શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 23 નવેમ્બર 2019 (13:34 IST)

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના CM બન્યા છતાં આ પ્રશ્નો યથાવત

મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કૉંગ્રેસના ગઠબંધનની ચર્ચા વચ્ચે શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે અને અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.  ફડણવીસ અને અજિત પવારની શપથવિધિ સાથે એક મહિનાથી ગૂંચવાયેલી મહારાષ્ટ્રની રાજનીતિનું ચિત્ર કેટલાક અંશે સ્પષ્ટ થયું છે.
 
જોકે ચિત્ર સાવ સ્પષ્ટ થઈ ગયું છે એવું નથી હજી કેટલાક પ્રશ્નો યથાવત છે. 
 
ભાજપે સાબિત કરવો પડશે બહુમત
 
હવે ભાજપે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે.
 
NCP, શિવસેના અને કૉંગ્રેસ પ્રયાસ કરશે કે ભાજપને બહુમત ન મળે પરંતુ ભાજપને બહુમત સાબિત કરવા માટે માત્ર 25 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.
 
જો ભાજપ એક અઠવાડિયામાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ જાય તો ફરીથી મહારાષ્ટ્રની રાજનીતિમાં વળાંક આવી શકે છે.
 
NCPના સમર્થન પર સવાલ
 
શરદ પવારે ટ્વીટ કરીને કહ્યું છે કે ભાજપ સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય અજિત પવારનો અંગત છે અને NCP તેને સમર્થન આપતી નથી. અમે સત્તાવાર રીતે જણાવીએ છીએ અમે આ નિર્ણયને સમર્થન આપતા નથી.
 
જો NCPએ સત્તાવાર રીતે ભાજપને સમર્થન આપ્યું નથી, તો એ જોવાનું રહ્યું કે NCPના 54 ધારાસભ્યોમાંથી કેટલા ધારાસભ્યો અજિત પવારને સમર્થન આપશે.
 
શું અજિત પવારને બે તૃતિયાંશ ધારાસભ્યોનો ટેકો મળશે? આ અંગે વિધાનસભામાં વિશ્વાસમત મેળવવા સમયે મોટો ડ્રામા જોવા મળી શકે છે.
 
એવી માહિતી હતી કે શરદ પવારના ભત્રીજા અને NCPના નેતા અજિત પવાર પાર્ટીના શિવસેના અને કૉંગ્રેસ સાથે સંભવિત ગઠબંધનથી નાખુશ હતા.
 
હજી સુધી એ જાણવા મળ્યું નથી કે અજિત પવારે ભાજપને કેવી રીતે સમર્થન આપ્યું અને ગવર્નરે તેમના સરકાર બનાવવાના દાવાને કેવી રીતે મંજૂરી આપી.
 
ગવર્નરે 145 ધારાસભ્યોના હસ્તાક્ષરની માગ કરી હતી.
 
288 બેઠક ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનો આંકડો બહુમત દર્શાવે છે.
 
આ આખા ઘટનાક્રમમાં સૌથી વધારે નુકસાન શિવસેનાને થયું છે.
 
તેમણે પહેલાં ભાજપ સાથે ચૂંટણી લડી અને પછી ગઠબંધન તોડી નાખ્યું. તેમને મુખ્ય મંત્રીપદની આશા હતી જે ભાજપ આપવા તૈયાર નહોતો.
 
ઉદ્ધવ ઠાકરેનો દાવો છે કે ભાજપ અઢી-અઢી વર્ષ માટે સત્તા વહેંચવા માટે તૈયાર થયો હતો. જોકે, ભાજપનું કહેવું છે કે તેમણે એવી કોઈ વાત કરી નથી.
 
દેવેન્દ્ર ફડણવીસના મુખ્ય મંત્રી બનવાની સાથે ભાજપને મહારાષ્ટ્રમાં સૌથી મોટી જીત મળી છે.