બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (14:49 IST)

બાળકની સંભાળ રાખવા મહિલા કોર્પોરેટર ખડેપગે, બાળકની મેડિકલ કન્ડિશનની જાણકારી મેળવવા અલગ અલગ સાત ટીમો તપાસમાં લાગી

બાળકની સંભાળ રાખવા મહિલા કોર્પોરેટર સિવિલમાં માસૂમ સાથે આખી રાત રહ્યાં  ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ નાના બાળકને તરછોડી દઈ નાસી છૂટ્યો છે. ત્યારે છેલ્લા બાર-તેર કલાકથી ગાંધીનગર પોલીસ બાળકના વાલી-વારસો મળી જાય એની તપાસમાં લાગી ગઈ છે. 
 
હાલમાં ગાંધીનગર વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન યશોદા માની જેમ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે.ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને ગઈકાલે રાત્રે સાડાઆઠ-નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો. જેથી તેઓ દોડીને દરવાજા તરફ ગયા હતા. દરવાજા પાસે બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત બાળકને તેડી લઈ તેને શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ચહલપહલ નહીં જણાતાં તેને ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.બાદમાં સ્વામીના કહેવાથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી, જેને પગલે પેથાપુર પોલીસ મથકના એએસઆઇ હર્ષરાજસિંહ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. જેમણે ઉપરી અધિકારીને પણ બનાવની જાણ કરી હતી. શરૂઆતમાં બાળકને પેથાપુર પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકની સારસંભાળ રાખવામાં રાખવામાં આવી હતી. 
ત્યારે થોડીવારમાં બાળક મળ્યાની જાણ થતાં વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન અને તેમના પતિ ડો. મનીષ પટેલ તાબડતોબ પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.પોલીસે ગુરુકુળના સીસીટીવી ચેક કરતાં એક યુવક બાળકને ઊંચકીને ગૌશાળામાં પ્રવેશી તેને મૂકીને નાસી જતો નજરે પડ્યો હતો. ત્યારે ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેના વાલી-વારસોને શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેટર દીપ્તિબેન પટેલે ગઈકાલ રાતથી જ બાળકની સારસંભાળ લઈ રહ્યાં છે. હાલમાં બાળકને મેડિકલ તપાસ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે, જ્યાં તેને જોઈને સૌકોઈ રમાડવા માટે પોતાની જાતને રોકી શક્યા નહિ. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા મયૂર ચાવડા પણ સવારે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકની મેડિકલ કન્ડિશનની જાણકારી મેળવી હતી તેમજ અલગ અલગ સાત ટીમો તપાસમાં લાગી છે. એલસીબી પીઆઈ જેએચ સિંધવ પણ પોતાની ટીમ સાથે હાલમાં ગુરુકુળ પહોંચીને તપાસ કરી રહ્યા છે.