સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2019 (11:14 IST)

હિમાચલ પ્રદેશમાં બસ ખીણમાં ખાબકી, 43નાં મૃત્યુ

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારે એક ખાનગી બસ ખીણમાં ખાબકતાં 43 લોકોનાં મૃત્યુ નીપજ્યાં અને લગભગ 35 લોકોને ઈજા પહોંચી.

સિમલાના સ્થાનિક પત્રકાર અશ્વિની શર્માએ બીબીસીને જણાવ્યું કે બસ 50 લોકોને બંજારથી ગઢ ગુશૈણી લઈ જઈ રહી હતી. બસમાં મુસાફરી કરનારા મોટાભાગના સ્થાનિકો હતા.

અકસ્માતને નજરે જોનારા કેટલાક લોકોએ જણાવ્યું કે ડ્રાઇવરે અત્યંક સાંકડા અને જોખમી વળાંક પર નિયંત્રણ ગુમાવી દીધું હતું. બસ પહેલાં પાછળ નમી અને બાદમાં ઊંડી ખીણમાં ખાબકી.

અકસ્માત પછી તરત કેટલાય સ્થાનિકો મુસાફરોને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સમાચાર સંસ્થા એએનઆઈના મતે બંજારના એસડીએમ એમ. આર. ભારદ્વાજના જણાવ્યા અનુસાર હાલમાં બચાવ અને રાહતકાર્ય ચાલુ છે.

કુલ્લુનાં એસપી શાલિની અગ્નિહોત્રીના મતે પીડિતોની સંખ્યા વધી શકે એમ છે.

તમામ ઘાયલોને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે અને ગંભીર ઈજાગ્રસ્તોને કુલ્લુ ખસેડવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.