મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (10:06 IST)

કચ્છમાં બિનવારસી હાલતમાં સંદિગ્ધ પેટી મળી આવી, ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદથી તપાસ શરૂ

મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 3000 કિલો હેરોઈનના જથ્થાના કારણે હાલ કચ્છ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં છે. એવામાં જખૌ નજીક ખીદરત બેટ પરથી એક સંદિગ્ધ પેટી મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરવામા આવી છે.અબડાસા તાલુકાના જખૌ બંદર નજીક ખીદરત બેટ પર સંદિગ્ધ હાલતમાં એક પતરાની પેટી પડી હોવાનું સુરક્ષા એજન્સીઓના ધ્યાન પર આવ્યું હતું. ઘટનાની જાણ થતા આઈબી, બીએસએફ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પેટીને જે તે સ્થળ પર જ રાખવામા આવી છે. પતરાની પેટીમાં કોઈ ભયજનક પદાર્થ કે વસ્તુ છે કે નહીં તેની તપાસ માટે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લેવાનો નિર્ણય કરાયો છે.કચ્છના ખીદરત બેટ પાસેથી જે સંદિગ્ધ હાલતમાં પેટી મળી આવી છે તે અંગેની વધુ વિગતો હાલ સુરક્ષા કારણોસર જાણવા મળી નથી. આ પેટીને લઈ વધુ વિગતો તમામ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત તપાસ બાદ સામે આવી શકે છે.જે ખીદરત બેટ પરથી આજે પતરાની સંદિગ્ધ પેટી મળી આવી છે તે જ બેટ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા સુરક્ષા એજન્સીઓને નશીલા પદાર્થનું એક પેકેટ પણ મળી આવ્યું હતું.કચ્છના મુન્દ્રા પોર્ટ પર આવેલા બે કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા હાલ કચ્છ ચર્ચામાં છે. DRI દ્વારા હજારો કરોડના ડ્રગ્સના આ જથ્થા મામલે અલગ અલગ રાજ્યમાં તપાસ હાથ ધરવામા આવી રહી છે.