ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By રોહન નામજોશી|
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2023 (16:28 IST)

કામની વાત - હાઇવે પર થતાં અકસ્માતોથી બચવાની આ પાંચ બાબતો તમે જાણો છો?

રાત્રિ દરમિયાન ડ્રાઇવ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
અકસ્માત ટાળવા માટેનાં પગલાં વિશે આપ જાણો છો?
 
નવસારી જિલ્લામાં શુક્રવારે રાત્રે બસ અને એસયુવી કાર વચ્ચેના ભયાનક અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં હતાં અને 28 લોકો ઘાયલ થયા હતા.
 
નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી સુરતની બસ સાથે ટોયોટા ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી.
 
આવી જ રીતે શુક્રવારે ક્રિકેટર ઋષભ પંતને અકસ્માત નડ્યો હતો.
 
દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવે છે. સપ્ટેમ્બર માસમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાઇરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ ગુજરાતથી મુંબઈ પાછા ફરી રહ્યા હતા.
 
આવા જીવલેણ અકસ્માતોથી બચવા માટે હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
 
મુસાફરીનું આયોજન
 
મુસાફરી શરૂ થાય એ પહેલાંનું આ મહત્ત્વપૂર્ણ પગલું છે. તમારે એ અગાઉથી જ જાણી લેવું જોઈએ કે તમારી યાત્રા કેટલી લાંબી થવાની છે, તે પૈકી કેટલી યાત્રા હાઇવે પર છે, કેટલી એક્સ્પ્રેસ-વે પર.
 
તેમજ યાત્રામાં કેટલાં ટોલનાકાં છે તે પણ જાણી લેવું જરૂરી છે.
 
તમારે આ દરમિયાન તમારી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે શું તમે એ સ્થળ સુધી ડ્રાઇવ કરીને જઈ શકશો. જો તમારા મનમાં શંકા હોય તો તમારી સાથે કુશળ ડ્રાઇવરને લઈ જાઓ.
 
જો આ અગાઉ તમારી કોઈ ઓળખીતી વ્યક્તિ એ રસ્તે યાત્રા કરી ચૂકી હોય તો તેની પાસેથી માહિતી મેળવી લો.
 
જો તમને રસ્તાની જાણકારી નથી તો નકશાનો ઉપયોગ કરો. તમારા ફોનને યોગ્ય રીતે ચાર્જ કરો.
 
આ બધામાં મુસાફરીમાં લાગતો સમય એ એક મોટો મુદ્દો છે. જો વૈકલ્પિક સુવિધા હોય તો રાત્રિની મુસાફરી ટાળો. રાત્રે બધાને ઊંઘ આવે છે, આ એક સાર્વત્રિક સત્ય છે, તેને સ્વીકારી લો.
 
જો રાત્રિ દરમિયાન મુસાફરી માટે કોઈ વિકલ્પ ન હોય તો તમારી સાથે એક વૈકલ્પિક ડ્રાઇવર જરૂર લઈ જાઓ. આવી વ્યક્તિને રાત્રિ દરમિયાન ડ્રાઇવ કરવાની ટેવ હોવી જોઈએ.
 
કારની સંભાળ
તમારી કાર એ તમારા ઘરના સભ્ય જેવી હોય છે. આપણને તેના વિશે ખબર હોય છે.
 
તે ક્યારે બગડે છે તે વિશે આપણને સામાન્યપણે ખ્યાલ હોય છે. લાંબી ટ્રિપ પર જતી વખતે હવા, પેટ્રોલ/ડીઝલ/સીએનજી પૂરતા પ્રમાણમાં છે, તે સુનિશ્ચિત કરો. મુસાફરી કરતી વખતે કેટલા ઈંધણની જરૂર પડશે તેનો અંદાજ કાઢો. તમારી ગાડીમાંથી આવતા અવાજો પર ધ્યાન આપો.
 
જો તમને કોઈ બિનજરૂરી કે અનઅપેક્ષિત અવાજ કે ઘોંઘાટ સંભળાય તો તેની તપાસ કરો કે કરાવો. આ સિવાય હેડલાઇટ, ટેલલાઇટ, હોર્ન વગેરે પણ કામ કરી રહ્યાં છે કે કેમ તે જુઓ. જો તેમાં કોઈ ખામી દેખાય તો તે રિપૅર કરાવો. કારમાં ટૂલ કિટ રાખો. હાઇવે પર કાર રિપૅર કરનાર મિકૅનિકનો ફોન નંબર શોધી રાખો.
 
કારની લાઇટનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખો, તેમાં પણ ખાસ કરીને પાર્કિંગ લાઇટ. ધુમ્મસવાળાં ક્ષેત્રોમાં લાઇટ ચાલુ રાખો.  અને જ્યારે તમે કાર ચાલુ કરીને બહાર નીકળો ત્યારે યાદ કરીને તેને બંધ કરો.
 
દરેક 100 કિલોમિટરે કારના એંજિનને આરામ આપો.
 
મગજને આરામ આપવો જરૂરી
   
કાર ડ્રાઇવ કરવા માટે એકાગ્રતા મહત્ત્વપૂર્ણ છે. સારી રીતે કાર ચલાવવું એ વિજ્ઞાન અને કળા બંને છે. જ્યારે તમે ડ્રાઇવ કરવાનું શરૂ કરો ત્યારે અચાનક ખૂબ ઝડપથી ન ચલાવો. તેમજ ખૂબ ધીમી કાર પણ ન ચલાવશો. પોતાના સાથી મુસાફરો સાથે વાત કરો પરંતુ ઘડી ઘડી તાળી પાડવી, હાથ મિલાવવા, મસ્તી કરવા જેવી પ્રવૃત્તિ ન કરશો.
 
જો તમારી સાથે મુસાફરીમાં નાનું બાળક હોય તો વધુ કાળજી રાખો. તેમને ખોળે બેસાડીને કાર ન ચલાવશો. જો તમારે ફોન પર વાત કરવી હોય તો બ્લૂટૂથ વડે કરો. પરંતુ ફોનને હાથમાં ન રાખો. તેમજ વૉટ્સઍપ કે અન્ય કોઈ મૅસેજિંગ ઍપ પર સક્રિય રહેવાનું પણ એ સમયે ટાળો.
 
આ સિવાય સ્પીડ કંટ્રોલ પણ કાર ડ્રાઇવ કરતી વખતે મહત્ત્વપૂર્ણ પાસું છે. આપણને જાત વિશે એટલી તો ખબર હોય છે કે આપણે કેટલી ઝડપથી કાર ચલાવી શકીએ છીએ. રોડ પર હીરો બનવાનો પ્રયત્ન ન કરો. તમારું વાહન કેટલી ઝડપથી દોડી શકે છે તે ચકાસવાનો પ્રયત્ન ન કરો.
 
તમે તમારી મુસાફરી 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે કરી તેવી કહાણીઓ કહેવામાં કોઈ બહાદૂરી નથી.
 
હાઇવે પર લૅન બદલવા માટે ઇન્ડિકેટરનો ઉપયોગ કરતા અને પાછળના વાહનને જગ્યા આપતાં શીખો, બિનજરૂરી સિગ્નલ આપવાથી લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. જો તમને આ બધું ન આવડતું હોય તો તેની પ્રૅક્ટિસ કરો.
 
બ્લાઇન્ડ સ્પૉટ પર ઓવરટેક ક્યારેય ન કરશો. મુસાફરી દરમિયાન સમયાંતરે બ્રેક લો, મોઢું પાણીથી ધુઓ. કોગળા કરો. આ બધા ઉપાયો નિરર્થક લાગી શકે પરંતુ તે અસરકારક છે.
 
દારૂ પીને ગાડી ન ચલાવશો
 
આપણે અવારનવાર દારૂ પીને ગાડી ન ચલાવાની સલાહ સાંભળીએ છીએ. આ મુદ્દે જાગૃતિ લાવવા માટે ઘણા પ્રયત્નો કરાય છે. પરંતુ લોકો સાંભળતા નથી એ પણ સત્ય છે.
 
દારૂ કે કોઈ પણ નશાકારક દ્રવ્યની અસર હેઠળ ડ્રાઇવ ન કરવું જોઈએ. આ જ નિયમ કફ સિરપ અને અમુક દવાઓ માટે પણ લાગુ પડે છે.
 
ઘણા ‘આજ ગાડી તેરા ભાઈ ચલાયેગા’ ફિલ્મી દૃશ્ય માફક અસલ જીવનમાં કરવાનું કરે છે, પરંતુ આવી પરિસ્થિતિ ક્યારેય ન સર્જાવા દો.
 
જો કોઈ આવો પ્રયત્ન કરે તો તેને સમજાવાનો પ્રયત્ન કરો. જો તમને ડ્રાઇવ કરતા ન આવડતું હોય તો નશામાં હોય તેવી ડ્રાઇવ કરતી હોય તે ગાડીમાં મુસાફરી ન કરો.
 
 ઊંઘ આવે તો 
જો ઉપરનાં તમામ પગલાં તમે અનુસરો તેમ છતાં ડ્રાઇવ કરતી વખતે કોઈક સમયે તો તમને ઊંઘ આવી શકે છે. તેને હાઇવે હિપ્નોસિસની પરિસ્થિતિ કહેવાય છે.
 
કલ્પના કરો કે તમને ઘરે અખબાર વાંચી રહ્યા છો, તમે તે બરાબર તમારી આંખ સામે પકડી રાખ્યું છે, કિચનમાંથી કંઈક અવાજ આવી રહ્યા છે. તમારું ધ્યાન એ અવાજ તરફ જઈ રહ્યું છે. અને દરમિયાન જ્યારે તમે ન્યૂઝપેપર વાંચો છો ત્યારે એ શબ્દો તમારા મગજમાં નથી જતા.
 
કંઈક આવું જ લાંબા સમય સુધી કાર ચલાવાના કારણે થાય છે. આનો અર્થ એ નથી કે ડ્રાઇવર ધ્યાન નથી રાખી રહ્યો. જો આવી પરિસ્થિતિમાં આગળ કંઈક આવી જાય તો તે તરત જ પ્રતિક્રિયા પણ આપશે. પરંતુ એ બાબત નિર્વિવાદ છે કે તે અલગ પ્રકારની ઊંઘમાં હશે.
 
ઘણી વખત આવી પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપવામાં મોડું થાય છે અને અકસ્માત થઈ જાય છે.
 
હવે તમે કહેશો કે શું હાઇવે પર ગાડી ચલાવવી એ આટલું બધું કામ છે કે કેમ? તો જવાબ છે ના.
 
જો તમે યોગ્ય કાળજી રાખો, તો તેના જેવી કોઈ મજા નથી.
 
આવી રોડ ટ્રિપોથી ઘણી સ્મૃતિઓ સર્જાય છે. પરંતુ એવું કરવામાં ચૂક થાય તો આપણે લોકોની સ્મૃતિમાં જ રહી જઈએ તેવું પણ બને. તેથી કાળજી રાખવી જરૂરી છે.