ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (17:15 IST)

ગુજરાત સરકાર પાણીના નળનું જોડાણ પણ આધારકાર્ડ સાથે લિંક કરશે

ગુજરાત સરકાર હવે પાણીના નળનું જોડાણ પણ આધાર નંબર સાથે લિંક કરવાની છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગુરુવારે વિધાનસભા ગૃહ બહાર જણાવ્યું હતું કે પાણીના નળ કનેક્શન આધાર નંબર સાથે જોડવામાં આવનાર છે. પણ એ પહેલા સરકાર પાણીની બલ્ક પાઈપલાઈનો, ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કને તેમજ વાસ્મોની યોજનાને લીંક કરીશું. ત્યાર બાદ પ્રત્યેક નળ જોડાણને આધારકાર્ડ સાથે જોડવાનું કામ હાથ ધરાશે. આનો મતલબ એ કે હવે વહેલાં મોડાં નળ કનેક્શનને પણ સરકાર આધારકાર્ડ સાથે જોડવાની યોજનાનો અમલ શરુ કરવા જઈ રહી છે. ત્યાર બાદ આધાર નંબર વિનાના નળ જોડાણ કપાઈ જશે. વિધાનસભા ગૃહમાં ગુરુવારે કેન્દ્ર સરકારના જળ જીવન મીશન  અને તે અંતર્ગત લાગુ થયેલી નલ સે જલ યોજના અંગે ભાજપના ધારાસભ્ય દ્વારા લેવાયેલા બિનસરકારી સંકલ્પમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે નિશ્ચિત લક્ષ્યાંકો સિદ્ધ કરવા અને ચોક્કસ પરિણામોને નિર્ઘારિત કરવા દરેક કાર્યરત નળ જોડાણને આધારનંબર સાથે જોડવાનો પ્રયત્ન થશે. આ લક્ષ્યાંકો એટલે રાજ્યમાં 17 લાખ ઘરોમાં ઓગષ્ટ 22 સુધીમાં નળથી પાણી આપવાની વાત છે. મંત્રીજીએ વિધાનસભા ગૃહમાં પોતાની વાતનો કોઈપણ પ્રકારની સિફત પૂર્વક ઉલ્લેખ કર્યો જ ન હતો. પરંતુ બહાર તેમને પૂછતાં તેમણે આ પ્રકારનો જવાબ આપ્યો હતો. અહીં રસપ્રદ વાત એ છે કે પાણીના નળનું જોડાણ આધારકાર્ડ સાથે જોડવાના વિવાદાસ્પદ સરકારી નિર્ણય ધરાવતા બિનસરકારી સંકલ્પને વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્ય શૈલેષ પરમારે કોઈપણ પ્રકારની ગતાગમ વિના જાહેરમાં સમર્થન આપ્યું હતું. જેના કારણે ગૃહમાં આ સર્વાનુંમતે આ ઠરાવ પાસ થયો હતો.