મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2019 (18:16 IST)

કૉંગ્રેસનો મૅનિફેસ્ટો ભાજપે ગણાવ્યો ખતરનાક, કહ્યું, 'અહમથી ભરેલો'

મંગળવારે કૉંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો 'જનઆવાઝ ઘોષણાપત્ર' બહાર પાડવામાં આવ્યો, આ કાર્યક્રમમમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અન્ય કૉંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. 
 
તો કૉંગ્રેસના મૅનિફેસ્ટોને ભાજપે ખતરનાક અને અમલ ના કરી શકાય એવું ભાજપે કહ્યું છે. કૉંગ્રેસે જાહેર કરેલા મૅનિફેસ્ટો બાદ ભાજપે પત્રકાર પરિષદ સંબોધી હતી.
 
પત્રકારો સાથેની વાતચીતમાં અરુણ જેટલીએ જણાવ્યું, "કૉંગ્રેસના મૅનિફેસ્ટોની જાહેરાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ જે વાયદા કરે છે તે પાળે પણ છે. પરંતુ તેમણે કરેલા વાયદા લાગુ ના કરી શકાય એવા અને ખતરનાક છે. અમુક આઇડિયા તો ચોક્કસપણે ખતરનાક હતા." 
જમ્મુ કાશ્મીરની સ્થિતિ માટે પણ કૉંગ્રેસને જવાબદાર ઠેરવતા જેટલીએ ઉમેર્યું કે કૉંગ્રેસનાં 70 વર્ષની ભૂલને કારણે જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન સ્થિતિ સર્જાઈ છે.
 
જેટલીએ એવું પણ કહ્યું, "અમે કાયદાનું શાસન લાવવા માગીએ છીએ પરંતુ કૉંગ્રેસ આતંકવાદનું શાસન લાવવા માગે છે. તેમણે પ્રિવૅન્શન ઑફ ટેરરિઝ્મ ઍક્ટ (પોટા)નો કાયદો ખેંચી લીધો હતો."
 
જેટલીએ કૉંગ્રેસના મૅનિફૅસ્ટોને અહમથી ભરેલો પણ ગણાવ્યો છે. આ દરમિયાન કૉંગ્રેસ મૅનિફેસ્ટોની જાહેરાત બાદ વેબ ટ્રાફિકને કારણે વેબસાઇટ જામ થઈ ગઈ હોવાની ઘટના પણ બની હતી. આવો દાવો કૉંગ્રેસ પાર્ટીએ કર્યો છે.
 
 
અગાઉ કૉંગ્રેસે પોતાના ટ્ટિટર હૅન્ડલ પર મૅનિફેસ્ટોની વેબસાઈટ જાહેર કરી હતી જે ખૂલી નહોતી શકતી. ત્યારબાદ કૉંગ્રેસે ટ્ટીટ કર્યુ હતું.
 
પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરને મૅનિફેસ્ટો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
 
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સુરક્ષા અને વિદેશ નીતિ મુદ્દે નરેન્દ્ર મોદી મારી સાથે ચર્ચા કરી દેખાડે. તેઓ મીડિયાથી ડરે છે એટલે મીડિયા સાથે ચર્ચા કરતા નથી.'