બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (17:11 IST)

છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં પરાજય બાદ અમદાવાદ સહિત સુરત, રાજકોટ અને ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામાં આપ્યા

ભાજપનો પ્રચંડ વિજય થતાં કોંગ્રેસના નેતાઓએ રાજીનામા ધર્યાં
 
રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ વિજય તરફ અગ્રેસર છે. ત્યારે કોંગ્રેસના તમામ મહાનગર પાલિકામાં સૂપડાં સાફ થયાં છે. કોંગ્રેસનો રકાસ થવાથી શહેરના પ્રમુખોએ રાજીનામું આપવાની શરુઆત કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સારુ પ્રદર્શન કર્યું છે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી વધુ ખરાબ થવા પામી છે. કોંગ્રેસના કારમા પરાજય બાદ અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરના કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં છે. 
અમદાવાદમાં શશીકાંત પટેલે રાજીનામું આપ્યું
અમદાવાદમાં ગત ચૂંટણી કરતાં પણ આ વખતે કોંગ્રેસને ખૂબજ ઓછી સીટો મળી છે. ટિકીટ ફાળવણીમાં પણ અમદાવાદમાં કોંગ્રેસમાં ભારે હોબાળો થયો હતો. કાર્યકરોમાં ભારે નારાજગી પેદા થઈ હતી. ખુદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખના હાથમાં રાજીનામું ધરી દીધું હતું. પરંતુ 2015 કરતાં આ વખતે કોંગ્રેસને અમદાવાદમાં અડધાથી પણ ઓછી સીટો મળી છે અને પક્ષના દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયાં છે. જેથી શહેર પ્રમુખ શશીકાંત પટેલે રાજીનામું આપી દીધું છે. 
સુરતમાં બાબુભાઈ રાયકાએ પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું
સુરતમાં બાબુભાઈ રાયકાએ કોંગ્રેસના પરાજયને લઈને રાજીનામું આપી દીધું છે. બાબુભાઈ રાયકાએ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખીને જણાવ્યું છે કે સુરતની જનતાના જનાદેશને સ્વીકારીને હું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ 17ના કોંગ્રેસના ઉમેદવાર અને શહેર પ્રમુખ અશોક ડાંગરે કહ્યું હતું કે, અમને પ્રજાનો ચુકાદો શિરોમાન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો ફર્યા છે, ચૂંટણી સમયે પોલીસે પણ ભાજપનો હાથો બનીને કાર્ય કર્યુ છે, બાકી અમે હાર્યા નથી, હવે આગામી ચૂંટણીમાં સુધારો કરવામાં આવશે.
ભાવનગરમાં પરાજય થતાં પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું
ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ થતાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે, હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું કહ્યું છેકે, અણધાર્યા પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. મતદારોનો નિર્ણય શિરોમાન્ય છે. ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે.