ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રિષી બેનર્જી|
Last Updated : મંગળવાર, 28 જુલાઈ 2020 (16:53 IST)

સુરતના એ કોરોના દર્દી જેમણે ગરીબો માટે સવા કરોડની હૉસ્પિટલ બનાવી

સુરતનાં 60 વર્ષીય કાદર શેખે કોવિડ-19નાં દર્દીઓ માટે હૉસ્પિટલ શરૂ કરી છે, જેમાં સારવાર એકદમ નિ:શુલ્ક છે. જરૂરી સુવિધાઓ ધરાવતી આ હૉસ્પિટલ માટે શેખે 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
 
અડાજણ વિસ્તાર સ્થિત શ્રેયમ કૉમ્પલેક્ષમાં 30,000 ચોરસ ફૂટ એરિયામાં આ હૉસ્પિટલ બની છે. જેમાં, 74 ઓક્સિજન સાથેની પથારીની સગવડ છે અને 10 વૅન્ટિલેટર સહિતના આઈસીયુની સગવડ છે.
 
શ્રેયમ કોમ્પલેક્ષનાં બીજા, ત્રીજા અને ચોથા માળમાં કોવિડ-19ના દર્દીઓ માટે બનાવાયેલી આ હૉસ્પિટલનું નામ તેમણે પૌત્રી હીબાના નામ ઉપર રાખ્યું છે.
 
ગુજરાત ભાજપના નવા નિમાયેલા પ્રમુખ સી. આર. પાટીલે શનિવાર સાંજે હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જે બાદ હૉસ્પિટલને સુરત મહાનગરપાલિકને સુપરત કરવામાં આવી.
 
ગોરખપુરના ડૉક્ટર કફીલ ખાનને કેમ જેલમાંથી મુક્તિ નથી મળી રહી?
 
સી. આર. પાટિલે ઉદ્ઘાટન કર્યું ત્યારે એમની સાથે (ડાબે) કાદર શેખ
 
રિયલ એસ્ટેટનાં વ્યવસાય સાથે સંકળાયેલા કાદર શેખ કહે છે, "એક મહિના પહેલાં મારા મોટાભાઈ હૈદર શેખને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો. તેમને શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. સારવારથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા પરતું એમાં 12 લાખ રૂપિયાનો ખર્ચ થયો."
 
"આટલું મોટું બિલ આવતાં મને ખ્યાલ આવ્યો કે કોવિડ-19ની સારવાર બહુ ખર્ચાળ છે. મને થયું કે પૈસાદાર લોકો તો સારવાર મેળવી શકશે, પણ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનું શું? આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા કોવિડ-19ના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુસર મેં આ હૉસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું."
 
કાદર શેખ કહે છે કે એમને પોતાને પણ સવા મહિના પહેલાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. તેમણે પણ ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેમાં પણ ઘણો ખર્ચ થયો હતો.
 
હૉસ્પિટલ બનાવવાનું નક્કી કર્યા બાદ તેમણે સી. આર. પાટીલ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કર્યો. અધિકારીઓની સૂચના મુજબ બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી.
 
હિબા હૉસ્પિટલ
 
કાદર શેખ જણાવે છે તેમના પરિવારનાં સભ્યો અને મિત્રોએ આ કાર્ય માટે ખૂબ મહેનત કરી છે, જેનાં કારણે માત્ર 15 દિવસમાં તેઓ આ હૉસ્પિટલ ઊભી કરી શક્યા છે.
 
આ હૉસ્પિટલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી કોરોના વાઇરસનો પ્રકોપ ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી આ હૉસ્પિટલ કાર્યરત રહેશે.
 
કાદર શેખ કહે છે કે આ હૉસ્પિટલ દરેક સમાજનાં અને દરેક વર્ગનાં દર્દીઓ માટે છે. સ્થાનિક લોકોને આ હૉસ્પિટલથી ઘણો લાભ મળશે.
 
કાદર શેખ હૉસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવાનું વિચારી રહ્યા છે. તેમને આ માટે સુરત મહાનગરપાલિકાનાં અધિકારીઓ સાથે વાત કરી છે અને પરવાનગી માગી છે.
 
તેઓ જણાવે છે કે, હૉસ્પિટલમાં ડૉક્ટરો અને બીજા સ્ટાફ માટે અલાયદું રસોડું અને ડાયનિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમને કોઈ તકલીફ ન પડે.
 
મહાનગરપાલિકા ઉઠાવશે ખર્ચ
 
84 બૅડની સુવિધા ધરાવતી આ હૉસ્પિટલ માટે ડૉક્ટર, નર્સ, આયા, વોર્ડબૉય અને બીજા સ્ટાફની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કરશે. દવાઓ, પી.પી.ઈ. કીટ અને સલંગ્ન ખર્ચાઓ પણ પાલિકા કરશે.
 
સુરતનાં ડૅપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષ નાયક કહે છે, "હીબા હૉસ્પિટલ દર્દીઓને સારવાર આપવા માટે બધી રીતે તૈયાર છે. અમે નવી સિવિલ હૉસ્પિટલ અને સ્મિમેર હૉસ્પિટલથી દર્દીઓને અહીં શિફ્ટ કરીશું. આ હૉસ્પિટલનું સંચાલન મહાનગરપાલિકા કરશે અને દર્દીઓને બધી સવલતો પૂરી પાડશે."
 
"હાલમાં 12 ડૉક્ટરો અને બીજો સ્ટાફ અહીં સેવા આપશે. અમે એ માટેનો ઓર્ડર બહાર પાડીશું. દર્દીઓની સંખ્યા પ્રમાણે હૉસ્પિટલમાં સ્ટાફની નિમણૂક કરવામાં આવશે."
 
નાયક જણાવે છે કે સુરતમાં હાલ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં 5200 બૅડ ઉપલબ્ધ છે, પણ કોરોના વાઇરસનાં વધતા કેસોને જોતા સુવિધા વધારવાની જરૂર છે.
 
બધા માટે કોવિડ-19 સેન્ટર, ફક્ત મુસ્લિમો માટે નહીં
 
કાદર શેખ અને તેમના પરિવાર દ્વારા કોવિડ-19ના દર્દીઓ માટે 60 બૅડની સુવિધા ધરાવતી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે.
 
કોશિશ ચૅરિટેબલ ટ્રસ્ટનાં સહયોગથી કાદર શેખ દ્વારા સુરતના ભરીમાતા રોડ વિસ્તારમાં આવેલા કૉમ્યુનિટી હોલમાં આ સુવિધા ઊભી કરવામાં આવી છે. સેન્ટરમાં 30 બૅડમાં ઑક્સિજનની સુવિધા છે.
 
કોવિડ સેન્ટરમાં ઇન્ફાસ્ટ્રકચર જેમાં બૅડ અને બીજી સુવિધા સામેલ છે, તેની વ્યવસ્થા કાદર શેખે કરી છે. જ્યારે ડૉક્ટર સહિત સ્ટાફનો પગાર, પી.પી.ઈ. કિટ અને ભોજનની વ્યવસ્થા કોશિશ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. દવાઓ સુરત મહાનગરપાલિકા પૂરી પાડે છે.
 
કાદર શેખ કહે છે કે "કોવિડ સેન્ટર સમાજના દરેક વર્ગનાં લોકો માટે છે અને અમારો પ્રયાસ છે કે વધુને વધુ લોકો આ સુવિધાનો લાભ મેળવે. છેલ્લા એક અઠવાડિયાથી સેન્ટર કાર્યરત છે અને કોશિશ ટ્રસ્ટનાં જૈનુલ આબેદીન અને તેમની ટીમ તેનું સંચાલન કરે છે."
 
સુરતમાં વિવિધ સમાજ દ્વારા પોતાના લોકો માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મુસ્લિમ સમાજ માટે અલગ સેન્ટર શરૂ કરવાની કાદર શેખની કોઈ યોજના નથી.
 
તેઓ કહે છે કે, કોવિડ સેન્ટર ત્યારે વધારે ઉપયોગી નીવડી શકે જ્યારે તે સમાજના દરેક લોકો માટે હોય. સમાજ માટે અલગ સેન્ટર ખોલવા સિવાય પણ અન્ય રીતે સમાજનાં લોકોની મદદ કરી શકાય છે.