કોરોના વાઇરસ : શું ભારતીય સેનાએ રાતોરાત 1000 બૅડની હૉસ્પિટલ બનાવી?- ફૅક્ટ ચેક

us airforce
Last Modified મંગળવાર, 31 માર્ચ 2020 (08:26 IST)
કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ભારતમાં 1000થી વધુ થઈ ગઈ છે. ભારતમાં સૌથી મોટી સમસ્યા સ્વાસ્થ્ય વ્યવસ્થામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી માનવામાં આવે છે, કેમ કે દેશમાં માત્ર 70 હજાર આઈસીયુ બૅડ છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક નવો દાવો કરાઈ રહ્યો છે.
ત્રણ તસવીરો સાથે દાવો કરાઈ રહ્યો છે, "બાડમેરમાં આપણી સેનાએ 1000 બૅડથી વધુની અત્યાધુનિક હૉસ્પિટલ તૈયાર કરીને રાજસ્થાન સરકારને માત્ર બે દિવસમાં સમર્પિત કરી છે, તેમજ ત્રણ હૉસ્પિટલ સરકારને સમર્પિત કરી છે, દેશના જવાનોના જોશને સલામ. જ્યારે જ્યારે દેશ સંકટમાં આવ્યો છે ત્યારે મારા જવાનો અને કિસાનોએ દેશને બચાવ્યો છે. જય જવાન, જય કિસાન."
એક ટ્વીટમાં કહેવાયું છે, "એક હજાર પથારીવાળી હૉસ્પિટલ સેનાએ બાડમેર (રાજસ્થાન)માં બનાવી છે. તેને સેટઅપ કરતાં માત્ર થોડા કલાકો લાગશે. અત્યાર સુધી આપણે ચીનની આવી સિદ્ધિઓની ખબર સાંભળતાં હતા અને પોતાની સેનાની સિદ્ધિઓને ભૂલી જતા હતા."

આ પોસ્ટ સાથે ત્રણ તસવીરો શૅર કરવામાં આવી છે. અમે આ ત્રણેય તસવીરોની ચકાસણી કરી અને એ જાણવાની કોશિશ કરી કે શું ભારતીય સેનાએ રાતોરાત બાડમેરમાં હૉસ્પિટલ બનાવી છે?
bbc news
તસવીર-1
અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો તો ખબર પડી કે આ ગાડીઓવાળી મોબાઇલ હૉસ્પિટલ રશિયાએ બનાવી છે અને કિર્ગિસ્તાનના આપાતકાલીન મંત્રાલયને દાનમાં આપી હતી. 11 સપ્ટેમ્બર, 2019માં કિર્ગિસ્તાનની એક ન્યૂઝ એજન્સી kabar.kg એ અહેવાલ છાપ્યો હતો, જેમાં 10 ફિઝિશિયન અને હૉસ્પિટલ વર્કર એકસાથે સારવાર કરી શકે છે.
તસવીર-2
bbc news
અમેરિકા, મોબાઇલ હૉસ્પિટલ

આ તસવીરમાં સેનાએ બનાવેલી હૉસ્પિટલ અંદરથી કેવી લાગે છે એ દાવો કરાયો છે. હકીકતમાં આ તસવીર નવેમ્બર, 2008ની છે.

અમેરિકન ઍરફૉર્સની વેબસાઇટ પર આ તસવીર સાથે લખવામાં આવ્યું છે- "અંદરથી આવી દેખાય છે મોબાઇલ ફિલ્ડ હૉસ્પિટલ. આ હૉસ્પિટલમાં જળવાયુ પરિવર્તન સિસ્ટમ, દરેક પ્રકારનાં મેડિકલ મશીનો છે. બધી જરૂર દવાઓ છે. ગંભીરથી ગંભીર સારવાર થઈ શકે છે. આ પ્રકારની ત્રણ હૉસ્પિટલ બનાવી છે, જેમાં કુલ 600 બેડની ક્ષમતા છે."
કૅલિફોર્નિયાના માર્ચ ઍર રિઝર્વ બેઝમાં આવી જ ત્રણ મોબાઇલ હૉસ્પિચલ બનાવાઈ હતી અને એક હૉસ્પિટલમાં 200 બૅડ હતાં. અમે આ તસવીરનો મેટાડેટા કાઢ્યો તો ખબર પડી કે આ તસવીર 21 માર્ચ, 2006માં નિકૉન D200 કૅમેરાથી ખેંચાઈ હતી.

તસવીર-3
bbc news
આ તસવીરમાં ભારતીય સેનાના કેટલાક જવાનો બેઠા છે. દાવો કરાયો છે કે આ તસવીર બાડમેરમાં બનેલી હૉસ્પિટલની છે. Tineye ઇમેજ એન્જિન સર્ચથી અમે ભારતીય સેનાના એક ટ્વીટ સુધી પહોંચ્યા. વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ દરમિયાન સેનાએ આ મેડિકલ કૅમ્પ કટોકટીની સેવાઓ માટે કાઠમાંડુ ઍરબેઝમાં લગાવ્યો હતો.
એટલે કે ત્રણેય તસવીરો જૂની છે અને તેની સાથે કરાયેલા દાવા સાથે મેળ ખાતી નથી. પરંતુ સવાલ એ પણ છે કે શું ભારતીય સેનાએ કોરોના વાઇરસના સંકટમાંથી નીકળવા માટે કોઈ હૉસ્પિટલ બનાવી છે?

તેનો જવાબ પણ અમને ભારતીય સેનાના ટ્વિટર એકાઉન્ટ પર મળ્યો. 23 માર્ચે જ ભારતીય સેનાના પ્રવક્તાએ ટ્વીટ કરીને જણાવ્યું, "સોશિયલ મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે ભારતીય સેનાએ બાડમેરમાં કોરોના વાઇરસથી પીડિત દર્દીઓ માટે 1000 બેડનું કવૉરેન્ટીન સેન્ટર બનાવ્યું છે. આ દાવો ખોટો છે."
સ્પષ્ટ છે કે ભારતીય સેનાએ 1000 બેડવાળી કોઈ હૉસ્પિટલ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓ માટે બનાવી નથી. તેમજ જે તસવીરો રાજસ્થાનના બાડમેરની બતાવાઈ રહી છે એ ખરેખર તો રશિયા, અમેરિકાની મોબાઇલ હૉસ્પિટલની છે.આ પણ વાંચો :