ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2024 (14:54 IST)

કૅનેડા, ઑસ્ટ્રેલિયા કરતાં સાઉથ કોરિયામાં અભ્યાસનો ખર્ચ ઓછો થાય છે?

ગુજરાત સહિત મોટી સંખ્યામાં ભારતીયો કૅનેડા, યુકે, ફ્રાન્સ, અમેરિકા (યુએસ) અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભણવા કે નોકરી માટે જાય છે અને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે. કમાણીના હેતુથી પણ લોકો વિદેશમાં જવાનુ વધુ પસંદ કરે છે. જોકે, પશ્ચિમના અનેક દેશોએ તાજેતરમાં પોતાની વિઝા નીતિમાં ફેરફાર કર્યા છે. કૅનેડા, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોએ ઇમિગ્રન્ટ્સ માટે અલગ-અલગ પ્રકારના વિઝા મેળવવાના કાયદા અને નિયમોને વધારે કડક કર્યા છે.
 
આ બાબતને ધ્યાનમાં રાખીને લોકો ખાસ કરીને પશ્ચિમના દેશોમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ હવે અન્ય દેશ તરફ પોતાની નજર ફેરવી રહ્યાં છે. સાઉથ કોરિયા, આયર્લૅન્ડ અને તાઇવાન જેવા દેશો તેમના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
 
સાઉથ કોરિયાના શિક્ષણ મંત્રાલયે 2023માં 300k પ્રોગ્રામની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ દ્વારા સરકાર, સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ અને બિઝનેસ વચ્ચે સમન્વય કરીને 2027 સુધી ત્રણ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવાનો પ્રયાસ કરશે.
 
આ પ્રોજેક્ટ થકી સાઉથ કોરિયાની સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આવતા ભાષાનાં અવરોધોને ઘટાડવા માંગે છે. આ ઉપરાંત તેમની કાયમી રહેવાસી તરીકેની પરમિટ મેળવવાના સમયને પણ છ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષનો કરવામાં આવશે
 
 
 
સાઉથ કોરિયામાં અભ્યાસ માટે શું વિકલ્પો છે?
સાઉથ કોરિયામાં 400 સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ છે. કેટલીક યુનિવર્સિટીઓમાં વિજ્ઞાનના નવાં ક્ષેત્રો માટે સ્ટેટ-ઑફ-ધ-આર્ટ રિસર્ચ સુવિધાઓ છે. સામાન્ય રીતે સરકારી યુનિવર્સિટીની ફી ખાનગી સંસ્થાઓ કરતાં ઓછી છે.
 
યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે 30 ટકા લેક્ચર અંગ્રેજી ભાષામાં લેવામાં આવે છે. સ્નાતક ડિગ્રીનાં કૉર્સમાં વધારે લેક્ચર અંગ્રેજીમાં લેવામાં આવે છે. કેટલીક એવી યુનિવર્સિટીઓ છે જ્યાં 100 ટકા કૉર્સ અંગ્રેજીમાં ભણાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પાસે બીજો વિકલ્પ એ છે કે શૈક્ષણિક સત્ર પહેલાં કોરિયન ભાષાના કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે.
 
આ ઉપરાંત સાઉથ કોરિયાની સરકાર કેટલાક સ્કૉલરશિપ પ્રોગ્રામ પણ ચલાવી રહી છે જેવી કે ગ્લોબલ કોરિયા સ્કૉલરશિપ પ્રોગ્રામ, કોરિયન ગર્વમૅન્ટ સપોર્ટ પ્રોગ્રામ ફોર ફૉરેન ઍક્સ્ચેન્જ સ્ટુડન્ટ, સપોર્ટ પ્રોગ્રામ ફોર સેલ્ફ-ફાઇનાન્સ સ્ટુડન્ટ, જીકેએસ ઇન્વિટેશન પ્રોગ્રામ ફોર સ્ટુડન્ટ્સ ફ્રોમ પાર્ટનર કન્ટ્રી અને જીકેએસ પ્રોગ્રામ ફોર આસીઆન (ASEAN) કન્ટ્રીઝ સાઇન્સ ઍન્ડ એન્જિનિયરિંગ સ્ટૂડન્ટ્સ. આ ઉપરાંત ઘણી યુનિવર્સિટીઓ પણ પોતાના સ્કૉલરશિપ પ્રોગ્રામ ચલાવે છે, જેમાં સારા ગ્રેડ લાવતા વિદ્યાર્થીઓ માટે 30 ટકાથી 100 ટકા ફી માફીની જોગવાઈ છે.
 
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઇમિગ્રેશન વકીલ અને અજમેરા લૉ ગ્રૂપના સ્થાપક પ્રશાંત અજમેરાએ જણવ્યું, “ભારતીય વિદ્યાર્થીઓ માટે દક્ષિણ કોરિયામાં અભ્યાસ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જેઓ ઔદ્યોગિક યુનિવર્સિટીઓ અને મૅનેજમૅન્ટ પ્રોગ્રામ્સમાં રસ ધરાવે છે. ઘણા પશ્ચિમ દેશોની તુલનામાં દક્ષિણ કોરિયામાં શિક્ષણનો ખર્ચ સામાન્ય રીતે ઓછો છે.”
 
તેમણે ઉમેર્યું, “જોકે, એ નોંધવું અગત્યનું છે કે સાઉથ કોરિયામાં નોકરી મેળવવા માટે કોરિયન ભાષા પર પ્રભુત્વની જરૂર પડી શકે છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ બની શકે છે. જ્યારે દક્ષિણ કોરિયાની લગભગ 30% યુનિવર્સિટીઓ અંગ્રેજીમાં પ્રોગ્રામ ઑફર કરે છે. તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ ભાષાના અવરોધોનો સામનો કરી શકે છે.”
 
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઍજ્યુકેશન વર્લ્ડના સીઈઓ અને ઇમિગ્રેશન નિષ્ણાત પ્રસન્ન આચાર્યએ કહ્યું, “દક્ષિણ કોરિયા બિઝનેસ, એન્જિનિયરિંગ અને ટેકનૉલૉજી જેવા ક્ષેત્રોમાં ઉત્તમ શૈક્ષણિક પ્રણાલી ધરાવવા માટે પ્રખ્યાત છે. દક્ષિણ કોરિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક સિદ્ધિઓ ધરાવતી અસંખ્ય યુનિવર્સિટીઓ છે. આ ઉપરાંત સાઉથ કોરિયા ટેકનૉલૉજીના ક્ષેત્રમાં સંશોધન અને ઍડ્વાન્સમૅન્ટ માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ છે ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી, ઈલેક્ટ્રોનિકસ અને ઑટોમેટિવ ક્ષેત્રે. આમ, વિદ્યાર્થીઓ સાઉથ કોરિયામાં અભ્યાસ દરમિયાન આધુનિક સંશોધનો વિશે પણ શીખી શકે છે.”
 
સાઉથ કોરિયામાં અભ્યાસનો ખર્ચ
સાઉથ કોરિયાની સરકાર દ્વારા ચાલતી સ્ટડી ઇન કોરિયા વેબસાઇટ પ્રમાણે સાઉથ કોરિયામાં સ્નાતકની ડિગ્રી માટે એક સેમેસ્ટરની ટયુશન ફી લગભગ 3,750 ડૉલરથી માંડીને 5,250 ડૉલર આસપાસ છે. જ્યારે માસ્ટર્સ કૉર્સ માટે એક સેમેસ્ટરની ફી 4,500 ડૉલરથી માંડીને 6,000 ડૉલર સુધી હોઈ શકે છે. ડૉક્ટરની ડિગ્રી માટે એક સેમેસ્ટરની ફી લગભગ 5,250 ડૉલરથી 6,760 ડૉલરની આસપાસ છે.
 
કોરિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી માટે મહિનાનો ખર્ચ આશરે 560 ડૉલરથી 750 ડૉલર વચ્ચે રહે છે, જેમાં તેમના રહેવાનો, જમવાનો તથા ટ્રાન્સ્પૉર્ટને લગતા ખર્ચા સામેલ છે.
 
પ્રસન્ન આચાર્યએ જણાવ્યું, “પશ્ચિમના ઘણા દેશોની તુલનામાં સાઉથ કોરિયામાં રહેવાનો અને ભણવાનો ખર્ચો મોટેભાગે ઓછો હોય છે. જોકે, અભ્યાસ માટે કોઈપણ દેશનું ચયન કરવા માટે માત્ર યુનિવર્સિટીની ફી અને રહેવાનો ખર્ચો જ જોવો ન જોઈએ.”
 
તેમણે ઉમેર્યું, “દક્ષિણ કોરિયામાં કારકિર્દીની પુષ્કળ તકો છે, ખાસ કરીને ઉત્પાદન અને તકનીકી ક્ષેત્રોમાં. જોકે, આ નોકરીઓ માટે કોરિયન ભાષા પર મજબૂત પકડ હોવી જરૂરી છે. કેટલાક ઉદ્યોગોમાં કોરિયન ભાષા ન બોલનારાઓ માટે નોકરી શોધવી મુશ્કેલ હોઈ શકે છે. કારણ કે જો સાઉથ કોરિયામાં સ્થાનિક ભાષા પર પ્રભુત્વ ન હોય તો તેમને ત્યાં નોકરી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.”
 
 
સાઉથ કોરિયાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે કઈ શરતો પૂરી કરવી પડશે?
સાઉથ કોરિયાની યુનિવર્સિટી તરફથી ઍડમિશન લેટર મેળવ્યા પછી સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જે તે દેશમાં કોરિયન ઍમ્બસી કે કૉન્સ્યુલેટ જઈને વિઝા માટે આવેદન કરી શકે છે. આ ઉપરાંત તેઓ ઓનલાઇન પણ વિઝા માટે આવેદન કરી શકે છે.
 
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ જે સાઉથ કોરિયામાં રેગ્યુલર ડિગ્રી કરવી હોય તો તેમને ડી-2 વિઝા માટે આવેદન કરવું પડશે. અને કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જવું હોય તો ડી-4 વિઝા માટે આવેદન કરવું પડશે.
 
90 કે તેથી ઓછા દિવસ માટે સાઉથ કોરિયાના સિંગલ એન્ટ્રી વિઝા માટેની ‍ઍપ્લિકેશન ફી 40 ડૉલર છે જ્યારે 90 દિવસ કે તેથી વધારે અને મલ્ટીપલ એન્ટ્રી વિઝા માટે 90 વિઝા એપ્લિકેશન ફી 90 ડૉલર છે.
 
પ્રશાંત અજમેરાએ જણાવ્યું કે, “સાઉથ કોરિયામાં સ્ટુડન્ટ વિઝા માટે આવેદન કરવા માટે કૉલેજ અથવા યુનિવર્સિટીના પ્રમુખ દ્વારા જારી કરાયેલ પ્રવેશ પ્રમાણપત્ર જરૂરી છે. આ પ્રમાણપત્રમાં સ્કૉલરશિપ વિશે માહિતી હોવી જરૂરી છે. આ ઉપરાંત છેલ્લી શાળામાંથી મળેલું પાસિંગ સર્ટિફિકેટ અને બૅન્ક સ્ટેટમૅન્ટ જરૂરી છે. જો રિસર્ચ સ્કૉલર તરીકે વિઝા માટે આવેદન આપતા હોઈ તો તેમના રિસર્ચની સાબિતી આપતા દસ્તાવેજો દેખાડવાના રહેશે.”