શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: તુષાર ત્રિવેદી , શનિવાર, 8 ફેબ્રુઆરી 2020 (13:43 IST)

INDvsNZ : ન્યૂઝીલૅન્ડની ટીમ ઑલ-આઉટ, ભારત સામે જીત માટે 274 રનનું લક્ષ્ય

શનિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સિરીઝની બીજી વન-ડે મૅચ રમાઈ રહી છે. ભારત માટે આ મૅચ જીતવી ફરજિયાત થઈ ગઈ છે, કેમ કે તેને સિરીઝ જીવંત રાખવાની છે. અગાઉ ભારતે સળંગ પાંચ ટી-20 મૅચની શ્રેણીમાં કિવી ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો. એ પછી બુધવારે હેમિલ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડે મૅચમાં ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો. યજમાન ટીમે ત્રણ મૅચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે વિરાટ કોહલીની ટીમ સામે બીજી વન-ડેમાં વળતો પ્રહાર કરી સિરીઝ જીવંત રાખવાનો પડકાર છે. પ્રવાસી ભારતીય ટીમ તાજેતરના ગાળામાં પરાજયનો સામનો કર્યો નથી, ત્યારે પહેલી મૅચમાં પરાજય બાદ વિરાટ કોહલીની ટીમ સચેત થઈ ગઈ હશે.
 
ટૉસ અને પીચ
 
પ્રથમ વન-ડેમાં ભારતીય બૅટ્સમૅનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ બૉલરોએ નિરાશ કર્યા હતા. શેડોન પાર્કની પીચ બૅટ્સમૅનો માટે સ્વર્ગ સમાન રહી હતી, જેમાં બંને ટીમના બૉલરોએ ઘણા રન આપ્યા.
ભારતના બૉલરોએ એક્સ્ટ્રા રન પણ આપ્યા અને ન્યૂઝીલૅન્ડે 348 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો, જે વન-ડેમાં તેનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ હતો. બીજી વન-ડેમાં પણ ટૉસ મહત્ત્વનો સાબિત થશે, કેમ કે ઇડન પાર્કનું ગ્રાઉન્ડ નાનું છે, જેમાં બીજી બેટિંગ કરનારી ટીમને ફાયદો થશે. પહેલી અને બીજી ટી-20 મૅચ આ જ મેદાન પર રમાઈ હતી અને બંનેમાં ન્યૂઝીલૅન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. જોકે, બંને વખતે ભારતે ટાર્ગેટ ચેઝ કરીને વિજય નોંધાવ્યો હતો અને તેથી વન-ડેમાં પણ આવું બની શકે છે.
 
 
પહેલી મૅચ પછી પણ સિરીઝ જીતી શકે ભારત
 
વિરાટ કોહલીની ટીમ માટે પ્રથમ મૅચ ગુમાવ્યા બાદ શ્રેણી જીતવી વધારે મોટી વાત નથી. વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી છેલ્લી બે સિરીઝમાં ભારતે પ્રથમ મૅચ ગુમાવી હતી અને અંતિમ બે મૅચ જીતીને શ્રેણી જીતી લીધી હતી. તેથી ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડ સામે પણ તેનું પુનરાવર્તન કરી શકે છે. જેવી રીતે ચેન્નાઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામે કે પછી મુંબઈમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતને જે કારણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો તે જ કારણથી તેને હેમિલ્ટનમાં પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ ત્રણેય મૅચ હારવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતીય બૉલરો મિડલ-ઑર્ડરમાં વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા. જેનો ફાયદો ઉઠાવી હરીફ ટીમોએ મોટા શૉટ્સ ફટકાર્યા હતા અને ભારતીય બૉલરો પાસે તેનો કોઈ જવાબ ન હતો. અગાઉ પણ ભારતને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
 
બુમરાહ ભારતના આધારભૂત બૉલર છે અને પ્રથમ વન-ડેમાં કૅપ્ટન કોહલી જ્યારે વિકેટ ઇચ્છતા હતા, ત્યારે બુમરાહને જ બૉલિંગ આપતા હતા. તેથી ભારતે કોઈ એક ખેલાડી પર વધારે પડતો મદાર રાખવાના બદલે અન્ય વિકલ્પ વિચારવા પડશે અને અન્ય બૉલરોએ પણ જવાબદારી લેવી પડશે. આ ઉપરાંત ભારતની ફિલ્ડિંગ પણ ઘણી જ નિરાશાજનક રહી હતી. વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા સામેના પરાજય માટે પણ ખરાબ ફિલ્ડિંગ જવાબદાર રહી હતી. તેથી ભારતે બૉલિંગની સાથે-સાથે ફિલ્ડિંગમાં પણ ઝડપથી સુધારો કરવો પડશે. બાંગ્લાદેશ સામે રમાયેલી શ્રેણી બાદ ભારતીય ફિલ્ડિંગ થોડી નબળી થતી ગઈ છે, તેથી ટીમ મૅનેજમૅન્ટે આ પ્રત્યે વધારે ધ્યાન આપવું પડશે.
 
 
ટીમમાં ફેરફાર
 
ઇડન પાર્કમાં શાર્દૂલ ઠાકુર પ્રથમ ટી-20માં ઘણા મોંઘા સાબિત થયા હતા, જ્યારે પ્રથમ વન-ડેમાં પણ તેમનો દેખાવ પ્રભાવશાળી ન હતો. આ જોતા ટીમ મૅનેજમૅન્ટે નવદીપ સૈનીને વિકલ્પ તરીકે મેદાનમાં ઉતાર્યા છે. બીજી મૅચ માટે કેદાર જાધવને પડતા મૂકવામાં આવ્યા છે, આ પહેલાં કોહલીએ હેમિલ્ટનમાં પણ તેમને એકેય ઓવર આપી ન હતી. આનું કારણ કદાચ શૉર્ટ બાઉન્ડરી હોઈ શકે, પરંતુ ઑકલૅન્ડમાં તો બાઉન્ડરી વધારે શૉર્ટ છે. 
 
એવી અટકળ હતી કે શિવમ દૂબેને તક મળી શકે છે અથવા તો ફૂલટાઇમ બૅટ્સમૅન મનીષ પાંડેને પણ સામેલ કરાઈ શકે છે. શનિવારની મૅચમાં દૂબેને સામેલ કરવામાં નથી આવ્યા, પરંતુ પાંડેને તક મળી છે.
આ સિવાય ભારતે બેટિંગમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કર્યો નથી. અગાઉની મૅચમાં પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલે ઓપનિંગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. 
અનુભવી ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની ગેરહાજરીમાં આ બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી.
 
 
બીજી તરફ ન્યૂઝીલૅન્ડની વાત કરીએ તો કાર્યકારી સુકાની ટોમ લાથમે મિડલ ઑર્ડરમાં બેટિંગ કરી હતી અને તેમનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. હેનરી નિકોલ્સ માર્ટિન ગુપ્ટિલ સાથે ઓપનિંગ કરશે. જોકે, ભારતની ચિંતાનો વિષય રોસ ટેલરે ફૉર્મ મેળવી લીધું છે તે રહેશે. શનિવારે પણ તેમની પાસેથી પ્રથમ વન ડે જેવી બેટિંગની આશા રાખવામાં આવી રહી છે. ટેલરની આક્રમક સદીના કારણે જ ન્યૂઝીલૅન્ડે પ્રથમ વન-ડે જીતવામાં સફળતા મેળવી હતી.