સવિતાબેન દેસાઇ જણાવે છે કે “મને ખબર જ હતી કે હું સારી થઇ જઇશ. કારણ કે મને મારા માતાપિતાએ નાનપણથી ખુબ હિંમતવાન બનાવી છે. જેથી મને કોરોના હોય કે કોઈ પણ દર્દ હોય મને ડર જ લાગતો નથી. હું અન્ય દર્દીઓને કહું છું કે, 'આપણે કોરોનાથી ડરીશું તો કોરોના આપણા પર ગંભીર બનશે. 
 
પણ આપણી હિંમત જ આપણી ઇમ્યુનિટી વધારી શકે છે. હંમેશા કામ કરતાં રહો, પ્રવૃત્તિમય રહેશો તો સ્વાસ્થ્ય સારૂ રહેશે અને કોઇ પણ બિમારી સામે સુરક્ષિત રહી શકશો. સ્મીમેરની સારવાર કરતાં ડોક્ટરોએ મને સગી દાદી હોઉં એ રીતે સારવાર કરીને મારૂ ખુબ ધ્યાન રાખ્યું જે બદલ એમની આભારી છું '
 
કોરોના સંક્રમણની ઘાતક બની રહેલી બીજી લહેરમાં મનને શાતા આપે એવા આ પ્રકારના કિસ્સા સાંભળી 'વડીલો કોરોનાને મહાત આપી શકે તો આપણે શા માટે નહીં?' એવી પ્રેરણા જરૂર મળે છે.