બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (10:20 IST)

ચંદ્રયાન-2 : 'વિક્રમ' લૅન્ડરનું લોકેશન તો મળ્યું પણ નુકસાનનો હજી અંદાજો નહીં

ચંદ્રયાન-2ના 'વિક્રમ' લૅન્ડરનું લોકેશન મળી આવ્યું છે. ઈસરોના ચીફ કે. સિવને કહ્યું કે ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડર ક્યાં ઊતર્યું છે તેનું લોકેશન મળી ગયું છે. ઑર્બિટરે તેની તસવીર પણ ખેંચી છે. જોકે, હજી સુધી તેની સાથે સંપર્ક થઈ શક્યો નથી.
કે. સિવને એમ પણ કહ્યું કે ઈસરો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ગમે ત્યારે સંપર્ક સ્થાપિત થઈ શકે છે.
એમણે કહ્યું કે "વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક કરવાની કોશિશ ચાલી રહી છે."
કે. સિવને એવું પણ કહ્યું, "ઈસરોને ચંદ્રની સપાટી પરની તસવીર મળી છે. ચંદ્રનું ચક્કર લગાવી રહેલા ઑર્બિટરે તસવીર મોકલી છે. ઑર્બિટરે વિક્રમ લૅન્ડર થર્મલ ઇમેજ લીધી છે."
 
'ઑર્બિટરથી મળેલી તસવીર પરથી વિક્રમ લૅન્ડરનુ હાર્ડ લૅન્ડિંગ થયું હોય એમ લાગે છે.''
ઈસરો ચીફે એમ પણ કહ્યું કે "ઑર્બિટરમાં લાગેલા કૅમેરાથી લૅન્ડરની અંદર પ્રજ્ઞાન રૉવર હોવાને પૃષ્ટિ મળી છે."
જોકે, હાર્ડ લૅન્ડિંગથી વિક્રમના મૉડ્યુલને નુકસાન થયું છે કે નહીં તેના જવાબમાં સિવને કહ્યું કે હાલ તેની જાણકારી નથી.
ચંદ્ર પર કોઈ પણ સ્પેસક્રાફ્ટનું લૅન્ડિંગ બે રીતે થાય છે, એક સૉફ્ટ લૅન્ડિંગ અને હાર્ડ લૅન્ડિંગ.
જ્યારે સ્પેસક્રાફ્ટની ગતિને ધીમેધીમે ઓછી કરી સપાટી પર ઉતારવામાં આવે, તેને સૉફ્ટ લૅન્ડિંગ કહેવાય છે. જ્યારે સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટી પર ક્રૅશ કરે તેને હાર્ડ લૅન્ડિંગ કહેવાય.
 
 
7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2નો વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક ચંદ્રની સપાટી પર ઊતરવાની થોડી ક્ષણો પહેલાં જ તૂટી ગયો હતો.
ઈસરોના અધ્યક્ષ કે. સિવને મિશન બાદ કહ્યું, "વિક્રમ લૅન્ડર યોજના પ્રમાણે જ ઊતરી રહ્યું હતું અને સપાટીથી 2.1 કિલોમિટર દૂર હતું ત્યાં સુધી બધું સામાન્ય હતું."
"જોકે, બાદમાં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ડેટાની સમીક્ષા કરવામાં આવી રહી છે."
'વિક્રમ' 7 સપ્ટેમ્બરના 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઊતરવાનું હતું.
ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકની ઉપલબ્ધિને જોવા માટે અને તેમનો ઉત્સાહ વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયે પહોંચ્યા હતા.
બધું બરાબર ચાલી રહ્યું હતું અને વૈજ્ઞાનિકો લૅન્ડર વિક્રમને સપાટીની નજીક પહોંચવાની દરેક ક્ષણ પર નજર રાખી રહ્યા હતા.
જોકે, અંતિમક્ષણોમાં ઈસરોના કેન્દ્રમાં તણાવ જેવી સ્થિતિ બની ગઈ અને વૈજ્ઞાનિકોના ચહેરા પર ચિંતાની લકીરો દેખાવા લાગી.
થોડી વાર બાદ ઈસરોના અધ્યક્ષ વડા પ્રધાન પાસે આવ્યા અને તેમને આ મામલે જાણકારી આપી.
જે બાદ ઈસરોના અધ્યક્ષે દેશને જણાવ્યું કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.