સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 માર્ચ 2020 (12:26 IST)

પોલીસ અધિકારીઓ પર આશ્રમના બાળકોને પોર્ન વીડિયો બતાવતા હોવાનો આરોપ

અમદાવાદમાં બહુચર્ચિત નિત્યાનંદ આશ્રમના વિવાદ વખતે આશ્રમનાં છોકરાં-છોકરીઓને અશ્લીલ વીડિયો બતાવી માનસિક ત્રાસ આપવાના આક્ષેપ અંગે પોક્સો કોર્ટના જજ પી.એ. પટેલે પોલીસ અધિકારી, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના અધિકારીઓ સહિત કુલ 14 સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો છે. ઉપરાંત 1 મહિનામાં તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ કર્યો છે. પોલીસે કોર્ટના હુકમ સામે સ્ટે આપવા કરેલી અરજી પણ કોર્ટે નામંજૂર કરી છે. આશ્રમમાં રહેતા ગિરીશ તુરલાપતિ રાવે એડવોકેટ પીયૂષ લાખાણી મારફતે પોક્સો કોર્ટમાં 14 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી હતી, જેમાં રજૂઆત કરી હતી કે, પોલીસ અને ચાઇલ્ડ વેલ્ફેરના અધિકારીઓ સર્ચ વોરંટ કે કોઈ પણ વોરંટ વગર 15 નવેમ્બરે આશ્રમમાં આવ્યા હતા. આ લોકો સાથે જનાર્દન શર્મા અને તેમની પત્ની ભૂવનેશ્વરી પણ હતાં. આ લોકોએ નાનાં છોકરાં-છોકરીઓને તપાસના બહાને વારાફરતી બોલાવી અશ્લીલ વીડિયો અને ફોટો બતાવી તેમના માનસપટ પર ગંભીર અસર પહોંચાડી હતી. તેમ જ બાળકોને ચોક્લેટ ખવડાવી ધમકાવતા હતા કે, ‘તમારા સ્વામી નિત્યાનંદ સેક્સ ગુરુ છે. તમારાં માતાપિતાએ તમને ગંદકીમાં નાખ્યાં છે. આવા બળાત્કારી અને હત્યારા સ્વામીના આશ્રમમાં ન રહેવાય.’