ભારત શનિવારના રોજ અંતરિક્ષમાં ઇતિહાસ રચવાની નજીક હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડર 'વિક્રમ'ને ઉતારવાની પ્રક્રિયા સામાન્યરૂપે ચાલી રહી હતી. વૈજ્ઞાનિકો ઉત્સાહમાં હતા.
ભારત શનિવારના રોજ અંતરિક્ષમાં ઇતિહાસ રચવાની નજીક હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડર 'વિક્રમ'ને ઉતારવાની પ્રક્રિયા સામાન્યરૂપે ચાલી રહી હતી. વૈજ્ઞાનિકો ઉત્સાહમાં હતા.
પરંતુ બધું અચાનક ત્યારે બદલાઈ ગયું જ્યારે લૅન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમિટર ઉપર હતું અને તેનો ઈસરોના નિયંત્રણકક્ષ સાથે સંપર્ક તૂટી ગયો.
જોકે, એવું નથી કે સૉફ્ટ લૅન્ડિંગ કરાવવામાં ભારતને જ નિરાશા મળી છે.
ચંદ્રયાન-2 - ચંદ્ર પર દુનિયાનું 110મું અભિયાન
ચંદ્રયાન-2 ચંદ્ર પર દુનિયાનું 110મું અને આ દાયકાનું 11મું અંતરિક્ષ અભિયાન છે.
109માંથી 90 અભિયાનોને 1958 અને 1976 વચ્ચે ચંદ્ર પર મોકલવામાં આવ્યા.
ત્યારબાદ ચંદ્ર પર અંતરિક્ષ અભિયાનોની ગતિ ધીમી પડી ગઈ.
20મી સદીના 90ના દાયકામાં મૂન મિશન ફરી ધીમે ધીમે શરૂ થયા અને 2008માં ચંદ્રયાન-1 દ્વારા ચંદ્ર પર કરવામાં આવેલી પાણીની શોધે દુનિયાનું ધ્યાન ફરી ચંદ્ર તરફ આકર્ષિત કર્યું.
ચંદ્રયાન-2 સાથે ચંદ્રની સપાટી પર લૅન્ડિંગ કરવા માટે ભારતે પહેલો પ્રયાસ કર્યો છે.
ભારતે ચંદ્રયાન-2 લૉન્ચ કર્યું તેના પહેલા એપ્રિલ 2019માં જ ઇઝરાયલે પણ પોતાનું સ્પેસક્રાફ્ટ બેરેશીટ ચંદ્ર પર મોકલ્યું હતું. જોકે, ઇઝરાયલનું આ મિશન સફળ ન રહ્યું અને સ્પેસક્રાફ્ટ લૅન્ડ કરતા સમયે જ 11 એપ્રિલ 2019ના રોજ ક્રેશ થઈ ગયું હતું.
આ ઇઝરાયલનું પહેલું પ્રાઇવેટ ફંડ સ્પેસક્રાફ્ટ હતું કે જેને SpaceIL નામની નૉન-પ્રૉફિટ કંપનીએ લૉન્ચ કર્યું હતું. આ મિશન ચંદ્રયાન કરતાં પણ સસ્તું હતું. તેની પાછળ 720 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ચંદ્રયાન-2 મિશન પાછળ 978 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ઇઝરાયલના મિશન પાછળ મોરિસ કાહન નામના બિઝનેસમૅન અને SpaceILના પ્રમુખે પૈસા ખર્ચ્યા હતા.
મોરિસ કાહને બેરેશીટ ક્રેશ થવાના બે દિવસ બાદ જ કહ્યું હતું કે તેઓ જલદી બીજી વખત નવું મિશન લૉન્ચ કરશે
ચંદ્રની સપાટી પર ઉતરવાનો પહેલો પ્રયાસ વર્ષ 1959માં સોવિયેત યુનિયન દ્વારા થયો હતો. સોવિયત યુનિયનનું લ્યૂના 2 સ્પેસક્રાફ્ટ વર્ષ 1959માં જ ક્રેશ લૅન્ડ થયું હતું. તેના સાત વર્ષ બાદ 1966માં લ્યૂના 9એ ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગ કર્યું હતું.
એ પછીના 10 વર્ષ દરમિયાન અમેરિકા અને સોવિયેત સંઘે માનવમિશન સહિત અનેક સૉફ્ટ લૅન્ડિંગના મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા.
જોકે, પછી કેટલાક નિષ્ફળ પ્રયાસના પગલે બન્ને દેશોએ મૂન મિશન પર કામ કરવાનું બંધ કરી દીધું. 1976થી 2013ના સમયગાળા દરમિયાન ચંદ્ર પર કોઈ સૉફ્ટ લૅન્ડિંગ કરવામાં આવ્યું નથી.
14 ડિસેમ્બર 2013ના રોજ ચીનના ચાંગ ઈ-3 સ્પેસક્રાફ્ટે સફળતાપૂર્વક ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ કર્યું હતું. આ સાથે જ ચીન ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ કરનારો ત્રીજો દેશ બની ગયો હતો. ચોથા ક્રમાંકે ઇઝરાયલનું નામ હોઈ શકતું હતું. પરંતુ બેરેશીટની નિષ્ફળતા સાથે ઇઝરાયલનું આ સપનું અધુરું રહી ગયું.
કેવી રીતે ઇઝરાયલને મળી હતી નિષ્ફળતા?
ઇઝરાયલની પ્રાઇવેટ કંપની SpaceILએ અમેરિકાના બિઝનેસમૅન એલન મસ્કની કંપની સ્પેસ એક્સના ફાલ્કન-9 રૉકેટથી બેરેશીટને રવાના કર્યું હતું. યાનના આકાર અને તેના પર થતા ખર્ચને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ બેકઅપ સિસ્ટમની અવગણના કરવી પડી હતી. તેના કારણે સિસ્ટમમાં નાની એવી ખામીથી પણ મિશને મોટી કિંમત ચૂકવવી પડી. ઘણી ટેકનિકલ ખામી હોવા છતાં એપ્રિલ 11ના રોજ બેરેશીટ યોગ્ય પૉઝિશનમાં પહોંચી ગયું હતું. પરંતુ ઉતરાણ દરમિયાન યાનનો સંપર્ક તૂટી ગયો અને રોવર ચંદ્રની સપાટી પર ક્રેશ થઈ ગયું હતું.
આ ક્રેશમાં રોવરનો મોટો ભાગ તૂટી પડ્યો હતો પરંતુ થોડા ભાગ જેમ કે લ્યૂનર લાઇબ્રેરી ક્રેશમાં બચી ગઈ હતી. ઇઝરાયલના સ્પેસક્રાફ્ટ બેરેશીટને જ્યારે ચંદ્ર પર મોકલવામાં આવ્યો તો તેમાં એક વિશેષ પ્રકારના પૅકેજનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો.
આ વિશેષ પ્રબંધનું નામ જ લ્યૂનર લાઇબ્રેરી એટલે કે ચંદ્રનું પુસ્તકાલય આપવામાં આવ્યું હતું.
ચંદ્રના પુસ્તકાલયમાં માનવ ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી બાબતો સામેલ કરાઈ હતી. જેમ કે, કરોડ પાનામાં માનવ ઇતિહાસ, મનુષ્યોના ડીએનએ સેમ્પલ અને હજારો ડિહાઇડ્રેટેડ ટારટીગ્રેડ્સ હતા. યાનમાં બોધિવૃક્ષના સેમ્પલ પણ મૂકવામાં આવ્યા હતા.