કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં જુદા જુદા રાજ્યોના કલાકારો પરંપરાગત પોશાકમાં કલા પ્રદર્શન કરશે

Last Modified શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (14:14 IST)

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે. આ દરમ્યાન સરકારી તંત્રના સહયોગમાં રહીને મ્યુનિ. તંત્ર જે કોઈ કામગીરી કરે તે માટે થનાર ખર્ચની મંજૂરી આપે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકિદના કામ તરીકે આપી દેવાઈ છે.

રોડ સાઇડે 28 જેટલા રાજ્યોના કલાકારો તેમની પરંપરાગત વેશભૂષામાં તેમની કળાનું પ્રદર્શન કરશે. આ માટે 28થી વધુ સ્ટેજ બંધાનાર છે. સ્ટેન્ડિંગમાં પસાર થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, મહાનુભાવોના આગમન પ્રસંગે રોડ-રસ્તા અને જંક્શનોનું રિપેરીંગ, થિમ બેઇઝ લાઇટીંગ, પાર્કિંગની સુવિધા માટે 30 જેટલા પ્લોટોમાં વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ અને ફાયર બ્રિગેડની ટીમો તૈયા રાખવી, લોકોને લાવવા- લઈ જવાની વ્યવસ્થા ગોઠવવી તે માટે જરૂરી ખર્ચ વિના ટેન્ડરે કોટેશન મંગાવ્યા સિવાય બજાર ભાવે જ કરાવી લેવા નિર્ણય લેવાશે.

ઉપરાંત ચીમનભાઈ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રો રેલના ગ્રીનપેચમાં રંગબેરંગી ફૂલછોડ સહિતના રોપાઓ રૂા. 1.79 કરોડના ખર્ચે રોપવાનું નક્કી થયું છે. આ અંગેના ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. ઉપરાંત ચીમનભાઈ બ્રિજથી ઝુંડાલ સર્કલ બીઆરટીએસ રૂટની બન્ને તરફ ગ્રીન સ્પેસ અને લીલોતરી ભરી દેવા માટેનું રૂા.2.04 કરોડનું ટેન્ડર પણ મંજૂર કરાયું છે.

સવારના ગાળામાં મ્યુનિ.ના મેયર સહિતના હોદ્દેદારોએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓના થઈ રહેલા માઇક્રો પ્લાનિંગની ઝીણવટભરી વિગતો તપાસી હતી. આવતીકાલે શુક્રવારે મેયરે દબદબાભર્યા કાર્યક્રમમાં સહભાગી થવા માટે ધાર્મિક અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓની એક બેઠક બોલાવી છે. મોટા ભાગના રોડની કામગીરી પૂર્ણ થવા આવી છે.


આ પણ વાંચો :