નાસ્કોમ સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના સિનિયર ડિરેકટર અને સેન્ટર હેડ, અમિત સલુજા જણાવે છે કે મેન્યુફેકચરિંગનુ ડિજિટાઈઝેશન એ મેક ઈનઈન્ડીયા અને આત્મનિર્ભર ભારત માટેનુ મહત્વનુ પ્રેરક બળ બની રહેશે. બજેટમાં ડિજિટાઈઝેશન તરફનો ઝોક વર્તાઈ આવે છે. બજેટમાં એમએસએમઈ ક્ષેત્રની કાર્યક્ષમતામાં સુધારા તેમજ વૃધ્ધિ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. તેનાથી એમએસએમઈ ક્ષેત્રને તેમજ ઉદ્યોગોમાં ડિજિટલ ટેકનોલોજી અપનાવવા માટેનુ કામ કરતાં સ્ટાર્ટ-અપ્સને વેગ મળશે બજેટમાં નાણા પ્રધાને ડિજિટલ કૌશલ્યોના નિર્માણ અને ઉકેલોને વેગ આપવા પર પણ ભાર મૂક્યો છે જે ઉદ્યોગોને ખર્ચમાં ઘટાડો કરીને અને ડિજિટલ ટૂલ્સ અપનાવીને ક્ષમતાનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક બનવામાં મદદ કરી શકે છે.
દિશા કન્સલ્ટન્ટસના ડિરેકટર અનુજ પરીખ અંદાજપત્ર અંગે પ્રતિભાવ આપતાં જણાવે છે કે કોવિડ-19 મહામારીએ શિક્ષણ ક્ષેત્રને એક સેકટર તરીકે માઠી અસર કરી છે અને નાણાં પ્રધાને શિક્ષણ ક્ષેત્ર તરફ અપેક્ષિત ધ્યાન આપ્યુ છે. શિક્ષણ આપવાની સ્થિતિસ્થાપક વ્યવસ્થા ઉભી થાય તે માટે તેમણે વન કલાસ, વન ટીવી ચેનલ પ્રોગ્રામને વિસ્તારીને 12 થી 200 ટીવી ચેનલ સુધી લઈ જવાની, વર્ચ્યુઅલ લેબ અને સ્કીલીંગ ઈ-લેબ્ઝ સ્થાપવાની દરખાસ્ત કરી છે. તેનાથી ક્રિટિકલ થીંકીંગ સ્કિલ્સ અને શિક્ષણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભુ થશે. ડિજિટલ યુનિવર્સિટી ભારતીય ભાષાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પર્સનાલાઈઝડ લર્નીગનો અનુભવ ધરાવતુ શિક્ષણ
પ્રાપ્ત થશે. વિદેશની યુનિવર્સિટીઓ અને સિક્ષણ સંસ્થાઓને ગીફટ સીટીમાં ફાયનાન્સિયલ મેનેજમેન્ટ, ફીનટેક, સાયન્સ, ટેકનોલોજી, એન્જીન્યરિંગ અને મેથ્સમાં અભ્યાસક્રમો ઓફર કરવાની છૂટ આપવાથી ફાયનાન્સિયલ સર્વિસીસ અને ટેકનોલોજી ક્ષેત્રે ઉચ્ચ માનવ સ્ત્રોતો પ્રાપ્ત કરવામાં સુગમતા થશે.
પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધર જણાવે છે કે “કોર સેકટર્સમાં મૂડીરોકાણનો વધારો થવાથી જીડીપી ઉપર તેની મોટી મલ્ટીપ્લાયર અસર થશે. તેની સાથે સાથે રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનુ કદમ તેમજ ડિજિટલ ઉપાયો વડે હાંસલ થનાર નાણાંકીય સમાવેશીતા તે કેન્દ્ર સરકારના બજેટનો સારાંશ છે. કર વ્યવસ્થામાં સ્થિરતા જાળવવાનુ કદમ પણ પ્રશંસનીય છે. તેનાથી મૂડીરોકાણો અંગે ધારણા રાખી શકાશે. સરકારે ડિજિટલ કરન્સી માટે બારણાં ખોલ્યાં છે. અને તેનો અલગ અલગ ઉપયોગો ફાયનાન્સિયલ સર્વિસિસ સેકટર માટે બજેટને ઐતિહાસિક બનાવે છે.”
મધુરમ ચેરીટેબલ ટ્રસ્ટનાં સ્થાપક ટ્રસ્ટી શ્રધ્ધા સોપારકર અંદાજપત્ર અંગે પ્રતિભાવ આપતાં જણાવે છે કે નાણાં પ્રધાને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરરાહતની જાહેરાત કરી છે. આવી આશ્રીત વ્યક્તિના માતા-પિતા કે વાલીની ઉંમર 60 વર્ષની થાય ત્યારે વીમા યોજનાની એકમ રકમ ચૂકવવવાની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી વીમો લેનાર એટલે કે માતા-પિતા કે વાલીનુ મૃત્યુ થાય ત્યારે ચૂકવણી કરવામાં આવતી હતી.
આ સિવાય બજેટમાં દિવ્યાંગો માટે ખૂબ ઓછી જોગવાઈ છે. દિવ્યાંગો માટે પીએમ જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થ કવરેજ વિસ્તારવાની માંગ પણ સંતોષાઈ નથી. સાર્વત્રિક ધોરણે દિવ્યાંગોને પેન્શન આપવાની માંગ પણ સંતોષાઈ નથી. અમે અપેક્ષા રાખતા હતા કે ખાસ કરીને કોવિડ-19ના સંદર્ભમાં બેરોજગારી ભથ્થાની જાહેરાત કરાશે પણ આ બાબત પણ ટાળવામાં આવી છે.
ઈન્ડીયન સ્ટીલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને AM/NS India ના સીઈઓ શ્રી દિલીપ ઓમ્મેન બજેટ અંગે જણાવે છે કે “આ બજેટ અમૃત કાળની બ્લુ પ્રિન્ટ રજૂ કરતુ વિઝનરી બજેટ છે, જે પીએમ ગતિ શક્તિ મિશનના સહયોગ દ્વારા મલ્ટી-મોડલ અભિગમ સાથે ટ્રાન્સપોર્ટ તથા લોજીસ્ટીક્સને પ્રોત્સાહન આપશે. 35.4 ટકાના નોંધપાત્ર વધારા સાથે રૂ.7.50 લાખ કરોડ મૂડી ખર્ચ થતો હોવાથી તેની બહુવિધ અસર થશે અને વૃધ્ધિને વેગ મળશે. આ કારણે સ્ટીલ ક્ષેત્રની માંગમાં વધારો થવામાં સહાય થશે. સ્થાનિક સ્તરેથી લશ્કરી દળોનો સરંજામ મેળવવાનુ કદમ આત્મનિર્ભર ભારત મિશનને સાકાર કરવા તરફનુ સાચી દિશાનુ વધુ એક કદમ છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને બ્લોકચેન ટેક્નોલૉજી પર જોર વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમના નિર્માણને સમર્થન આપશે. પર્યાવરણના મુદ્દા ઉપર ભાર મુકીને આર્થિક સામાજીક વિકાસની સાથે સાથે સરક્યુલર ઈકોનોમી ઉપર ભાર મુકાયા છે તે એક હકારાત્મક પગલુ છે."
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીએફઓ શ્રી વિનોદ જૈન જણાવે છે કે "માળખાકીય સુવિધાઓ, પરિવહન અને લોજીસ્ટીક્સ, મેન્યુફેક્ચરીંગ, શિક્ષણ, આરોગ્ય અને ડીજીટલ ઈકોનોમી ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું આ વૃધ્ધિ અને વિકાસલક્ષી બજેટ છે. બજેટ સહાયરૂપ થાય તેવી નીતિઓ, નિયમન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મારફતે સ્થાનિક ક્ષમતાઓ વિકસાવવા તરફ અને સંસોધન અને વિકાસ પ્રવૃત્તિને પ્રોત્સાહન તથા રોજગારની તકો ધરાવે છે. આગામી વર્ષોમાં તેનાથી દેશમાં સાતત્યપૂર્ણ વિકાસ હાંસલ થશે. નેશનલ ડીજીટલ હેલ્થ ઈકો-સિસ્ટમ અને નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ સમાજની આરોગ્યલક્ષી જરૂરિયાતો પૂરી પાડવામાં દૂરગામી પગલાં પૂરવાર થશે."
ઇન્સ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયા (આઈટીપીઆઈ)ના પૂર્વ પ્રમુખ અને સન બિલ્ડર ગ્રુપના સીએમડી- શ્રી એન. કે. પટેલ જણાવે છે કે "માળખાકીય સુવિધાઓના વૃધ્ધિલક્ષી અભિગમ, જાહેર પરિવહન વ્યવસ્થા, કૃષિ, સૌના માટે આવાસ, શહેરી વિકાસ અને અન્ય ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું કેન્દ્ર સરકારનુ બજેટ વિકાસલક્ષી છે. નાણાં પ્રધાને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સાચા અર્થમાં ધરમૂળથી ફેરફારો કરવાનો અનુરોધ કર્યો છે. પ્રતિષ્ઠીત અર્બન પ્લાનર્સ, શહેરી વિકાસના અર્થશાસ્ત્રીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની કમિટી રચીને શહેરી ક્ષેત્રની નીતિઓ, ક્ષમતા નિર્માણ, આયોજન અને અમલીકરણ માટે ભલામણો માંગી છે તે સાચી દિશાનું કદમ છે. બજેટ 80 લાખ આવાસોનું નિર્માણ પૂર્ણ કરીને આગામી વર્ષે હાઉસિંગ ફોર ઓલનું વિઝન હાંસલ કરવા તરફ આગળ ધપશે."