શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 24 માર્ચ 2024 (14:25 IST)

રશિયા : મૉસ્કોમાં કોન્સર્ટ હૉલ ઉપર હુમલો, બાળકો સહિત 130થી વધુનાં મૃત્યુ, સેંકડો ઘાયલ

moscow terror attack
રશિયાના એક કોન્સર્ટ હૉલમાં હથિયારબંધ લોકોએ કરેલા ગોળીબારમાં બાળકો સહિત 133 લોકોનાં મૃત્યું થયાં હોવાના અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
 
શુક્રવાર સાંજે અજાણ્યા બંદૂકધારીઓએ મોસ્કો નજીક આવેલા ક્રૉકસ સિટી હૉલમાં ઘૂસીને મશીનગનથી ગોળીબાર શરૂ કરી દીધો હતો.
 
સમાચાર એજન્સી રૉઇટર્સ પ્રમાણે રશિયાના માનવાધિકાર આયોગે તેને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે.
 
રશિયન ન્યૂઝ ઍજન્સી પ્રમાણે આ ઘટના મૉસ્કો પાસેના ક્રૉકસ સિટી મૉલમાં બની હતી જ્યાં એક કોન્સર્ટ થવાનો હતો. આ હૉલ સંગીત સમારોહ માટે મોસ્કોમાં આવેલી સૌથી મોટી જગ્યાઓમાંથી એક છે. તેની ક્ષમતા છ હજાર લોકો જેટલી છે.
 
એ સાંજે હજારો લોકો હૉલમાં હાજર હતા, જેઓ પિકનિક ગ્રૂપના કોન્સર્ટમાં ભાગ લેવા આવ્યા હતા.
 
કોન્સર્ટની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.
 
અધિકૃત આંકડા અનુસાર આ હુમલામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 133 થઈ છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારા લોકોમાં બાળકો પણ સામેલ છે.
 
બીબીસી રશિયા એડિટર સ્ટીવ રૉજેનબર્ગ અનુસાર, કોન્સર્ટ પહેલાં વેશ બદલીને હોલમાં ઘૂસેલા હથિયારબંધ લોકોએ અંધાધૂંધ ગોળીબાર ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો.
 
ઇમારતમાં આગ લાગી ગઈ હતી અને હજુ તેમાં અંદર ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે.
 
ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ અંદાજે 100 લોકોને બૅઝમેન્ટમાંથી બહાર કાઢીને બચાવ્યા હતા.
 
આરઆઈએ નોવોસ્તી સમાચાર એજન્સી પ્રમાણે ઓછામાં ઓછા ત્રણ હુમલાખોરો હોલમાં ઘૂસ્યા હતા.
 
એક પ્રત્યક્ષદર્શી વિતાલીએ કહ્યું કે, “મેં મારી નરી આંખે જોયું કે આતંકવાદીઓ લોકોને ગોળી મારી રહ્યા છે. તેમણે પેટ્રોલ બૉમ્બ ફેંક્યો હતો અને આગ લાગી ગઈ. અમે લોકો ઍક્ઝિટ માટેના દરવાજા સુધી પહોંચ્યા પરંતુ તે બંધ હતો એટલે અમે બૅઝમેન્ટમાં ચાલ્યા ગયા.”
 
એક અન્ય પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે માતાપિતા તેમનાં બાળકો સાથે બૉલરૂમ નૃત્યસ્પર્ધામાં ભાગ લેવા માટે ઊભાં હતાં.