શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (12:47 IST)

ભારતીય મહિલાએ રેકૉર્ડજનક 73 વર્ષની વયે બે બાળકીને જન્મ આપ્યો

73 વર્ષનાં એક મહિલાએ આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાના એક નર્સિંગ હોમમાં બે બાળકીઓને જન્મ આપ્યો છે.
યેરામતી મંગયામ્મા નામના મહિલાએ સી સેક્સશન દ્વારા આ ટ્વીન્સ બેબીને જન્મ આપ્યો હતો.
તેમની સારવાર કરનારા ડૉક્ટર ઉમાશંકરે બીબીસીને જણાવ્યુ કે બંને બાળકીઓ અને મંગયામ્મા બંનેની તબિયત સારી છે અને તેઓ ડૉક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ છે.
તેમના કહેવા પ્રમાણે બંને બાળકીઓને 21 દિવસ સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
ડૉક્ટર ઉમાશંકર છેલ્લા દસ મહિનાથી મંગયામ્માની IVF પદ્ધતિથી સારવાર કરી રહ્યા હતા.
બે બાળકીઓને જન્મ આપ્યા બાદ મંગયામ્માએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું, "લોકો મને 'વાંઝણી' કહેતા હતા. મેં અનેક દિવસો ખૂબ પીડામાં પસાર કર્યા છે."
"જે બાદ મેં બાળકોને જન્મ આપવાનું નક્કી કર્યું. આ મારી જિંદગીનો સૌથી વધારે ખુશી આપનારો સમય છે. હવે મારે બે બાળકો છે."
 
લોકો અમને વાંઝિયાં કહેતાં હતાં'
બાળકીઓના જન્મ બાદ મંગયામ્મના પતિએ પણ આ મામલે ખુશી વ્યક્ત કરી હતી.
મંગયામ્માના પતિ યારામતી સિતારામા રાજારાવે કહ્યું કે અમે હવે ખૂબ ખુશ છીએ.
તેમણે કહ્યું, "આ ડૉક્ટરોને કારણે અમારે ઘરે પારણું બંધાયું છે. અમે બાળકો માટે અનેક હૉસ્પિટલોની અનેકવાર મુલાકાતો લીધી હતી."
"જે બાદ અમે આ હૉસ્પિટલે અન્ય રાઉન્ડ માટે ફરી આવ્યાં હતાં. માત્ર બે મહિનાની અંદર મારા પત્નીને ગર્ભ રહ્યો હતો."
"અમે છેલ્લા 9 મહિનાથી આ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છીએ. લોકો અમને વાંઝિયાં કહેતાં હતાં."
"હવે અમારા પરથી વાંઝિયા હોવાનું મેણું ટળી ગયું છે. અમે હવે કાળજીપૂર્વક અમારી બાળકીઓની દેખભાળ કરીશું."
 
અન્ય મહિલાનું એગ
મંગયામ્મા
આ દંપતી આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લાના નેલાપાર્થીપડુ ગામનું છે. તેમનાં લગ્ન 22 માર્ચ, 1962ના રોજ થયાં હતાં.
તેમનાં લગ્નનાં કેટલાંક વર્ષો બાદ પણ તેમને સંતાન ન થતાં હૉસ્પિટલમાં સારવાર લેવાનું નક્કી કર્યું હતું. ત્યારથી તેઓ અનેક હૉસ્પિટલોમાં સારવાર લઈ ચૂક્યાં છે.
હાલમાં જ તેમના ગામમાં એક મહિલાએ IVFની મદદથી 55 વર્ષની વયે બાળકને જન્મ આપ્યો હતો.
આ મહિલાએ બાળકને જન્મ આપતા મંગયામ્મા અને તેમના પતિએ પણ IVFનો સહારો લેવાનું નક્કી કર્યું હતું.
ગયા વર્ષે તેમણે ગંટુરના આ નર્સિંગ હોમની મુલાકાત લીધી હતી.
ડૉક્ટર ઉમાશંકરે તમામ ટેસ્ટ કર્યા હતા અને જે બાદ તેમણે સારવાર શરૂ કરી હતી.
મંગયામ્મા મૅનોપૉઝની ઉંમર વટાવી ચૂક્યાં હોવાથી અન્ય મહિલાનું એગ લેવામાં આવ્યું હતું.
આ રીતે તેમની સારવાર બાદ હાલ દંપતીના ઘરે બાળકીઓનો જન્મ થયો છે.
 
મંગયામ્મા નામે રેકૉર્ડ?
એેવી ઉમેદ રાખવામાં આવી રહી છે કે જોડિયાં બાળકોને સૌથી વધારે ઉમરે જન્મ આપનારાં આ મહિલા હશે.
સૌથી વધારે ઉંમરે બાળકને જન્મ આપવાનો અધિકારીક રેકૉર્ડ સ્પેનની મારિયા ડેલ કાર્મેન બોઉસાડા લારાના નામે છે.
જેમણે વર્ષ 2006માં 66 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો હતો.
જોકે, કેટલાક લોકોનું માનવું છે કે આ રેકૉર્ડ ભારતનાં ઓમકારી પનવારના નામ પર છે.
પનવાર અંગે માનવામાં આવે છે કે 2007માં તેમણે 70 વર્ષની ઉંમરે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.