રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સ્ટેફ્ની હેગાર્ટી|
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (10:24 IST)

વુહાન પોલીસની ધમકી છતાં કોરોના વાઇરસ અંગે ચેતવનાર ડૉ. વેનલિયાન્ગનું મૃત્યુ

ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ અંગે સૌપ્રથમ વખત ચેતવણી આપનાર તબીબ લી વેનલિયાન્ગનું મૃત્યુ થયું છે. અગાઉ તેમના આરોગ્ય અંગે વિરોધાભાસી અહેવાલ વહેતા થયા હતા. આ પહેલાં ચીનના સરકારી મીડિયા તથા વિશ્વ આરોગ્ય સંગઠને તેમના મૃત્યુની વાત કહી હતી. બાદમાં વુહાન સેન્ટ્રલ હૉસ્પિટલે સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે લી વેનલિયાંન્ગની તબિયત નાજૂક છે તથા તેમના બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે. હવે, એ બાબતની આશંકા સેવાઈ રહી છે કે લી વેનલિયાન્ગની તબિયત અંગેની માહિતીનો પ્રસાર થતો અટકાવવા માંગતા અધિકારીઓના નિર્દેશ ઉપર ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી.
 
સૌ પહેલાં ચેતવણી
 
જાન્યુઆરી મહિનામાં ચીનના વુહાન શહેરમાં એક નવા વાઇરસના (કોરોના વાઇરસ) સમાચારને સંતાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા. ચીની માધ્યમોમાં પ્રસારિત અહેવાલ મુજબ લી વેનલિયાન્ગ પોતાના સાથી ડૉક્ટરોને આ નવા વાઇરસ અંગે સતર્ક કરવા પ્રયત્ના કરી રહ્યા હતા. પરંતુ આ કરવા બદલ પોલીસ તેમની પાસે આવીને તેમને કહ્યું, 'તે પોતાનું મોં બંધ રાખે'
 
આ ઘટનાના એક અઠવાડિયા પછી જ્યારે ડૉક્ટર લી વેનલિયાન્ગે હૉસ્પિટલમાંથી પોતાની કહાણીનો એક વીડિયો પોસ્ટ કર્યો ત્યારે લોકો તેમને હીરોની જેમ જોવા લાગ્યા. વીડિયો પરથી ખ્યાલ આવે છે કે જ્યારે આ વાઇરસ વિશે શરૂઆતની જાણકારી મળી, ત્યારે સ્થાનિક વહીવટીતંત્રે આ મામલે અસામાન્ય પ્રતિક્રિયા આપી હતી.
 
ચેતવણી આપી હતી...
 
વીડિયોમાં ડૉક્ટર લી કહે છે, "હું વુહાન સેન્ટ્રલ હૉસ્પિટલમાં આંખના ડૉક્ટર તરીકે કામ કરું છું."
 
ડૉક્ટર લી વેનલિયાન્ગે સાત એવા કેસ જોયા હતા, જેમાં સાર્સ (સિવિયર ઍક્યૂટ રૅસ્પિરેટરી સિન્ડ્રૉમ, SARS) જેવાં કોઈ વાઇરસના લક્ષણ જોવા મળ્યા હતા. વર્ષ 2003માં સાર્સ વાઇરસના કારણે વૈશ્વિક ભય ઉભો થયો હતો.
 
માનવામાં આવી રહ્યું છે કે આ વાઇરસ વુહાનના હુનાન સીફૂડ માર્કેટમાંથી ફેલાવવાનો શરૂ થયો અને તેનો ભોગ બનેલાં લોકોને સૌથી પહેલાં આ જ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.
 
ગત વર્ષે 30 ડિસેમ્બરે એક ચેટ ગ્રૂપમાં તેમણે સાથી ડૉક્ટરોને સંદેશ આપ્યો અને આ વાઇરસના સંભવિત જોખમ વિશે કહ્યું અને તેમને ચેતવણી આપી કે 'આનાથી બચવા માટે ખાસ પ્રકારનાં કપડાં પહેરો.'
 
એ સમયે ડૉક્ટર લીને પણ ન હોતો ખ્યાલ કે આ બીજા પ્રકારનો કોરોના વાઇરસ છે, જેના વિશે હાલ સુધી કોઈ જાણકારી નથી.
 
'અફવા ફેલાવવા'નો આરોપ
 
ડૉક્ટર લીએ તેના વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર પણ પોસ્ટ કર્યું હતું.
આ ગ્રૂપ ચેટ વિશે ચાર દિવસ પછી ચીનના 'પબ્લિક સિક્યૉરિટી બ્યૂરો'ના અધિકારી તેમની પાસે આવ્યા અને તેમણે એક પત્ર પર સહી કરવા માટે કહ્યું.
 
આ પત્રમાં લખ્યું હતું કે 'તેમની પર ખોટી માહિતી આપવાનો આરોપ છે, જેના કારણે સમાજમાં ડર ફેલાયો.'
 
સાથે જ એ પણ લખ્યું હતું, "અમે તમને ચેતવણી આપીએ છીએ કે જો તમે તમારા ખોટા નિવેદન પર ટકી રહેશો અને ગેરકાયદેસર કામ કરવાનું ચાલુ રાખશો, તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. શું તમે આ વાત સમજો છો?"
 
આ પત્ર અંગે ડૉક્ટરે પણ લખ્યું હતું, "હા, હું આ તમામ વાત સમજું છું."
 
ડૉક્ટર લીએ એ આઠ લોકોમાંથી એક છે, જેમની સામે પોલીસ 'અફવા ફેલાવવાના' આરોપ હેઠળ તપાસ કરી રહી છે.
 
 
ડૉક્ટરોની સુરક્ષા
 
એ પત્ર જેની પર પોલીસે ડૉ. લીની સહી લીધી હતી
જાન્યુઆરી 2020ના છેલ્લા અઠવાડિયામાં ડૉક્ટર લીએ આ પત્રની તસવીર ચીનના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર પોસ્ટ કરી હતી અને તેના વિશે વિસ્તારથી લખ્યું જેના પછી સ્થાનિક અધિકારીઓએ માફી માગી.
 
જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધી વુહાનમાં અધિકારીઓનું કહેવું હતું કે જે લોકો એવા કોઈ પ્રાણીના સંપર્કમાં આવ્યા છે, જેમના શરીરમાં કોરોના વાઇરસ રહેતો હોય છે, માત્ર તે જ તેના સંક્રમણનો ભોગ બને છે.
 
દર્દીઓનો ઇલાજ કરી રહેલાં ડૉક્ટરોની સુરક્ષા માટે કોઈ પ્રકારની ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી .
 
પરંતુ અઠવાડિયા પછી પોલીસે ફરી ડૉક્ટર લીનો સંપર્ક કર્યો.
 
આ વખતે તે ગ્લૂકોમા માટે એક મહિલાનો ઇલાજ કરી રહ્યા હતા. તેમને આની જાણકારી ન હતી કે તેઓ પોતે પણ કોરોના વાઇરસનો ભોગ બન્યા છે.
 
કોરોના વાઇરસ
 
વીબો પર લખેલી પોતાની પોસ્ટમાં ડૉક્ટર લીએ વિસ્તારથી કહ્યુ કે 10 જાન્યુઆરીએ તેમને ખાંસી થઈ અને ત્યારબાદ તેમને તાવ આવ્યો.
 
બે દિવસમાં તો તેમની તબિયત એટલી લથડી ગઈ કે તેમને હૉસ્પિટલમાં ભરતી થવું પડ્યું. તેમના માતા-પિતા પણ બીમાર પડી ગયા અને તેમને હૉસ્પિટલમાં ભરતી થવું પડ્યું.
 
20 જાન્યુઆરીએ, એટલે 10 દિવસ પછી ચીનમાં કોરોના વાઇરસના કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ.
 
ડૉક્ટર લીનું કહેવું હતું કે અનેક વખત કોરોના વાઇરસ માટે તપાસ થઈ, પરંતુ દર વખતે નૅગેટિવ જ આવ્યો.
 
 
ખતરનાક બીમારીના લક્ષણ
 
ડૉક્ટર લી વેનલિયાન્ગ પર અફવા ફેલાવવાનો આરોપ લાગ્યો
30 જાન્યુઆરીએ એક વખત ફરીથી તેમણે વીબો પર પોસ્ટ કરી, "આજે ન્યૂક્લિઆઈ ટેસ્ટનું પરિણામ આવ્યું છે અને તે પૉઝિટીવ છે. હવે આની પર સંદેહ પૂર્ણ થયો, હવે તપાસ પૂર્ણ થઈ ગઈ છે."
 
આ પોસ્ટ પર તેમને અનેક લોકોનું સમર્થન મળ્યું છે, જ્યારે કેટલાંય લોકોએ તેમને સાંત્વના પણ આપી છે.
 
એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, "ડૉક્ટર લી વેનલિયાન્ગ એક હીરો છે."
 
ડૉક્ટર લીની સાથે જે કાંઈ થયુ તેના વિશે જાણ્યા પછી કેટલાંક લોકોએ લખ્યું છે "ભવિષ્યમાં ડૉક્ટરોને કદાચ કોઈ ખતરનાક બીમારીના લક્ષણ મળે તો પણ તે આ અંગે કહેવાથી ડરશે."
 
તેમણે લખ્યું, "એક સ્વસ્થ વાતાવરણ તૈયાર થઈ શકે એના માટે આપણે લાખો લી વેનલિયાન્ગની જરૂરિયાત પડશે."