શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 18 એપ્રિલ 2019 (15:01 IST)

અમિત શાહ : ભાજપના પોસ્ટર લગાવવાથી લઈને BJP 'પોસ્ટર બૉય' બનવા સુધીની સફર

અજય ઉમટ
"મને યાદ છે હું યુવા કાર્યકર તરીકે નારણપુરા વિસ્તારમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ માટે પોસ્ટર ચોંટાડવા જતો હતો. વર્ષો વીતી ગયાં છે અને હવે હું બહુ મોટો માણસ ભલે થઈ ગયો, પણ તે બધી વાતો મને યાદ છે અને મને ખ્યાલ છે કે મારી યાત્રાની શરૂઆત અહીંથી જ થઈ હતી."
 
30 માર્ચે ભાજપના પ્રમુખ અમિત શાહે ઉમેદવારીપત્ર ભરતી વખતે કરેલા રોડ શૉ દરમિયાન યોજાયેલી સભામાં આવું કહ્યું હતું. ગુજરાતની ગાંધીનગર બેઠક પર લોકસભા ચૂંટણી લડી રહેલા શાહ 1982માં એબીવીપીના યુવાન કાર્યકર હતા એ સમયને યાદ કરી રહ્યા હતા.
 
એ વાતને વર્ષો વીતી ગયાં છે અને જે યુવાન ક્યારેક અટલ બિહારી વાજપેયી અને ભાજપના બીજા દિગ્ગજ નેતાઓનાં પોસ્ટર લગાવતો હતો તે આજે પોતે પક્ષના 'પોસ્ટર બૉય' બની ચૂક્યા છે.

 
વ્યૂહરચના ઘડવાના ઉસ્તાદ
 
અમિત શાહની અત્યાર સુધીની સફર નાટકીય રહી છે. તેમણે પોતાના જીવનમાં ઘણા ચઢાવઉતાર જોયા છે. એબીવીપીના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા અમિતભાઈ આજે પક્ષમાં સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે. ચૂંટણીમાં ભાજપ હારે કે જીતે, તેની સમગ્ર જવાબદારી આજે તેમના ખભા પર આવી છે. અમિત શાહ વ્યૂહરચના ઘડવાના ઉસ્તાદ મનાય છે અને સંગઠનને કુશળતાથી ચલાવવામાં માહેર છે.
 
નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાનો ઉપયોગ કરીને દેશમાં ગમે ત્યાં પક્ષને ચૂંટણીમાં જિતાડી દેવાની કુનેહ તેમણે કેળવી છે. જોકે, રાજકીય સ્પર્ધકો ભાજપને હંમેશાં એ વાત યાદ અપાવતા રહે છે કે અમિત શાહ સામે ફોજદારી ગુના પણ દાખલ થયા હતા. 
 
પ્રારંભિક રાજકીય જીવન
 
શાહનો જન્મ 22 ઑક્ટોબર, 1964માં મુંબઈમાં એક વણિક પરિવારમાં થયો હતો. 14 વર્ષની વયે ગાંધીનગર જિલ્લાના માણસામાં તેઓ 'તરુણ સ્વંયસેવક' તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાયા હતા. તે રીતે નાની વયે જ તેઓ રાજકારણના પરિચયમાં આવ્યા હતા. અમિત શાહ કૉલેજ કરવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં જોડાયા હતા. 
 
1982માં બાયૉ-કેમિસ્ટ્રીનું ભણી રહેલા અમિત શાહને અમદાવાદ એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા  હતા. બાદમાં તેઓ અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં મંત્રી બન્યા હતા. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેમણે પ્રદેશ ભાજપમાં અનેક મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે. 
 
દરેક લડતને ગંભીરતાથી લેતા અમિત શાહ
 
1997માં ભારતીય જનતા યુવા મોરચામાં તેમને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા હતા. બાદમાં તેમને ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.
ભાજપના ઉમેદવાર તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1995ની વિધાનસભાની ચૂંટણી વખતે થઈ હતી. તેઓ સરખેજ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે પછી ગુજરાતમાં એક પછી એક અનેક ચૂંટણીઓ તેઓ લડતા આવ્યા અને દરેકમાં જીતતા આવ્યા છે.
 
એટલું જ નહીં, રાજ્યના સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય, ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણી હોય કે સૌથી વૈભવી ક્લબની ચૂંટણી હોય, અમિત શાહ એક પછી એક સંસ્થાઓની ચૂંટણીઓ પણ જીતતા રહ્યા અને પક્ષ વતી તેના પર નિયંત્રણો પણ મેળવતા રહ્યા. તેઓ દરેક લડતને ગંભીરતાથી લેતા આવ્યા છે.
 
ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણી હોય કે પછી અહમદ પટેલને રાજ્યસભામાં હરાવવા માટેની લડત હોય તેઓ દરેક વખતે એટલા જ જોશથી સ્પર્ધામાં ઝંપલાવી દેતા હતા. શાહ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સાથીદાર તરીકે ઉપસી આવ્યા અને તેમણે સમગ્ર ભાજપની ધુરા પોતાના હાથમાં લઈ લીધી. જોકે એક પછી એક ક્ષેત્રમાં સફળતા મળી રહી હતી તેમાં થોડા સમય માટે અવરોધ ઊભો થયો હતો.
 
સોહરાબુદ્દીન અને કૌસર બીના નકલી ઍન્કાઉન્ટરના મામલામાં તેમણે જેલમાં જવું પડ્યું હતું. થોડો સમય રાજકીય પંડિતોને એવું લાગ્યું કે તેમની રાજકીય યાત્રાનો આ સાથે અંત આવી જશે. જોકે જેલમાંથી છૂટ્યા પછી પક્ષમાં તેઓ એક પછી એક પગથિયું ઉપર જ ચડતા ગયા.
મુશ્કેલીનો સમય
 
ગૅંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેમનાં પત્ની કૌસર બીનું નકલી ઍન્કાઉન્ટર થયું તે કેસમાં અમિત શાહનું નામ આરોપી તરીકે આવ્યું, તે અમિત શાહની રાજકીય યાત્રા અને જીવનમાં સૌથી મુશ્કેલ સમય હતો. 2005માં તેઓ ગુજરાતમાં ગૃહ મંત્રી હતા ત્યારે આ ઘટના બની હતી. 2006માં સોહરાબુદ્દીનના સાગરીત તુલસી પ્રજાપતિની પણ નકલી ઍન્કાઉન્ટરમાં હત્યા થઈ તેમાં પણ અમિત શાહ આરોપી બન્યા હતા. તુલસીરામ પ્રજાપતિ સોહરાબુદ્દીનના અપહરણ કેસમાં સાક્ષી પણ હતો. આ આરોપોને કારણે અમિત શાહે ઘણી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું.
 
આ કેસમાં એટલા વળાંકો આવ્યા અને સ્થિતિ એવી રીતે બદલાતી રહી કે તેની સાથે અનેક રાજકીય મુદ્દાઓ પણ જોડાઈ ગયા હતા અમેરિકાની લોકપ્રિય ડ્રામા સિરીઝ 'ગૅમ્સ ઑફ થ્રૉન્સ' જેટલાં નાટકીય વળાંકો આ કેસમાં આવતા રહ્યા હતા. સોહરાબુદ્દીનના કુટુંબીજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તે પછી ઍન્કાઉન્ટર કેસની તપાસ તેજ થઈ હતી અને વર્ષ 2005-06 દરમિયાન આ કેસની ચકચારી વિગતો બહાર આવતી રહી હતી. કબાટમાંથી હાડપિંજરો બહાર નીકળવાં લાગ્યાં હતાં.
 
બે રાજ્યોના ભાજપ સરકારના પ્રધાનો આ કેસમાં આરોપી બન્યા હતા. ગુજરાતની ભાજપના સરકારના પ્રધાન અમિત શાહ ઉપરાંત રાજસ્થાનની ભાજપ સરકારના પ્રધાન ગુલાબચંદ કટારિયાનું નામ પણ આ નકલી ઍન્કાઉન્ટર કેસમાં સંડોવાયું હતું.
 
ગુજરાતમાંથી હદપાર
 
ગુજરાત અને રાજસ્થાનના આઇપીએસ કક્ષાના અધિકારીઓ સહિત અનેક પોલીસોનાં નામો પણ બહાર આવ્યાં હતાં. આઇપીએસ ઓફિસર એમ. એન. દિનેશ, રાજકુમાર પાંડિયન અને ડી. જી. વણઝારા જેવા પોલીસ અધિકારીઓ અને અન્ય આરોપીઓ સાથે અમિત શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
 
અમિત શાહની ધરપકડ 25 જુલાઈ, 2010ના રોજ થઈ હતી અને તેમને 29 ઑક્ટોબર, 2010ના રોજ જામીન મળ્યા હતા. ઑક્ટોબર 2010થી સપ્ટેમ્બર 2012 સુધી તેમને ગુજરાતમાંથી હદપાર પણ કરવામાં આવ્યા હતા. લાંબી કાનૂની લડાઈ પછી આખરે 30 ડિસેમ્બર, 2014ના રોજ સીબીઆઈ કોર્ટે તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા.
 
પુત્ર જય શાહના વેપારનો વિવાદ
 
ઑક્ટોબર 2017માં 'ધ વાયર' નામની વેબસાઇટે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તેના એક જ વર્ષમાં અમિત શાહના પુત્ર જય શાહની માલિકીની કંપનીનું ટર્નઓવર 16000 ગણું વધી ગયું હતું.  અહેવાલમાં દાવો કરાયો હતો કે જય શાહની કંપનીનું ટર્નઓવર માત્ર 50,000 રૂપિયાનું હતું, તે વધીને એક જ વર્ષમાં સીધું 80 કરોડ રૂપિયા થઈ ગયું હતું. રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં જમા કરાવાયેલા દસ્તાવેજોના આધારે આ અહેવાલ તૈયાર થયો હતો.
 
આ અહેવાલ પછી જય શાહે વેબસાઇટના સહસ્થાપક સિદ્ધાર્થ વરદરાજન અને રિપોર્ટર રોહિની સિંહ સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આ કેસ હાલમાં પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
 
મોદીના ઘડવૈયા
 
અમિત શાહને નજીકથી જાણનારા કહે છે કે તેમણે ગાંધીનગર મતવિસ્તારમાં હંમેશાં પૂરી તાકાત સાથે કામ કર્યું છે. મતવિસ્તારને પક્ષ માટે મજબૂત બનાવીને તેને તૈયાર ભાણા તરીકે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીને તેઓ પીરસતા રહ્યા હતા. એ જ રીતે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય રાજકારણની સીડીઓ ચડવામાં મદદ કરનારા પણ અમિત શાહ જ છે.
 
આ જાણકારો કહે છે કે મોદી અને શાહ બૅટ્સમૅનોની એવી જોડી છે જે સાથે મળીને સદીઓ ફટકારે. બંને નેતાઓને નજીકથી જાણતા ભાજપના એક સિનિયર નેતા કહે છેઃ "મોદી અને શાહ એક જ સિક્કાની બે બાજુ છે. દાયકાઓથી બંને સાથે કામ કરી રહ્યા છે. બંને એકસમાન રીતે વિચારે છે."
 
" તેઓ એક પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે. જીવન અને રાજકીય જીવન વિશે બંનેના અલગઅલગ દૃષ્ટિકોણ છે એવું લાગશે, પણ બંને એકબીજાના પૂરક તરીકે જ કામ કરે છે."
 
"શાહ એવા બૅટ્સમૅન છે, જે પોતાના બીજા બૅટ્સમૅનને સાથ આપે છે અને તેમને વધુમાં વધુ ફટકાબાજી કરવામાં અને સદી પૂરી કરવામાં મદદ કરે છે."
 
" તે એવા બૅટ્સમૅન છે જે પોતાના વ્યક્તિગત સ્કોરની ચિંતા કરતા નથી, પણ સાથી બૅટ્સમૅન વધુમાં વધુ રન કરીને ટીમને જોરદાર જીત અપાવે તે માટે જ મથતા રહે છે."
 
 
'મૅન ઑફ ધ મૅચ'
 
2014માં ચૂંટણીમાં જીત મળી તે પછી નરેન્દ્ર મોદીએ અમિત શાહને 'મૅન ઑફ ધ મૅચ' કહ્યા હતા. ભાજપના આ સિનિયર નેતા વધુમાં જણાવે છે કે શાહ એક ફિલ્મ ડિરેક્ટરની જેમ કામ કરે છે.
 
" ડિરેક્ટર કૅમેરાની પાછળ રહે અને અભિનેતાઓને સ્ટાર બનાવતા હોય છે."
 
" શાહે ઘણાને પોલિટિકલ સ્ટાર બનાવ્યા છે, પણ સુપરસ્ટાર મોદી જ છે."
સંગઠનની કુશળતા
 
રાજકીય વિશ્લેષકો કહે છે કે શાહ એક ઉત્તમ મૅનેજર છે. ભાજપના કાર્યકરો સૈનિકોમાં હોય તેવી શિસ્ત દેખાડે છે, તેમાં જ શાહની સંગઠનની કુશળતા વ્યક્ત થાય છે.
એકદમ શિસ્તબદ્ધ રીતે કામ કરતાં આ કાર્યકરોને અમિત શાહે જ તાલીમ આપીને તૈયાર કર્યા છે. દાયકાથી તેઓ બૂથ મૅનેજમૅન્ટ પર ભાર મૂકતા આવ્યા છે. તેનું પરિણામ પહેલાં ગુજરાત અને બાદમાં 2014માં લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. તેમની રાજકીય અને સંગઠનની કુશળતાને કારણે પક્ષે તેમને 2010માં પક્ષના મહામંત્રી બનાવ્યા હતા અને પ્રભારી તરીકે ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી હતી.
 
શાહે ઉત્તર પ્રદેશમાં ભાજપનું ચૂંટણી નસીબ બદલી નાખ્યું અને પક્ષને જોરદાર જીત મળી.
 
લોકસભાની 80 બેઠકોમાંથી 73 બેઠકો પર પક્ષે જીત મેળવી લીધી. તેઓ પ્રભારી હતા તેના બે જ વર્ષમાં ઉત્તર ભારતમાં પક્ષનો વૉટ શેર અઢી ગણો થઈ ગયો. 2014માં અમિત શાહ ભાજપની ચૂંટણી સમિતિના સભ્ય હતા. જનસંપર્ક, મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવાની અને નવા મતદારોને પક્ષના સભ્યો બનાવવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. 2014માં ભાજપને જીત મળી તેમાં તેમની પરિણામલક્ષી વ્યૂહરચનાનો મહત્ત્વનો ફાળો હતો.
 
ગઠબંધનના ઉસ્તાદ
 
ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછીનાં ગઠબંધનો કરવાની તેમની આવડતની સૌ કોઈ ઇર્ષા કરે છે. વિપક્ષના સાંસદો અને ધારાસભ્યોને તોડી લાવવામાં અને પોતાના પક્ષમાં સામેલ કરી દેવામાં પણ તેઓ હોશિયાર છે. પક્ષને જ્યારે પણ એવું કરવાની જરૂર હોય ત્યારે તેઓ એ કામ કરી બતાવે છે. તેઓ એવી ઑફર મૂકે કે ના પાડવી મુશ્કેલ બની જાય.
 
ભાજપના આંતરિક પ્રવાહો પર નજર રાખનારા જણાવે છે કે પક્ષે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં જીત મેળવી લીધી છે અને ત્યાં પોતાનું પ્રભુત્વ પણ જમાવી દીધું છે.
જોકે, હજી પણ ભાજપને દક્ષિણ અને ઈશાન ભારતમાં પ્રભાવશાળી દેખાવ માટે મહેનત કરવી પડે તેમ છે. 
 
દક્ષિણ અને ઈશાનના રાજ્યોમાં ચુપચાપ કામ
 
ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે, "શાહ દક્ષિણનાં રાજ્યોમાં લાંબા સમયથી ચુપચાપ કામ કરી રહ્યા છે."
 
"તેમણે દક્ષિણ અને ઈશાનનાં રાજ્યોમાં પાયાના સ્તરે બહુ કામ કર્યું છે."
 
"આ એવાં રાજ્યો છે ત્યાં હમણાં સુધી ભાજપ માટે કોઈ ભવિષ્ય દેખાતું નહોતું. તેઓ ભાજપના કાર્યકરો માટે નવા મોરચા ખોલી રહ્યા છે."
 
"ત્યાં લડવા માટે તેમને તૈયાર કરી રહ્યા છે. "
 
"આ બધી મહેનતનું પરિણામ આ વખતની ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળી શકે છે."
 
માત્ર તેમના પક્ષના નેતાઓ અને કાર્યકરો જ નહીં પણ વિપક્ષી નેતાઓ પણ અમિત શાહની સોશિયલ એન્જિનિયરિંગની આવડતને માને છે.
 
ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે, "અમિતજીની જેમ બીજા કોઈ નેતા જ્ઞાતિઓને એક માળામાં પરોવી શકે નહીં."
 
"તેઓ જ્ઞાતિના રાજકારણને અંદરથી અને બહારથી બરાબર જાણે છે."
 
"તેમના એકલાની કુશળતા જ કૉંગ્રેસના બધા વ્યૂહકારોને ભારે પડી જાય છે."
આગળનો માર્ગ
 
2019ની ચૂંટણીમાં ભાજપ માટે સારું પરિણામ આવશે તો તેનો જશ અમિત શાહને એકલાને નહીં મળે. પરંતુ જો પક્ષને નિષ્ફળતા મળી તો પૂરી જવાબદારી અમિત શાહની માથે ઢોળી દેવામાં આવશે. શાહ પોતાના પક્ષ માટે માત્ર પ્રસંશોનાં પુષ્પો જ નહીં, ટીકા પણ સહન કરવા માટે તૈયાર છે. કેમ કે તેઓ ઘણી વાર કહી ચૂક્યા છે કે ભાજપ વિના તેઓ સાર્વજનિક જીવનમાં કશું જ નથી. રોડ શો વખતે નારણપુરામાં સભા એકઠી થયેલી કાર્યકરો અને સમર્થકોની મેદનીને સંબોધન કરતી વખતે તેમણે પોતાના કરતાં પક્ષ મોટો છે તેવી વાત કરી હતી.
 
તેમણે કહ્યું હતું કે "મારા જીવનમાંથી ભાજપને બાદ કરી દેવામાં આવે તો શૂન્ય જ બચશે. હું જે કંઈ પણ શીખ્યો છું અને દેશને આપ્યું છે તે બધું જ ભાજપનું છે."
 
અમિત શાહની યાત્રા
 
1964, 22 ઑક્ટોબર: મુંબઈમાં જન્મ
 
1978: આરએસએસના તરુણ સ્વંયસેવક બન્યા
 
1982: એબીવીપી ગુજરાતના મદદનીશ મંત્રી બન્યા
 
1987: ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા
 
1989: ભાજપના અમદાવાદ શહેર સંગઠનમાં મંત્રી બન્યા
 
1995: ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કૉર્પોરેશનના ચૅરમૅન બન્યા
 
1997: ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા
 
1998: ગુજરાત ભાજપમાં મંત્રી તરીકે નીમાયા
 
1999: ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખ બન્યા
 
2000: અમદાવાદ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન બન્યા
 
2002-2010: ગુજરાત સરકારમાં મંત્રી તરીકે રહ્યા
 
2006: ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા
 
2009: સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ એસોસિયેશન અમદાવાદના પ્રમુખ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ બન્યા
 
2010: સોહરાબુદ્દીન અને કૌસર બી નકલી ઍન્કાઉન્ટર કેસમાં ધરપકડ થઈ
 
2013: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા
 
2014: ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા
 
2014: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા
 
2016: સોમનાથ મંદિર ટ્રસ્ટના સભ્ય બન્યા
 
2016: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ફરી એક વાર પસંદગી