શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (10:51 IST)

રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં વિવાદ કેમ છે?

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું ત્યારથી જ ભાજપ અને કૉંગ્રેસ આમનેસામને છે. અમિત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટાઈને લોકસભામાં ગયા, બીજી તરફ સ્મૃતિ ઈરાની કૉંગ્રેસનો ગઢ મનાતી અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવીને લોકસભામાં પહોંચ્યાં. બન્નેએ રાજ્યસભામાં રાજીનામાં આપ્યાં એ સાથે ખાલી બેઠકો પર યોજાનાર પેટાચૂંટણીનું ગણિત ગોઠવવામાં બન્ને પક્ષો લાગી ગયા છે.
 
રાજ્યસભાની બે બેઠકો માટે બે અલગ દિવસે ચૂંટણી યોજવા સંદર્ભે કૉંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમે કૉંગ્રેસની અરજીને માન્ય રાખી હતી અને આ અંગે હવે બુધવારે સુનાવણી થશે. રાજ્યસભાની ચૂંટણી અંગે બન્ને રાજકીય પક્ષો વચ્ચે શું વિવાદ છે?
 
રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું અને વિવાદ
 
ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીના જાહેરનામામાં 2009ની રાજ્યસભાની ચૂંટણી વખતે દિલ્હી હાઈકોર્ટમાં ચાલેલા સત્યપાલ માલિકના કેસનો આધાર લીધો છે. જાહેરનામામાં લખ્યું કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી એક જ દિવસે થશે અને બે અલગ-અલગ બૅલટપેપરથી ચૂંટણી થશે. ચૂંટણીપંચના જાહેરનામા પછી ચોંકી ગયેલી કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં આ જાહેરનામું ગેરકાયદે અને લોકશાહીવિરોધી હોવાની અરજી કરી છે.
 
કૉંગ્રેસની આ અરજી પછી ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "કૉંગ્રેસ ભાજપ પર સવાલો ઊભા કરવાનો પ્રયાસ કરી રહી છે."
 
"ભૂતકાળમાં કૉંગ્રેસના શાસન દરમિયાન 2009માં ચૂંટણીપંચે આ પ્રકારે રાજ્યસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું અને એમાંથી ચૂંટાયેલા એક રાજ્યસભાના સભ્યને પ્રધાન પણ બનાવ્યા હતા."
 
"2009માં ચૂંટણીપંચના આ નિયમને પડકારવામાં આવ્યો હતો, જેને કોર્ટે માન્ય રાખ્યો હતો એટલે ચૂંટણીપંચ કોઈ સત્તાધારી પક્ષની શેહશરમમાં આવીને કામ નથી કરી રહ્યું."
 
કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "એ વાત સાચી છે કે 2009માં ચૂંટણીપંચે આવું જાહેરનામું બહાર પાડ્યું હતું પણ ભાજપ એનું ઊંધું અર્થઘટન કરી રહી છે."
 
"એ વખતે હેમંત સોરેન અને ધીરજપ્રસાદ સાહુ ચૂંટાયા હતા પણ એ બંને બેઠકો એવી હતી કે એનો પૂર્ણ થવાનો સમય અલગ-અલગ હતો."
મોઢવાડિયાએ કહ્યું, "જ્યારે આ બંને બેઠકો, જેમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભામાંથી ચૂંટાઈ આવ્યાં છે, તે એક જ દિવસ હતો અને બંનેની ટર્મ એક જ દિવસે પૂરી થાય છે."
 
"ચૂંટણીપંચનું આ જાહેરનામું ગેરકાયદેસર અને લોકશાહીવિરોધી છે માટે જ અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ અને ભાજપનો આ લોકશાહીને દબાવવાનો પ્રયાસ સફળ નહીં થવા દઈએ"
 
'રાજકીય પક્ષો લોકશાહીનું હનન કરી રહ્યા છે'
 
રાજકીય નિષ્ણાત ડૉક્ટર યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે 2009માં ચૂંટણીપંચે આવું જ જાહેરનામું બહાર પાડ્યું હતું. 
 
તેઓ કહે છે, "એ જાહેરનામાને ભાજપે કોર્ટમાં પડકાર્યું હતું પણ કોર્ટે બંનેની અવધિ અલગ હોવાથી જાહેરનામાને માન્ય રાખ્યું હતું."
 
"જેના આધારે ચૂંટણીપંચે આ નવું જાહેરનામું બહાર પાડ્યું છે અને બંને સંસદસભ્યો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ અલગ-અલગ દિવસે રાજીનામું આપ્યું છે, એટલે કોર્ટ એનું કેવી રીતે અર્થઘટન કરે છે એ અગત્યનું છે."
 
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "2009 હોય કે 2019, રાજકીય પક્ષો લોકશાહીનું હનન કરી રહ્યા છે."
 
"બંધારણ અને કાયદાની જોગવાઈનું મનઘડંત રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે જેના કારણે લોકશાહીનું ખૂન તો થઈ જ રહ્યું છે, પરંતુ ખોટા નિયમો બનાવી રહ્યા છે એ ખરેખર દુઃખદ છે."
 
"વાસ્તવમાં આ પ્રકારે કાયદાઓનું અર્થઘટન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં સત્તા હાંસલ કરવા માટે રાજકીય પક્ષ કોઈ પણ પ્રયાસ કરશે, જે લોકો માટે નુકસાનકારક જ સાબિત થશે."
 
કૉંગ્રેસ ભયમાં છે?
 
કૉંગ્રેસે ફતવો બહાર પડ્યો કે કૉંગ્રેસના કોઈ નેતાએ રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાના સંપર્કમાં ન રહેવું અને કોઈ પણ પ્રધાનો પાસે પ્રશ્નો લઈ જવા નહીં. કારણકે કૉંગ્રેસને ડર હશે કે ભાજપ 2016ની જેમ કૉંગ્રેસના નેતાઓને તોડીને રાજ્યસભાની ખાલી થનારી બંને બેઠક જીતી જાય.
 
યજ્ઞેશ દવે કહે છે, "જો સુપ્રીમ કોર્ટ ચૂંટણીપંચનું જાહેરનામું માન્ય રાખે તો ભાજપને બંને બેઠક જીતવા માટે કોઈ તકલીફ નહીં પડે પણ જો માન્ય ન રાખે તો ભાજપને જીતવા માટે અપક્ષ, એનસીપીના એક અને બીટીપીના બે ધારાસભ્યો ઉપરાંત કૉંગ્રેસના 12 ધારાસભ્યો પાસે ક્રૉસ વોટિંગ કરાવવું પડે."
 
"એ જ કારણથી ભાજપે અત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને એના સાથીઓ ઉપરાંત કેટલાક આદિવાસી ધારાસભ્યોને સંપર્કમાં રાખ્યા છે.
 
"કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પૂર્વ પાસ નેતા આશાબહેનને કૉંગ્રેસના ધારાસભ્યો સાથે સંપર્કમાં રાખ્યાં છે."
 
કૉંગ્રેસ ખુશ હતી કારણ કે જો રાજ્યસભાની ચૂંટણી આવે તો ભાજપને એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ હતી. ભાજપના ચાર ધારાસભ્યો સંસદમાં ગયા એટલે રાજ્યસભામાં વોટ કરી શકે એમ નહોતા તો પબુભા માણેક અને ભગા બારડની બીજી બે બેઠકો ખાલી પડી હતી એટલે વિધાનસભાની સંખ્યા 182ને બદલે 176 થાય.
 
રાજ્યસભામાં ભાજપને જીતવા માટે 59 ફર્સ્ટ પ્રેફરન્સના વોટ જોઈએ એટલે કે બંને બેઠક માટે 118 વોટ જોઈએ એટલે કૉંગ્રેસ પાસે પોતાના 71 સભ્યો હોય અને ચૂંટણી લડે તો એક બેઠક પર જીતી શકે એમ હતી.
 
જ્યારે ક્રૉસ વોટિંગ કરી શંકરસિંહ રાજ્યસભામાં પહોંચ્યા
 
જ્યારે ગુજરાતમાં સોલંકીનો સુવર્ણકાળ હતો ત્યારે એટલે કે 80ના દાયકામાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ શંકરસિંહ વાઘેલા રાજ્યસભામાં પહોંચી ગયા હતા, જે ઘટના લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી.
 
બીબીસી સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું, "એ સમયે ભાજપ, વિપક્ષ અને અપક્ષ તરફે કુલ 30 વોટ હતા અને રાજ્યસભામાં જીતવા માટે 35 વોટની જરૂર હતી, એ સમયે ચીમનભાઈ પટેલ અને દલસુખ ગોધાણીની મદદથી કૉંગ્રેસનું ક્રૉસ વોટિંગ કરાવી હું જીત્યો હતો."
 
"ત્યારબાદ 90ના દસકામાં કૉંગ્રેસ અને ચીમનભાઈની સરકાર હતી ત્યારે ક્રૉસ વોટિંગ કરાવી મનુ કોટડીયા સામે અમે કનકસિંહ માંગરોળને જીતાડ્યા હતા"
 
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ કરી સત્તાપક્ષને શંકરસિંહે બે વાર માત આપી છે.
 
2016માં જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે કૉંગ્રેસમાંથી રાજીનામાં પડ્યાં અને લાગતું હતું કે ભાજપ જીતશે પણ બે વોટ રદ થયા અને અહમદ પટેલની બેઠક બચી ગઈ.
 
જોકે, આ વખતે ભાજપની વ્યૂહરચના કરતાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો વધારે નિર્ણાયક રહેશે.
 
શાહની શતરંજ અને શિકસ્ત
 
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણી રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ રહી. કૉંગ્રેસના બે ધારાસભ્યના મત જે તેમણે ભાજપના ઉમેદવારને આપ્યા હતા તે રદ કરી દેવામાં આવ્યા. નિષ્ણાતોનું કહેવું છે કે રદ થયેલા બન્ને વોટ ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મળ્યા હોત તો પણ તેઓ જીતી શક્યા ન હોત.
આ કોષ્ટક જોઈએ તો ખ્યાલ આવે છે કે જો બે વોટ રદ ન થયા હોત તો બલવંતસિંહને 40 વોટ મળ્યા હોત, ફર્સ્ટ પ્રેફરન્સ વોટના આધારે તેઓ જીતી ન શક્યા હોત.