શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 8 સપ્ટેમ્બર 2019 (08:23 IST)

Chandrayaan 2 : આ કારણે ઈસરોના અધૂરા મિશનમાં પણ છુપાયેલી છે ભારતની મોટી જીત

ચંદ્રયાન-2ના લૅન્ડર 'વિક્રમ' સાથેનો સંપર્ક ચંદ્રની સપાટી પર ઉતરવાની થોડી ક્ષણો પહેલાં જ તૂટી ગયો હતો અને તેને લઈને અનેક લોકો સફળતા અને નિષ્ફળતાની ચર્ચા કરી રહ્યા છે.
ઈસરોના અધ્યક્ષ કે. સિવને મિશન બાદ કહ્યું, "લૅન્ડર વિક્રમ યોજના પ્રમાણે જ ઉતરી રહ્યું હતું અને સપાટીથી 2.1 કિલોમિટર દૂર હતું ત્યાં સુધી બધું સામાન્ય હતું."
"જોકે, બાદમાં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ડેટાની સમીક્ષા કરવામાં આવી રહી છે."
વિક્રમ 7 સપ્ટેમ્બરના 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા હાજર હતા અને આખરી પળમાં મિશન અધૂરું રહેતા તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કરી વૈજ્ઞાનીઓની હિંમતને બિરદાવી હતી.
 
પણ એક સવાલ જે ચર્ચાઈ રહ્યો છે તે એ છે કે શું ઈસરોની આ હારમાં પણ જીત છુપાયેલી છે?
આખરે ચંદ્રયાન-2ની 47 દિવસોની યાત્રા અંતિમ પડાવ પર કેમ અટકી ગઈ? શું કોઈ તકનીકી સમસ્યા હતી?
આ સવાલોને લઈને બીબીસી સંવાદદાતા રજનીશ કુમારે વિજ્ઞાનના ખ્યાતનામ પ્રત્રકાર પલ્લવ બાગલા સાથે વાતચીત કરી. પલ્લવ બાગલાના જ શબ્દોમાં વાંચો તમામ સવાલના જવાબ.
છેલ્લી ઘડીઓમાં વિક્રમ લૅન્ડરનો સંપર્ક ગ્રાઉન્ડ સ્ટેશનથી તૂટી ગયો. ઈસરોના ચૅરમૅન ડૉ. કે સિવને કહ્યું કે વિક્રમ લૅન્ડર ચંદ્રની સપાટીથી ફક્ત 2.1 કિલોમિટર દૂર હતું અને ત્યારે જ સંપર્ક કપાઈ ગયો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના કંટ્રોલરૂમમાં વિજ્ઞાનીઓ સાથે વાત કરી એ વખતે એમણે એવો સંકેત આપ્યો કે ક્યાંક ચંદ્રયાન-2નું વિક્રમ લૅન્ડર ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવામાં ઉતાવળ કરી રહ્યું હતું. છેલ્લી ક્ષણોમાં એવી કોઈ ખરાબી થઈ કે જેને લીધે પૂરી સફળતા ન મળી શકી.
વિક્રમ લૅન્ડરથી ભલે નિરાશા મળી હોય પરંતુ આ મિશન નિષ્ફળ નથી રહ્યું કેમ કે ચંદ્રયાન-2નું ઑર્બિટર ચંદ્રની ભ્રમણકક્ષામાં પોતાનું કામ કરી રહ્યું છે.
આ ઑર્બિટરમાં એવા અનેક સાયન્ટિફિક સાધનો છે જે તે સારી રીતે કાર્યરત છે. હા, વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવર એક પ્રયોગ હતો તેમાં ઝટકો ચોક્કસ લાગ્યો છે.
 
હારમાં પણ જીત
આ હારમાં પણ જીત છે. ઑર્બિટર ભારતે પહેલાં પણ મોકલ્યું હતું પરંતુ આ વખતનું ઑર્બિટર વધારે આધુનિક છે. ચંદ્રયાન-1ની સરખામણીએ ચંદ્રયાન-2નું ઑર્બિટર વધુ આધુનિક વૈજ્ઞાનિક સાધનો ધરાવે છે.
વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવરનો પ્રયોગ ભારત માટે પહેલીવારનો હતો અને મને ડૉ. સિવને કહ્યું પણ હતું કે આની છેલ્લી 15 મિનિટ ભયાનક હશે. આ એક પ્રયોગ હતો અને તેમાં નિષ્ફળતા મળી છે, દરેક પ્રયોગ સફળ જ થાય એવું નથી હોતું.
મારું જે અનુમાન અને ગણતરી છે તે મુજબ રાતે 1.40 કલાકે વિક્રમ લૅન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરણ શરૂ કર્યું હતું અને આશરે 2.51 કલાકની આસપાસ સંપર્ક તૂટી ગયો. એ પણ સત્ય છે કે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર આજ સુધી કોઈ રૉબોટિક લૅન્ડર નથી ઉતરી શક્યું.
જોકે, ડૉ. સિવને મને કહ્યું હતું કે દક્ષિણ ધ્રુવ પર ઉતરણ હોય, ઇકોટેરિલ પ્લેન પર ઉતરણ હોય કે ઉત્તરમાં ઉતરણ હોય, એ તમામમાં મુશ્કેલી એક જ હોય છે.
ઈસરોના ચૅરમૅને મને સ્પષ્ટ કર્યું હતું કે દક્ષિણ ધ્રુવ હોય કે અન્ય કોઈ ધ્રુવ મુશ્કેલીઓ અને પડકારો એક જ સમાન છે.
 
ઑર્બિટર કામ કરી રહ્યું છે
એ વાત સાચી છે કે ચંદ્રયાનને એકદમ નવા સ્થળે મોકલવામાં આવ્યું જેથી નવી માહિતીઓ સામે આવી શકે.
જૂની જગ્યાઓ પર જવાનો કોઈ ફાયદો નહોતો એને લીધે પણ નવી જગ્યા નક્કી કરવામાં આવી.
ઑર્બિટર કામ કરી રહ્યું છે. ચંદ્ર પર પાણીની શોધ ભારતનું મુખ્ય લક્ષ્ય હતું અને એ બાબતે નવો ડેટા ભવિષ્યમાં ચોક્કસ આવશે.
લૅન્ડર વિક્રમ ચંદ્રની સપાટીનું જે વિશ્લેષણ કરવાનું હતું તે હવે નહીં થઈ શકે. ત્યાંના પથ્થરોનું વિશ્લેષણ કરવાનું હતું એ હવે નહીં થઈ શકે.
વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવરથી ચંદ્રની સપાટીની સૅલ્ફી આવત અને દુનિયા તેને જોઈ શકત એ હવે સંભવ નથી.
 
આ એક સાયન્ટિફિક મિશન હતું અને આમાં 11 વર્ષ લાગ્યાં. આનું ઑર્બિટર સફળ રહ્યું અને લૅન્ડર, રોવર અસફળ રહ્યાં.
આ નિષ્ફળતાથી ઈસરો પાછળ નહીં હઠે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ વાત કહી હતી.
ઈસરો પહેલા એ સમજવાની કોશિશ કરશે કે શું થયું અને તે પછી આગળનું પગલું ભરશે.
અમેરિકા, રશિયા અને ચીનને ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગમાં સફળતા મળી છે. ભારત શુક્રવારે એ ચૂકી ગયું.
સૉફ્ટ લૅન્ડિંગનો અર્થ થાય છે તમે કોઈ સેટેલાઇટ કે લૅન્ડરને સુરક્ષિત ઉતારો અને તે એનું કામ સુચારૂ રીતે કરી શકે.
દુનિયામાં 50 ટકાથી ઓછા મિશન છે જે સૉફ્ટ લૅન્ડિંગમાં સફળ થાય છે.
જે લોકો અંતરિક્ષ વિજ્ઞાનને સમજે છે તેઓ જરૂર ભારતના આ પ્રયોગને પ્રોત્સાહન આપશે. ઈસરોનું આગામી મોટું મિશન ગગનયાન છે જેમાં અંતરિક્ષયાત્રીને મોકલવામાં આવનાર છે.