માસ્ક નહીં પહેરનાર દુકાનદારોને 5000, સુપરમાર્કેટ્સને 50 હજાર અને ફેરિયાઓને 2000નો દંડઃ અમદાવાદ મ્યુનિ, કમિશનર
અમદાવાદ શહેરમાં 27 એપ્રિલની સાંજથી લઈ 28 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 128એ પહોંચ્યો છે. જ્યારે 241 દર્દી સાજા થયા છે.શહેરમાં કોરોનાની અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કર્યું છે. જેમાંથી 2098ના સેમ્પલ લીધા હતા, જેમાંથી 115ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ શાકભાજી વેચનારાઓને ફ્રીમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાની શરૂઆત કરી છે. તેમજ 1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. એલજી હોસ્પિટલમાં 10 દિવસ પહેલાં 17 ડોક્ટર, નર્સ અને સ્ટાફ સહિત 23ને કોરોના વાઈરસનો ચેપ લાગ્યા પછી હોસ્પિટલ બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે એક સપ્તાહ બાદ મંગળવારે ઓપીડી ફરીથી શરૂ કરાઈ હતી. જો દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવાની જરૂરિયાત હોય તેમના માટે પણ અલગ વ્યવસ્થા ગોઠવી છે. ડીલિવરી માટે આવેલી મહિલા દર્દી કે અન્ય ઓપરેશન માટે આવેલા દર્દીઓના ઓપરેશન કે ડિલિવરીના 5 દિવસ પહેલાં તેમનો કોરોના રિપોટ ફરજિયાત બનાવાયો છે. જેથી અન્ય ડોક્ટરો તેમજ સ્ટાફને સંક્રમણથી બચાવી શકાય.