અક્ષયતૃતીયા : ક્યારેય નાશ ન પામે તેવા સુખની ઝંખના  
                                       
                  
				  				  
				   
                  				  હિન્દુ સંસ્કૃતિનું આસ્થાપર્વ છે, અધ્યાત્મપર્વ છે. અક્ષય એટલે જે ક્ષય (નાશ) નથી પામતું એ. માણસ સુખ ઝંખે છે અને એવું સુખ ઝંખે છે જે ક્યારેય ક્ષય ન જ પામે. અક્ષય-સુખની પ્રાપ્તિની મથામણમાંથી અક્ષયતૃતીયા નામના અધ્યાત્મપર્વનો પ્રસવ થયો છે.
				  										
							
																							
									  
એક વાત એવી છે કે સત્યયુગની શરૂઆતનો દિવસ અક્ષયતૃતીયાનો હતો. બીજી વાત એવી છે કે ભગવાન પરશુરામનો એ બર્થ-ડે છે. ત્રીજી વાત એવી છે કે જૈન ધર્મના પ્રથમ ર્તીથંકર ઋષભદેવને પોતાના અભિગ્રહને કારણે ઉપવાસનું પારણું કરવામાં તેર મહિના કરતાંય વધુ દિવસની પ્રતીક્ષા કરવી પડી હતી અને પૌત્ર શ્રેયાંસકુમારના હસ્તે આ દિવસે ઇક્ષુરસ (શેરડીનો રસ) ઉપલબ્ધ થતાં પારણું કરવાની વિધિ પૂરી થઈ શકી હતી.
				  જૈનો ભગવાન ઋષભદેવ પ્રત્યેની આસ્થાથી પ્રેરાઈને અક્ષયતૃતીયાના દિવસે વરસીતપનાં પારણાં કરે છે. પાલિતાણા, હસ્તિનાપુર, કલિકુંડ જેવાં ર્તીથસ્થાનોમાં હજારો તપસ્વીઓનાં શેરડીના રસ વડે પારણાં કરાવવામાં આવે છે. ચોથી વાત એવી છે કે સમગ્ર સૃષ્ટિનો ઉદ્ભવ જ અક્ષયતૃતીયાના દિવસે થયો હતો.
				  																			
						
						 
							
 
							 
																																					
									  ઇન શૉર્ટ, વૈશાખ સુદ ત્રીજનો દિવસ અનેક અર્થ-સંદર્ભમાં મહત્વનો, આધ્યાત્મિક આસ્થાનો મનાય છે. અક્ષયતૃતીયાનું ઉપનામ અખાત્રીજ પણ છે. 
				  																		
											
									  વૈશાખ સુદ ત્રીજના દિવસે સૃષ્ટિનો ઉદ્ભવ થયો હોવાની માન્યતા એને પુણ્ય દિવસ, પુનિત દિવસ તરીકે પ્રતિષ્ઠિત કરે છે. આપણે ત્યાં અનેક ચોઘડિયાં અને મુરતોની પરંપરા છે. એમાં બપોરે ૧૨.૩૯ કલાકને વિજયમુરત માન્યું છે. કોઈ પણ દિવસે આ સમયે કામનો પ્રારંભ કરવાનું શુકનિયાળ મનાય છે. એ જ રીતે અખાત્રીજનો દિવસ આખેઆખો દિવ્ય, પવિત્ર અને શુકનવંતો મનાય છે. આ કારણે આજના દિવસને હિન્દુઓ લગ્નોત્સવરૂપે પણ ઊજવે છે. અખાત્રીજના દિવસે સૌથી વધુ હિન્દુ લગ્નો થાય છે. શહેરોમાં જ નહીં, નાનાં ગામડાંઓમાં પણ અખાત્રીજના દિવસે હવે ઠેર-ઠેર વ્યક્તિગત અને સમૂહલગ્નો થતાં જોવા મળે છે.
				  																	
									  અખાત્રીજનો દિવસ આવે એટલે ચોમાસાનાં એંધાણ મળે. વરસાદ જાણે ધીમો-ધીમો સાદ પાડતો હોય એવું લાગે. આ દિવસે પવનની દિશા કેવી છે એના આધારે ચોમાસાની દશાના સંકેતો મળે છે. વરસાદ સારો હોય તો ખેતરમાં ફસલ સારી પાકે અને આખું વરસ સમૃદ્ધિમાં વીતે. ખેતી સાથે જેનો પનારો છે એને જગતનો તાત (ફાધર ઑફ યુનિવર્સ) કહેવાય છે. અક્ષયતૃતીયાના શુભ મુરતે ખેડૂતો હળોતરા (હળ-જોતરા એટલે કે હળ જોડવાની વિધિ), હળપૂજન, બળદ શણગારવા ઉપરાંત જે ભૂમિ કણમાંથી મણ પેદા કરે છે એ ભૂમિનું પૂજન વગેરે કરે છે, ભોજન માટે કંસાર બનાવે છે અને ખગોળ તથા હવામાનના જાણકારો ચોમાસુ પાક કેવો થશે એના વરતારા ઉચ્ચારે છે. કેટલાક ખેડૂતો બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન-દક્ષિણા આપે છે. જેવું ખેડૂતોનું છે એવું જ ખારવાઓનું છે. ખારવાઓ દરિયો ખેડે છે. આજના દિવસે ખારવાઓ વરુણદેવનું પૂજન-અર્ચન કરે છે. જોકે આજના વૈજ્ઞાનિક યુગમાં ખેડૂતો માટે હળ અને ખારવાઓ માટે હલેસાં રહ્યાં નથી. હવે ખેતીમાં હળ-બળદનું સ્થાન ટ્રૅક્ટરે લઈ લીધું છે એટલે ખેડૂતો ટ્રૅક્ટરપૂજા કરે તો નવાઈ ન ગણાય.