સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (18:53 IST)

અમદાવાદના CTM જામફળવાડી ગમખ્વાર અકસ્માત, 5 મિત્રોમાંથી બે ના મોત

અમદાવાદના CTM જામફળવાડી કેનાલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જામફળવાડી કેનાલ પાસે ઉભેલી ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો. બહાર ગામથી ઘરે પરત ફરી રહેલા 5 મિત્રોને અકસ્માત નડ્યો હતો,જેમાં 2 મિત્રોના મોત થયા હતાં જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.પોલીસે તાત્કાલીન ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
 
અમદાવાદના રામોલ પોલીસ ચોકી પાસે કેનાલ રોડ પર બંધ પડેલી ટ્રકની પાછળ કાર ઘુસી જતાં થયેલા અકસ્માતમાં પાંચ લોકો કારમાં ફસાયા હતાં. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ સાથે ફાયર જવાનો હાઇડ્રોલિક કટર બ્રેકર અને અન્ય અદ્યતન સાધનો સાથે ત્યાં પોહચ્યા હતા. પાંચેય લોકોનું ફાયરબ્રિગેડ દ્વારા કરાયું રેસ્ક્યુ ઓપેરશન કરવામાં આવ્યું હતું. તમામને ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. પરંતુ આ ઘટનામાં પાંચમાંથી બેના મોત થયાં હતાં અને ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
કાર લઈને ફરવા ગયા હતા પાંચ મિત્રો 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાંચ યુવાન મિત્રો ટાટા હેરિયર કાર લઈને ફરવા ગયા હતાં જ્યાંથી પરત આવતી વખતે જામફળવાડી કેનાલ નજીક ઉભેલા ખટારાની પાછળ તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી. આ ઘટનામાં બે યુવાનોના મોત થયાં છે. જ્યારે ત્રણ ગંભીર ઈજા પામ્યા છે. આસપાસની સોસાયટીઓના સ્થાનિકો ધડાકાનો અવાજ સાંભળીને ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. 108ની ટીમને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

હાઇડ્રોલિક કટર બ્રેકર અને કોમ્બી ટૂલની મદદથી રેસક્યૂ કરી બહાર કાઢ્યા
 
ફાયરબ્રિગેડને જાણ કરતા ફસાયેલા 5 લોકોને ફાયરના જવાનોએ હાઇડ્રોલિક કટર બ્રેકર અને કોમ્બી ટૂલની મદદથી સમગ્ર કામગીરી દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. કટરથી તમામ બાજુએથી દરવાજા કાપી અને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાઓ અને બેભાન અવસ્થામાં પાંચને હોસ્પિટલ ખસેડાયા હતા. નંબરપ્લેટ વગરની નવી જ કાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.