શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By જનકસિંહ ઝાલા|

શું આપણે હજુ સુરક્ષિત છીએ ?

26/11 પ્રથમ વરસી વિશેષ

આજથી બિલકુલ એક વર્ષ પહેલા એટલે કે, 26 નવેમ્બર 2008 નો એ ગોઝારો દિવસ
PR
P.R
જ્યારે માયાનગરી મુંબઈ આતંકવાદના ભયાવહ પડછાયા હેઠળ થરથરી ઉઠી. દાનવ બનીને આવેલા દસ આતંકવાદીઓએ આ શહેરમાં રીતસરની લોહીની હોળી રમી અને બોમ્બ ધડાકાઓ તથા ગોળીબાર કરીને અસંખ્ય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.


26/11 ની એ સમી સાંજ આપણા દેશનો નાગરિક ઈચ્છે તો પણ કેવી રીતે ભૂલી શકે. આ દિવસ ભારત દેશના ઈતિહાસના ચોપડે લોહીમાં રંગેલી કલમ વડે હમેશા હમેશા માટે લખાઈ ગયો. મુંબઈ શહેર પર સર્જાયેલી આ વિનાશલીલામાં જોતજોતામાં 179 લોકોનું ઢીમ ઢળી ગયું. 22 એવા લોકો પણ મૃત્યુ પામ્યાં જે પોતાનું વતન છોડીને ભારત દેશમાં માત્ર પોતાના વ્યવસાયિક કામ માટે અથવા તો ફરવા માટે આવ્યાં હતાં.

આ કરુણાતિંકાને અંજામ આપનારો દસ દાનવો પૈકીનો જીવિત બચેલો એકમાત્ર લવરમૂછિયો કસાબ જેલમાં મોજમજા માણી રહ્યો છે. શરૂઆતમાં તો પાકિસ્તાન સરકારે આ આતંકવાદી પોતાના દેશનો ન હોવાનો અસંખ્ય વખત નનૈયો ભણ્યો પરંતુ જાન્યુઆરી-2009 માં એ સત્તાવાર રીતે બહાર આવ્યું કે, કસાબ પાકિસ્તાનનો જ નાગરિક હતો. મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ (વિક્ટોરિયા ટર્મિનસ) રેલવે સ્ટેશન ખાતે અન્ય એક આતંકવાદી અબ્બુ દેરા ઈસ્માઈલ ખાન સાથે તે સીસી ટીવી કેમેરામાં દેખાયો હતો જ્યાંથી તેઓ પોતાની આતંકી ઘટનાને અંજામ આપવા માટે સફેદ રંગની ટોયાટા મારફત કામ હોસ્પિટલ તરફ રવાના થયાં હતાં.

આ એ જ ટોયાટા ગાડી હતી જેને મેળવવા માટે તેમણે મુંબઈના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મહારાષ્ટ્ર એટીએસ ચીફ હેમંતકરકરે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિજય સાલસ્કર અને એડિશનલ કમિશનર ઓફ મુંબઈ અશોક કરકરેની હત્યા નિપજાવી હતી. આ આતંકી વધુ સમય બહાર ખુલ્લેઆમ ન ફરી શક્યાં. અબુ પોલીસની ગોળીએ વિંધાયો જ્યારે કસાબ જેલના સળિયા પાછળ ધકેલાયો.

કસાબની ધરપકડ બાદ અસંખ્ય ચૌકાવનારી વાતો બહાર આવી તેમ છતાં આપણી સરકાર કોઈ ઠોસ પગલા હાથ ન ધરી શકી. જો કે, દેશનું સૌભાગ્ય કહો કે, લાખો લોકોની પ્રાર્થનાનું પરિણામ મુંબઈ પરના આ આતંકવાદી હુમલા બાદ હજુ સુધી અન્ય કોઈ પણ મોટો હુમલો આ દેશમાં થયો નથી.
PR
P.R
મુંબઈની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે દેશના દરેક વ્યક્તિના મગજમાં એ પ્રશ્ન જરૂર ઉઠી રહ્યો છે કે, શું દેશની સરકાર આતંકી હુમલા સામે તેમને રક્ષણ આપવા માટે પૂરી રીતે સક્ષમ છે ખરી. જો કે, દુનિયાનો દરેક નાગરિક આ વાત વિચારી રહ્યો છે. અમેરિકામાં ડેવિડ કોલમેન હેડલી અને તહવ્વુર રાણા નામના બે આતંકીઓની ધરપકડ અને તેમની તપાસમાંથી જે વિગતો બહાર આવી રહી છે તે જાણ્યા પછી તો ખાસ.


આતંકવાદ સામે લડવાની ભલેને આપણે મોટીમોટી વાતો કરતા હોય પરંતુ સત્ય તો એ જ છે કે, આપણે ત્યાં જ ઉભા છીએ જ્યાં 26 નવેમ્બર 2008 ના મુંબઈ પરના હુમલા પહેલા ઉભા હતાં. અવારનવાર હેડલી અને રાણા ભારત દેશમાં ક્યાં ક્યાં રોકાયાં હતાં તેના સમાચારો આવતા જાય છે.

પુણેના ઓશો આશ્રમ થઈ લઈને કેરળના મુનારમાં તેમની ઉપસ્થિતિ નોંધવામાં આવી છે. અહેવાલો જણાવે છે કે, વર્ષ 2009 માં અમેરિકન એફબીઆઈ દ્વારા ઝડપાયેલો લશ્કરે તોઇબાનો આતંકવાદી હેડલી અને કેનાડિયન નાગરિક તહવ્વુર રાણા મુંબઈ પર થયેલા આતંકી હુમલાના પાંચ દિવસ પહેલા ભારતમાં જ રોકાયા હતાં. રાણા સાથે એક મહિલા હોવાની પણ વાતો સામે આવી છે પરંતુ હજુ આપણે એ જાણી શક્યાં નથી કે, એ સ્ત્રી કોણ હતી. આઘાતજનક વાત તો એ છે કે, રાણા તથા તેની સ્ત્રીમિત્ર પાકિસ્તાનમાં જન્મયા હોવા છતાં તેમની ભારતયાત્રા માટે ગૃહમંત્રાલયની મંજૂરી લેવાનો જે નિર્ણય છે તેને પાડવામાં આવ્યો ન હતો.

અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે વગર જાણ્યે જ રાણા અને તેની મહિલા મિત્રના વિઝાને મંજૂરી આપી દીધી જેનાથી અનેક શંકા કુશંકાઓ ઉપજી રહી છે. પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે, આપણા દેશનો ફિલ્મસ્ટાર(શાહરૂખ ખાન) જ્યારે અમેરિકાના એરપોર્ટ પોતાની ઓળખ દર્શાવતા અસંખ્ય પૂરાવો સાથે ઉભો રહે છે તેમ છતાં પણ ત્યાની સરકાર તેને ત્રણ કલાક સુધીને ગોંધી રાખે છે જ્યારે અહીં સ્થિત બિલકુલ વિપરિત છે. સુરક્ષા વ્યવસ્થાના નામે અહીં માત્ર મિંડુ છે તેમ કહો તો પણ કંઈ ખોટુ નથી.

મુંબઈ ક્રાઈમ બ્રાંચ હેડલી અને રાણાના ભારત દેશમાં પ્રત્યારોપણ માટે અનેક પ્રયત્નો કરી રહી છે પરંતુ હજુ સુધી શંખ દ્વારકા સુધી પહોંચી શક્યો નથી. એક વખત તો પૂરી ટીમ વિદેશ પણ જઈ આવી પરંતુ અફસોસ તેઓ હેડલી અને રાણાને રૂબરૂ પણ ન શકી. કસાબ પાસે બે અથવા ત્રણ વખત પુછી પણ જોયું પણ એ શું કામનું. ભારતના રક્ષા મંત્રી એ કે એન્ટનીએ ત્રણેય પાંખને આજના દિવસે સાવચેત રહેવાની પણ સૂચના આપી છે ત્યારે સવાલ એ પણ થાય છે કે, શું 26 મી જાન્યુઆરી, 15 મી ઓગસ્ટ જેવા ખાસ દિવસોમાં જ સઘન સુરક્ષા વ્યવસ્થા જાળવી જોઈએ બાકીના દિવસોમાં શું ? આતંકવાદીઓ માટે દરેક એક જેવો જ હોય છે એ વાત આપણે ભૂલવી ન જોઈએ.