બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (16:45 IST)

કાશ્મીર મુદ્દે સુનંદા વશિષ્ઠ મહિલાએ આપેલું ભાષણ નેટ પર કેમ છવાઈ ગયું?

ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારની સ્થિતિની તપાસ માટે અમેરિકન કૉંગ્રેસના નીચલા ગૃહના સભ્યોના એક સમૂહ દ્વારા આયોજિત એક સુનાવણીનો વીડિયો ભારતના સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયો છે.
 
ટૉમ લેંટોસ એચઆર કમિશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સુનંદા વશિષ્ઠ નામનાં ભારતીય મહિલાએ ભારત પ્રશાસિત કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિને લઈને માનવાધિકારની વકીલાત કરતા પ્રશ્નો ઉઠાવ્યા છે.
 
જોકે, પેનલમાં સામેલ અન્ય લોકોએ 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના ભારતના પગલાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
વિટસન પેનલમાં પોતાની જાતને લેખિકા, રાજકીય ટિપ્પણીકાર અને નસલવાદી નરસંહારની પીડિત કાશ્મીરી હિંદુ મહિલા તરીકે પ્રસ્તુત કરનાર સુનંદાએ કહ્યું કે, "કાશ્મીરમાં સર્જાયેલી અરાજકતા વિરુદ્ધ લડવા માટે ભારતની સહાય કરવાનો આ ઉચિત સમય છે."
 
સુનંદાના ભાષણને ઘણા લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના આધિકારિક ટ્વિટર હેન્ડલ મારફતે પણ આ ભાષણના કેટલાક અંશ ટ્વીટ કરાયા છે અને પાર્ટી સાથે જોડાયેલા લોકો પણ આ વીડિયોને શેર કરી રહ્યા છે.
 
શું છે આ કમિશન?
 
ટૉમ લેંટોસ એચઆર કમિશન અમેરિકન સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિસભાનો દ્વિપક્ષીય સમૂહ છે, જેનો લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્વરૂપે માન્ય માનવાધિકારના નિયમોની વકીલાત કરવાનો છે.
 
કમિશન તરફથી "ભારતના પૂર્વ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય સંદર્ભમાં માનવાધિકારની સ્થિતિની તપાસ" વિષય પર સુનાવણી આયોજિત કરાઈ હતી.
 
કમિશન તરફથી કરાતી આવી વિભિન્ન સુનાવણીમાં સામેલ થયેલ 'સાક્ષી' અમેરિકન કૉંગ્રેસને સંબંધિત વિષય પર પગલાં ભરવાની વાતને લઈને સલાહ આપે છે.
 
જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરાયા બાદ ઊઠી રહેલા પ્રશ્નો અંગે શુક્રવારના રોજ યોજાયેલી ટૉમ લેંટોસ એચઆર કમિશનની સુનાવણીમાં બે પેનલ હતા.
 
પ્રથમ પેનલમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગનાં કમિશનર અરુણિમા ભાર્ગવ હતાં, જેમણે ભારત પ્રશાસિત કાશ્મીરમાં લઘુમતિઓની સ્થિતિ અંગે વાત કરી. બીજી પેનલમાં સુનંદા વશિષ્ઠ સહિત છ લોકો સામેલ હતા.
 
શું કહ્યું સુનંદાએ?
 
સુનંદાએ દાવો કર્યો કે 'પશ્ચિમ અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયોનું ધ્યાન કાશ્મીરમાં માનવાધિકારની ખરાબ પરિસ્થિત પર કેન્દ્રિત થયું તે પહેલાં કાશ્મીર ખીણ ઇસ્લામિક સ્ટેટ દ્વારા સીરિયામાં આચરાયેલી ક્રુરતાની જેવી પરિસ્થિતિની સાક્ષી બની છે.'
 
તેમણે કહ્યું કે, "મને એ વાતનો આનંદ છે કે આજે આ પ્રકારની સુનાવણીઓ થઈ રહી છે, કારણ કે જ્યારે મારા પરિવારે અને અમારા જેવા અસંખ્ય લોકોએ પોતાનાં ઘર, આજીવિકા અને જીવનશૈલીનો ત્યાગ કરવો પડ્યો હતો ત્યારે દુનિયા ચૂપ હતી. જ્યારે મારા અધિકારો છીનવાઈ રહ્યા હતા ત્યારે માનવાધિકારની વકીલાત કરનાર લોકો ક્યાં હતા."
સુનંદા વશિષ્ઠે કહ્યું કે, "રાજકીય મામલાઓ અંગે ભારતને કોઈ પણ પ્રમાણપત્રની આવશ્યકતા નથી. ભારત લોકતાંત્રિક વ્યવસ્થા હેઠળ પંજાબ અને ઉત્તર-પૂર્વમાં અરાજકતાને પરાજિત કરી શક્યું છે. આ પ્રકારની અરાજકતાનો સામનો કરવા માટે ભારતને મજબૂત બનાવવાનો આ યોગ્ય સમય છે જેથી માનવાધિકાર સાથે જોડાયેલી સમસ્યાઓનો હંમેશાં માટે અંત લાવી શકાય."
 
વશિષ્ઠે કહ્યું કે, "અમે કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદ સામે ઝઝૂમી રહ્યા છીએ. આપણને આ હકીકતની જાણ હોવી જોઈએ. સામાન્ય લોકો અને સૈનિકોનાં મોત પાકિસ્તાન મારફતે ટ્રેનિંગ મેળવનાર આતંકવાદીઓના હાથે જ થઈ રહી છે. બેતરફી વાતોના કારણે ભારત સરકારને કોઈ મદદ નથી મળી રહી."
 
લેખિકાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે 'કટ્ટરપંથી ઇસ્લામી આતંક'નો સામનો કરવા માટે ભારતની સહાય કરવી પડશે, તો જ માનવાધિકારોનું સંરક્ષણ કરી શકાશે.
 
સુનંદા વશિષ્ઠે એ પણ કહ્યું કે કાશ્મીરમાં ક્યારેય જનમતસંગ્રહ નહીં થાય. તેમણે કહ્યું, "જનમતસંગ્રહ માટે જરૂરી છે કે સમગ્ર સમુદાય દ્વારા નિર્ણય લેવામાં આવે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે કાશ્મીરનો એક ભાગ ભારત પાસે છે તો બીજો ભાગ પાકિસ્તાન પાસે. આ સિવાય ચીનનો પણ આ ક્ષેત્ર પર કબજો છે."
 
છેલ્લે સુનંદાએ કહ્યું કે, "ભારતે કાશ્મીર પર કબજો નથી કર્યો અને તે હંમેશાંથી ભારતનો અભિન્ન અંગ હતું."
 
તેમણે કહ્યું કે, "ભારતનો ઇતિહાસ માત્ર 70 વર્ષ જૂનો નથી, પરંતુ તે 5000 વર્ષ જૂની પરંપરા છે. કાશ્મીર સિવાય ભારત નથી અને ભારત વગર કાશ્મીર નથી."
 
અન્ય પેનલિસ્ટ શું બોલ્યા?
 
પ્રથમ પેનલમાં સામેલ અમેરિકન આતંરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગનાં કમિશનર અરુણિમા ભાર્ગવે કહ્યું કે 5 ઑગ્સ્ટના રોજ ભારત સરકાર દ્વારા કાશ્મીર પર નિયંત્રણ લાદી દેવા બાદ શરૂઆતના કેટલાંક અઠવાડિયાંમાં એવા રિપોર્ટ આવ્યા કે લોકો નમાજ નથી પઢી શકી રહ્યા કે મસ્જિદોમાં નથી જઈ શકી રહ્યા. તેમણે કહ્યું કે આ સમય વીતી ગયા બાદ પણ તંત્રના કડક વલણને કારણે ત્યાંના હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોક તહેવારો ઊજવવા માટે ભેગા ન થઈ શક્યા.
 
બીજી પેનલનાં સૌપ્રથમ વક્તા ઓહાયો યુનિવર્સિટીનાં માનવવિજ્ઞાન ઍસોસિએટ પ્રોફેસર હેલી ડુશિંસ્કીએ કલમ 370ને હઠાવવાના ભારતના નિર્ણયને 'ભારતે કાશ્મીર પર કરેલો ત્રીજી વખતનો કબજો' ગણાવ્યો. તેમણે કહ્યું કે, "આ પહેલાં ભારતે 1948માં અને પછી 1980માં રાજ્યમાં ભારે પ્રમાણમાં સુરક્ષાદળોની તહેનાતી કરીને કબજો કર્યો હતો."
 
તેમજ માનવાધિકારની તરફેણ કરનાર સેહલા અશાઈએ ભારત સરકાર પર કાશ્મીરના દમનનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભારતના આ પગલાના કારણે તમામ ધર્મો અને સમુદાયના લોકો પ્રભાવિત થયા છે. તેમણે આ બાબતે અમેરિકાએ રાજનયિક પ્રયાસો કરવા જોઈએ, તેવી માગ કરી.
 
તેમજ યૂસરા ફઝિલી નામનાં પેનલિસ્ટે કહ્યું કે, "ભારત પ્રશાસિત કાશ્મીરમાં તેમના પિતરાઈ ભાઈની ધરપકડ કરી લેવાઈ છે. ઘણા બધા લોકો તેમના પરિવારની ચિંતાના કારણે સામે નથી આવી રહ્યા. તેઓ સામાન લાવવા માટે પણ બહાર નથી જઈ શકી રહ્યા. ત્યાં ઇન્ટરનેટની સુવિધા પણ નથી. સ્વાસ્થ્ય અને અન્ય પાયાની સુવિધાઓ ફરીથી શરૂ કરવા માટે કૉંગ્રેસે ભારત પર દબાણ કરવું જોઈએ."
 
પેનલમાં સામેલ જૉર્જટાઉન લૉમાં સહાયક પ્રોફેસર અર્જુન એસ. શેઠીએ પણ ભારતના પગલાની ટીકા કરી અને માત્ર કાશ્મીર જ નહીં, પરંતુ આસામ પ્રત્યેના કેન્દ્ર સરકારના વલણ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા.
 
છેલ્લે માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચના એશિયા એડવોકસી ડાયરેક્ટર જ઼ન સિફ્ટને કહ્યું કે ભારતે હજારો લોકોની ધરપકડ કરી છે, પરંતુ આ ધરપકડનું યોગ્ય કારણ આપવા માટે ત્યાંની સરકાર નિષ્ફળ નિવડી છે.
 
તેમણે કહ્યું કે, "લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં ઇન્ટરનેટની સુવિધા નથી. કારોબારી પરેશાન છે, ડૉક્ટરો પરેશાન છે, તેઓ ઈ-મેઇલ પણ નથી કરી શકી રહ્યા."