મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અર્જુન પરમાર , શનિવાર, 11 જાન્યુઆરી 2020 (12:21 IST)

લાલબહાદુર શાસ્ત્રીના નિર્ધારના કારણે ગુજરાતની 'શ્વેતક્રાંતિ' ભારતની 'શ્વેતક્રાંતિ' બની

11 જાન્યુઆરી, 1966ના રોજ ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું 62 વર્ષની વયે  ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે મૃત્યુ થયું.
 
તેમના મૃત્યુનાં 54 વર્ષ બાદ પણ ભારતીયોના મનમાં તેમની છબિ એક દેશભક્ત અને મજબૂત નેતા તરીકે અંકિત છે. દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ દેશના આયોજનબદ્ધ વિકાસને આગળ વધારવાના કામ સાથે પાડોશી દેશ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવને સંતુલિત કરવાનું કામ શાસ્ત્રીજીના માથે આવી પડ્યું હતું. મોટા ભાગના લોકો શાસ્ત્રીજીને રાજકારણમાં દેશભક્તિની ભાવનાને વેગ આપવાનું, તેમના 'જય જવાન, જય કિસાન'ના નારા થકી ખેડૂતો અને સેનાના જવાનોનું મહત્ત્વ દેશને સમજાવવાનું અને 1965ના વર્ષમાં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતને ભવ્ય વિજય અપાવવાનું શ્રેય આપે છે.
 
આ ઉપરાંત ભારતની 'શ્વેતક્રાંતિ'માં પણ તેમણે અમૂલ્ય ફાળો આપ્યો છે. દેશમાં 'શ્વેતક્રાંતિ'ના પ્રણેતા મનાતા ડૉ. વર્ગીસ કુરિયને તેમની આત્મકથા 'આઈ ટુ હૅડ અ ડ્રીમ'માં ગુજરાતની 'શ્વેતકાંતિ'ને ભારત ભરની 'શ્વેતક્રાંતિ' બનાવવાની શાસ્ત્રીજીની દૂરદૃષ્ટિ અને અડગ નિર્ધાર વિશે વાત કરી છે.
 
 
શાસ્ત્રીજીની અજબ દરખાસ્ત
 
વર્ગીસ કુરિયને પોતાની આત્મકથામાં લાલ બહાદુર શાસ્ત્રીની આણંદ મુલાકાત વિશે લખ્યું છે. તેમણે લખ્યું છે કે, "ખેડા દૂધઉત્પાદક સંઘ દ્વારા 1964માં આણંદથી આશરે 8 કિલોમિટર દૂર આવેલા કંજરી ખાતે પશુદાણનું નવું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું."  "દેશનો આ પ્રકારનો પહેલવહેલો પ્લાન્ટ હોવાના કારણે અમે વિચાર્યું કે અમારે આ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે દેશના વડા પ્રધાનને બોલાવવા જોઈએ."
 
"અમે આમંત્રણ મોકલ્યું અને વડા પ્રધાને તરત તે સ્વીકારી પણ લીધું."
 
"સરદારના જન્મ દિવસ નિમિત્તે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે વડા પ્રધાન પધારશે, એ વાત નક્કી થઈ ગઈ. તેઓ મારા (ડૉ. વર્ગીંસ કુરિયન) ઘરે રોકાશે તેવું ધારી લેવામાં આવ્યું હતું."
 
"શાસ્ત્રીજીએ ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી બળવંતરાય મહેતાને કહેવડાવ્યું કે તેઓ નિર્ધારિત દિવસ કરતાં એક દિવસ વહેલા ગુજરાત આવવા માગે છે."
 
"તેમજ આ દરમિયાન તેમણે ખેડા જિલ્લામાં એક નાના ખેડૂતને ત્યાં રાત ગાળવાનો આગ્રહ કર્યો હતો."
 
"તેમની આ માંગણીને કારણે અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા."
 
 
કુરિયનનો જવાબ
 
વડા પ્રધાનની ઇચ્છા વિશે જાણ્યા બાદ ડૉ. વર્ગીસ કુરિયને મુખ્ય મંત્રી બળવંતરાય મહેતાને એક દરખાસ્ત મોકલી. કુરિયને પોતાની આત્મકથામાં લખ્યું છે કે, "જો વડા પ્રધાન સાચે જ કોઈ ગામમાં રોકાવા માગતા હોય તો તેમણે પોતાના તમામ સુરક્ષા બંદોબસ્ત વગર આ અનુભવ લેવો જોઈએ."
 
"ખેડા જેવા જિલ્લામાં દરેક ગામની સરેરાશ વસતિ આશરે 300 લોકોની હશે."
 
"જો વડા પ્રધાન કોઈ ગામમાં જશે તો તેમના સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે એ ગામમાં તેમની મુલાકાત પહેલાંથી જ 300 કરતાં વધારે પોલીસ કર્મચારીઓ ગોઠવાઈ જશે."
 
"આવી પરિસ્થિતિમાં તો આ ગામ એક પોલીસ કૅમ્પમાં ફેરવાઈ જશે."
 
"આખરે એક પોલીસ કૅમ્પ જેવા ગામની મુલાકાત લઈને તેમને શું હાંસલ થશે?"
 
"જો વડા પ્રધાન ખરેખર સામાન્ય અને પ્રાકૃતિક અનુભવ લેવા માગતા હોય તો મુખ્ય મંત્રીએ વડા પ્રધાનની સુરક્ષાની જવાબદારી મારા પર છોડી દેવી જોઈએ."
 
"જોકે, મારો આ પ્રસ્તાવ ગુજરાતના તત્કાલિન ગૃહસચિવ એફ. જે. હેરેડિયાના ગળે ન ઊતર્યો."
 
"પરંતુ અમે બંને મિત્રો હોવાના કારણે તેમણે વડા પ્રધાનની મુલાકાતની વ્યવસ્થા એ પ્રમાણે કરી જેથી તેમનો પણ ઉદ્દેશ સિદ્ધ થઈ જાય અને મારો હેતુ પણ પરિપૂર્ણ થઈ શકે."
 
"મુખ્ય મંત્રીએ પણ વડા પ્રધાનની મુલાકાતની તમામ જવાબદારી મારા અને હેરેડિયાના ખભે નાખી દીધી."
 
 
આણંદના અજરપુરા ગામની પસંદગીવડા પ્રધાનની સુરક્ષા વ્યવસ્થા હળવી બનાવવા માટે તેમની મુલાકાતનો સમય અને સ્થળનું નામ જાહેર ન થાય એ જોવું જરૂરી હતું. આ હેતુ માટે વર્ગીસ કુરિયન અને હેરેડિયા બંને મળ્યા. આ મુલાકાત વિશે કુરિયન લખે છે કે, "અમે સાથે મળીને વડા પ્રધાનની મુલાકાત માટે આણંદથી થોડે દૂર આવેલા અજરપુરા ગામ પર પસંદગી ઉતારી."
 
"અજરપુરા ખાતે જિલ્લાની સૌથી જૂની દૂધઉત્પાદક સહકારી મંડળીઓ પૈકી એક આવેલી હતી."
 
કુરિયન પોતાની આત્મકથામાં આ મુલાકાત અંગે વાત કરતાં આગળ લખે છે કે "મેં વડા પ્રધાનની મુલાકાત માટે યજમાન તરીકે રમણભાઈ પુંજાભાઈ પટેલ નામના એક ખેડૂતની પસંદગી પણ કરી લીધી હતી."
 
"વડા પ્રધાનની મુલાકાતની જાહેરાત ન થાય એ હેતુથી અમે રમણભાઈને કહ્યું કે બે વિદેશી ગામની મુલાકાતે આવવાના છે અને તેમના રાતવાસા માટેની વ્યવસ્થા કરવા રમણભાઈને વિનંતી કરી."
 
"અગાઉની યોજના પ્રમાણે મારા ઘરે વડા પ્રધાનને આમંત્રવા માટેની તમામ તૈયારી થઈ ચૂકી હતી."
 
"ત્યારે મેં સ્થળ પર હાજર કલેક્ટરને ગૃહ સચિવનો પત્ર હાથમાં આપ્યો, જેમાં આગળના કાર્યક્રમ અંગે મારા તમામ હુકમો અનુસરવાની સૂચના હતી."
 
"મારા ઘરેથી હું અને કલેક્ટર રમણભાઈના ઘરે પહોંચ્યા. ત્યાં જઈને તેમને તેમના ખરા મહેમાનોની ઓળખાણ આપી."
 
"પહેલાં તો ભારતના વડા પ્રધાન અને ગુજરાતના મુખ્ય મંત્રી એમના ઘરે આવવાના છે એ વાત પર તેમને વિશ્વાસ જ ન બેઠો."
 
"પછી મેં રમણભાઈને તેમના અન્ય સામાન્ય મહેમાનોની જેમ જ આ ખાસ મહેમાનો સાથે વર્તવાનું કહ્યું."
 
શાસ્ત્રીજીની સાદગી
 
ત્યાર બાદ કુરિયન પોતાની આત્મકથામાં લખે છે કે, વડા પ્રધાનની કાર સિવાય સમગ્ર કાફલો આણંદ જવા માટે નીકળ્યો, જ્યારે વડા પ્રધાનની કાર અજરપુરા તરફ વળી.
 
તેઓ વડા પ્રધાનની સાદગીનું વર્ણન કરતાં કહે છે કે, "શાસ્ત્રીજી સમયસર રમણભાઈના ઘરે પહોંચી ગયા."
 
"તેમણે રમણભાઈના પરિવાર સાથે મળીને સાદું ભોજન પણ લીધું."
 
"જમ્યા પછી તેઓ ગામમાં ચાલવા માટે નીકળી પડ્યા."
 
"લગભગ તમામ ગામલોકો તેમને ઓળખી ગયા છતાં તેઓ સામાન્યપણે ગામમાં ફરતા રહ્યા."
 
"લોકોનાં ઘરોમાં જઈને તેમની સાથે વાત કરીને તેમના જીવન વિશે જાણવાનો પ્રયાસ કરવા લાગ્યા."
 
"લોકો સાથે ઘણી વાતો પણ કરી. ગામની સ્ત્રીઓ સાથે દૂધઉત્પાદન અંગે પણ વાત કરી."
 
"આ સિવાય તેઓ ગામના દલિતોનાં ઝૂંપડાંમાં પણ ગયા. તેમની સાથે તેમનાં ઘરોમાં બેસીને વાત કરી."
 
"તેઓ સવારના બે વાગ્યા સુધી ગામના મુસ્લિમો સાથે તેમના જીવન અંગે વાતચીત કરતા રહ્યા."
 
શાસ્ત્રીજીના પ્રશ્નો
 
કુરિયન પોતાની આત્મકથામાં વડા પ્રધાનની આ મુલાકાત અંગે ઊંડાણપૂર્વક વાત કરતાં લખે છે :
 
"બીજા દિવસે હું ગામની દૂધ સહકારી મંડળી ખાતે વડા પ્રધાનને મળ્યો."
 
"પશુદાણના નવા કારખાનાના ઉદ્ઘાટન પછી અમે મારા ઘરે પહોચ્યા."
 
"ઘરે આવીને તેમણે એક ખૂબ જ રસપ્રદ વાત શરૂ કરી."
 
"તેમણે કહ્યું કે બીજી અને ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન ભારત સરકારે આખા દેશમાં ડેરીઓની શરૂઆત કરી."
 
"પરંતુ તેમાંથી મોટા ભાગની નુકસાન કરી રહી છે."
 
"જ્યારે અમૂલ ડેરીનાં ઉત્પાદનો આખા દેશમાં લોકપ્રયિ થઈ રહ્યાં છે."
 
"તેમજ અમૂલ ડેરીનું કદ અને વૃદ્ધિદર દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે."
 
"તેમણે મને પૂછ્યું કે જ્યારે સમગ્ર દેશમાં ડેરીઉદ્યોગ પડી ભાંગ્યો છે ત્યારે અમૂલ ડેરી પ્રગતિ સાધી રહી છે."
 
"તેમણે કહ્યું કે આ વિરોધાભાસ અંગે જાણવા માટે જ તેમણે આ ગામમાં રહીને અહીંના લોકો, વાતાવરણ, દૂધઉત્પાદન વગેરે અંગે માહિતી મેળવવાનું નક્કી કર્યું હતું."
 
કુરિયન પોતાની આત્મકથામાં વડા પ્રધાનના શબ્દો ટાંકતા લખે છે :
 
"ડૉ. કુરિયન, અહીં આવીને મને ઘણું આશ્ચર્ય થયું. અહીં તો એવું કશું જ ખાસ નથી કે જેથી આવી પ્રગતિ શક્ય બની શકે."
 
"અહીંની ભેંસોની જાત મારા ગૃહરાજ્ય ઉત્તર પ્રદેશ કરતાં નીચી છે."
 
"અહીંના ખેડૂતો મહેનતુ છે છતાં પંજાબમાં તેમના કરતાં ઘણા વધારે મહેનતુ ખેડૂતો છે."
 
"વધુમાં અહીંની જમીન ફળદ્રુપ છે, છતાં દેશનાં અન્ય રાજ્યોની જમીનની સરખામણીએ તેમાં કોઈ વિશેષતા હોય એવું નથી દેખાતું."
 
"અહીં વરસાદની સ્થિતિ પણ સમગ્ર દેશમાં જેવી છે તેવી જ છે."
 
"તો પછી અહીં ડેરીઉદ્યોગ સફળ અને બાકીનાં તમામ રાજ્યોમાં કેમ અસફળ છે?"
 
"ખેડૂતો મારા માલિક છે."
 
ડૉ. વર્ગીસ કુરિયને વડા પ્રધાનના કૂતુહલને શાંત કરવા માટે તેમના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું હતું :
 
"સર, તમારાં બધાં અવલોકનો ખૂબ જ સાચાં છે."
 
"પરંતુ દેશની અન્ય ડેરીઓમાં અને અમૂલમાં એક પાયાનો ભેદ છે, જે તમે ન જોઈ શક્યા."
 
"અમૂલ ડેરી એ સમગ્રપણે ખેડૂતોની માલિકીની છે. જ્યારે દેશની અન્ય ડેરીઓમાં આવું નથી."
 
"ખેડૂતો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ ડેરીનો કારભાર ચાલે છે."
 
"અને આ પ્રતિનિધિઓએ મારા પર વિશ્વાસ મૂકી મને આ ડેરીની જવાબદારી સોંપી છે. હું આ ખેડૂતોનો કર્મચારીમાત્ર છું."
 
"તેથી હું એક કર્મચારી તરીકે મારા માલિકોને સંતુષ્ટ કરવા માટે બંધાયેલો છું."
 
"મારે એક મૅનેજર તરીકે દૂધઉત્પાદન વધારવા માટે ખેડૂતોને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે જોવાનું હતું."
 
"મારે સતત ઉત્પાદન વધારતા રહેવાનું હતું જેથી ખેડૂતોને તેનો સતત લાભ મળતો રહે."
 
"વધુમાં હું તેમના દ્વારા અપાયેલ દૂધ સ્વીકારવાનો ક્યારેય ઇનકાર પણ નથી કરી શકતો."
 
"તેમજ તેમણે શરૂઆતના તબક્કે મારા પર વિશ્વાસ મૂકી મારા કામમાં ક્યારેય દખલગીરી ન કરી."
 
આ સિવાય કુરિયને દેશના ડેરીઉદ્યોગ માટે અડચણરૂપ કાયદાઓ અંગે વાત કરતાં કહ્યું:
 
"ભારતનો કૉ-ઓપરેટિવ સોસાયટી એક્ટ એ ખૂબ જ જડ કાયદો છે."
 
"આ કાયદો લોકતાંત્રિક સંગઠનોના નિર્માણને પ્રોત્સાહિત કરતો નથી."
 
"આવી કાયદાકીય તકલીફો છતાં પણ અમૂલ તેમના સ્થાપક ચૅરમૅન ત્રિભુવનદાસ પટેલની આગેવાનીમાં પ્રગતિ સાધવામાં સફળ રહી છે."
 
"દેશમાં એક નહીં, અનેક આણંદ બની શકે છે."
 
ડૉ. કુરિયન પોતાની આત્મકથામાં વડા પ્રધાનની આણંદ મુલાકાતના પ્રસંગ અંગે આખરી ચર્ચા કરતાં લખે છે :
 
"વડા પ્રધાન અમૂલ ડેરીના સફળતા મંત્ર અંગે સાંભળી ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા."
 
"તેમણે મને કહ્યું, કુરિયન આનો મતલબ તો એમ થાય છે કે આપણે દેશમાં એક નહીં અનેક આણંદ બનાવી શકીએ છીએ."
 
"આપણી ચર્ચા પછી મને તો એવું કોઈ કારણ નથી દેખાતું કે માત્ર ગુજરાતમાં જ આણંદ હોવું જોઈએ."
 
"મેં હકારમાં માથું હલાવ્યું."
 
"વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ મને કહ્યું, તો કુરિયન તમે કાલથી માત્ર આણંદ કે ગુજરાત માટે કામ નહીં કરો, તમે સમગ્ર ભારત માટે કામ કરશો."
 
"ભારત સરકાર તમને આણંદ જેવાં દૂધઉત્પાદન સહકારી મંડળ સમગ્ર દેશમાં ઊભાં કરવા માટે તમને બ્લૅન્ક ચેક આપશે."
 
"ભારત સરકાર આ હેતુ માટે ગમે તે સ્ટ્રક્ચર કે સંસ્થા બનાવવા માટે પણ તૈયાર છે, પરંતુ તમારે એ સંસ્થાનું નેતૃત્વ સંભાળવાનું રહેશે."
 
"હું ઇચ્છું છું કે તમે આણંદમાં જે શક્ય બન્યું તેવું જ સમગ્ર દેશમાં કરી બતાવો."
 
"આ કામને તમે પોતાનું મિશન બનાવો, તમને આ કામ માટે ગમે તે વસ્તુની જરૂર પડશે એ સરકાર તમને આપશે."
 
અમૂલ ડેરીની વેબસાઇટમાં આપેલી વિગતો અનુસાર આ મુલાકાત બાદ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ અમૂલ ડેરી જેવું સફળ સહકારી દૂધ ઉત્પાદન મૉડલ સમગ્ર દેશમાં લાગુ કરવા માટે તમામ રાજ્યોનાં મુખ્ય મંત્રી, રાજ્યપાલો અને કેન્દ્રીય કૅબિનેટ મંત્રીઓને પત્રો લખ્યા.
 
આણંદની આ મુલાકાત બાદ વડા પ્રધાને પોતાનું વચન પાળ્યું અને વર્ષ 1965માં આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમૅન્ટ બોર્ડ(NDDB)ની સ્થાપના કરવામાં આવી.
 
ડૉ. વર્ગીસ કુરિયનને તેના વડા નીમવામાં આવ્યા. તેમજ 1970માં NDDBએ સમગ્ર ભારત માટે ડેરી ડેવલપમૅન્ટ પ્રોગ્રામની શરૂઆત કરી.
 
જે પાછળથી 'ઑપરેશન ફ્લડ' તરીકે જાણીતું થયું. આ રીતે ગુજરાતની 'શ્વેતક્રાંતિ'ને દેશની 'શ્વેતક્રાંતિ' બનાવવાનું શાસ્ત્રીજીનું સ્વપ્ન સાકાર થયું.