શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Updated : મંગળવાર, 23 જુલાઈ 2024 (09:09 IST)

મોદી સરકારના નવા બજેટની અગ્નિપરીક્ષા, બેરોજગારી સહિતના એ પ્રશ્નો જેનો જવાબ મુશ્કેલ છે

મંગળવારે 23મી જુલાઈના રોજ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર તેનું પહેલું બજેટ રજૂ કરશે.
 
લોકસભા ચૂંટણી પછી આંકડાકીય દૃષ્ટિએ નબળા પડેલા મોદી પહેલી વાર તેમના ગઠબંધનના સાથીદારો પર નિર્ભર છે. એવામાં તેમની સરકાર રાજકોષીય સ્થિરતા જાળવી રાખે અને પૈસાને ખર્ચ કરવાની નીતિઓમાં મોટાપાયે બદલાવો કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
 
વિશ્લેષકો કહે છે કે નવી સરકાર કદાચ ખૂબ જલદીથી ગ્રામીણ ભારત તરફ તેનું ફોકસ વધારી શકે છે. આ ભારતની એવી વસ્તી છે કે જેને ભારતની વધી રહેલી જીડીપીથી બહુ ફાયદો થઈ રહ્યો નથી.
 
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ સભ્ય રથિન રૉય કહે છે કે, "હકીકત એવી છે કે નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ એ પહેલેથી જ તેમને કંઈક લાંબાગાળાનો વારસો કે અસર છોડીને જવું છે તેવા વિચારોથી ભરી દેશે."
 
"આર્થિક ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ઇતિહાસ કહેશે કે તેમાં તેમની સરકાર ભૂતકાળમાં સ્પષ્ટપણે નિષ્ફળ ગઈ છે."
 
છેલ્લાં દસ વર્ષમાં મોદી સરકારે અબજો ડૉલર રૂપિયા સરકારી ફંડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં, દરિયાઈ બ્રિજ અને ઍક્સપ્રેસ-વે બનાવવામાં ઠાલવ્યા છે. તેમણે મોટા કૉર્પોરેશન માટે ટૅક્સમાં કાપ મૂક્યો છે અને નિકાસ માટેનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સબસિડી સ્કીમ્સ પણ લૉન્ચ કરી છે.
 
છેલ્લા કેટલાક સમયમાં ભારતનું મૅક્રો અર્થતંત્ર સ્થિર થયું છે અને ભારતીય શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો છે.
 
પરંતુ સાથેસાથે આર્થિક અસમાનતા અને ગ્રામીણ સંકટ વધ્યું છે.
 
 
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
 
ભારતની 60 ટકાથી વધુ વસ્તી કૃષિ અને તેના સાથે સંબંધિત વ્યવસાયો સાથે જોડાયેલી છે.
 
તો બીજી તરફ આ વર્ષના શરૂઆતી ગાળામાં BMW કારના વેચાણે રેકૉર્ડ તોડી નાખ્યા છે. જોકે, છેલ્લાં બે વર્ષમાં તેનો ઓવરઑલ ગ્રોથ ઓછો જોવા રહ્યો છે.
 
રૉય કહે છે, "ભારતનું ક્ષેત્રીય અસંતુલન પણ વ્યાપક છે. દેશની મોટાભાગની વસ્તી ઉત્તર-પૂર્વના મેદાની પ્રદેશોમાં રહે છે જ્યાંની વ્યક્તિદીઠ આવક તો નેપાળ કરતાં પણ ઓછી છે. જ્યારે સ્વાસ્થ્ય, મૃત્યુદર અને સરેરાશ આયુષ્યની વાત કરીએ તો એ બુર્કિના ફાસો કરતાં પણ ખરાબ છે."
 
દસમાંથી નવ અર્થશાસ્ત્રીઓ કહે છે કે મોદી સરકાર 3.0 માટે બેરોજગારી એ સૌથી મોટો પડકાર છે.
 
ચૂંટણી પછી થયેલા સરવેમાં 10માંથી સાત ભારતીયોએ એ વાતને સમર્થન આપ્યું હતું કે અતિશય ધનિક વર્ગ પર વધુ ટૅક્સ લગાવવો જોઈએ. જ્યારે દસમાંથી આઠ અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે ભારતની વૃદ્ધિ એ વ્યાપક અને સમાવેશી નથી.
 
 
જીવનધોરણમાં વધી રહેલું અંતર
ઉત્તર ભારતના કૃષિપ્રધાન વિસ્તારોમાંથી પસાર થતાં એ વાત સ્પષ્ટ જોવા મળે છે કે શહેરોમાં રહેતા લોકોની સરખામણીએ ત્યાંનું જીવનધોરણ અતિશય અલગ પડે છે.
 
રાજધાની દિલ્હીથી ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર માત્ર થોડા કલાકોના અંતરે જ આવેલું છે.
 
આ શહેરમાંથી પસાર થતા હાઈવેને બાદ કરતાં ખુલ્લાં મેદાનો અને ખેતરોને જોતાં એવું લાગે કે આ ક્ષેત્રમાં હજુ સુધી ભારતનો ચમકતો આર્થિક વિકાસ પહોંચ્યો નથી.
 
સુશીલ પાલનો પરિવાર પેઢીઓથી બેહરા આસા ગામનાં મેદાનોમાં ખેતી કરે છે. તેમણે બીબીસીને કહ્યું હતું કે, "આ ઘણું પરિશ્રમ માગી લે તેવું કામ છે જેનાથી હવે ખૂબ ઓછા પૈસા મળે છે."
 
સુશીલ પાલે આ વખતે ભાજપને મત આપ્યો ન હતો. તેમણે એ પહેલાંની બે ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. તેમનું કહેવું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાનો વડા પ્રધાન મોદીએ કરેલો વાયદો પૂરો થયો નથી.
 
તેઓ કહે છે, "મારી આવક ઘટી ગઈ છે અને મજૂરી અને અન્ય સાધનોનો ખર્ચો વધી ગયો છે. હું જે પાક ઉગાડું છું તેના પૈસામાં પણ મામૂલી વધારો થયો છે અને એ પણ ચૂંટણી પહેલાં કરવામાં આવ્યો હતો."
 
તેમનું કહેવું છે કે "જે પૈસા હું મેળવું છું એ તમામ મારાં બાળકોની શાળા અને કૉલેજની ફીમાં જ ખર્ચાઈ જાય છે. મારો એક છોકરો ઍન્જિનિયર છે, પણ તેની પાસે બે વર્ષથી નોકરી જ નથી."
 
લઘુ ઉત્પાદન એકમો ડામાડોળ
તેમના ખેતર નજીક આવેલ એક ફર્નિચરની વર્કશૉપના ટર્નઓવરમાં છેલ્લા પાંચ વર્ષમાં 80 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આ વર્કશોપનું કામ નિકાસ થાય તેવા ફર્નિચર બનાવવાનું છે. કોરોના પછી આવેલા વેચાણમાં વધારા બાદ ધીરેધીરે તેમના અન્ય દેશોમાંથી મળતાં ઑર્ડર્સ ઘટવા લાગ્યા.
 
વર્કશોપના માલિક રજનીશ ત્યાગીનું કહેવું છે કે તેમણે આ બધી બનાવટો સ્થાનિક સ્તરે પણ વહેંચી દીધી હોત પરંતુ ગ્રામીણ સ્તરે સંકટને કારણે તેમનાં ઉત્પાદનોની જરાય માંગ ન હતી.
 
તેઓ કહે છે કે, "કૃષિ અર્થતંત્ર અતિશય તળિયે છે અને સ્થાનિક સ્તરે ઉત્પાદનોની માંગ વધતી નથી કારણ કે ખેડૂતો પર દેવું છે અને યુવાનો પાસે રોજગારી નથી. તેમની પાસે કંઈ ખરીદવાની ક્ષમતા જ નથી."
 
રજનીશ ત્યાગીનો વેપાર એ ભારતમાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ ગણાય છે જે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે.
 
ઇન્ડિયા રેટિંગ્સ નામની ક્રેડિટ ઍજન્સીના અનુમાન પ્રમાણે 2015થી 2023 વચ્ચે આવા 63 લાખ એકમો બંધ થયા છે અને 1.6 કરોડ લોકોએ તેના કારણે નોકરી ગુમાવી છે.
 
વિશ્લેષક વિવેક કૌલ પ્રમાણે, "સામેપક્ષે ટૅક્સમાં રાહતને કારણે ભારતની ટોચની લિસ્ટેડ 5000 કંપનીઓનો ચોખ્ખો નફો 2018થી 2023 દરમિયાન 187 ટકા જેટલો વધ્યો છે.
 
અર્થશાસ્ત્રીઓ શું કહે છે?
આ પ્રકારના અસંતુલન અને આર્થિક ક્ષેત્રના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો વચ્ચે વધતી જતી ખાઈને રોકવી તથા ભારતનાં ગામડાંઓમાં સમૃદ્ધિ લાવવી એ ત્રીજી વખત સત્તા સંભાળી રહેલા નરેન્દ્ર મોદી માટે સૌથી મોટો પડકાર છે.
 
ગૉલ્ડમેન સાક્સના અર્થશાસ્ત્રીઓ કહે છે કે, "ચૂંટણી પછીના તેમના આ પહેલા બજેટમાં તેઓ કલ્યાણકારી નીતિઓ તરફ થોડા વળશે તેવું દેખાઈ રહ્યું છે. જોકે, તેનાથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને નાણાં આપવાનું તેઓ ઘટાડી દેશે તેવું નહીં બને."
 
વૉલ સ્ટ્રીટ બૅન્ક કહે છે,"રિઝર્વ બૅન્ક તરફથી ધાર્યા કરતાં વધુ ડિવિડન્ડ ટ્રાન્સફર (જીડીપીના 0.3 ટકા) ને કારણે સરકાર કલ્યાણકારી નીતિઓ પર વધુ ખર્ચ કરી શકશે અને સાથે સાથે જે તેનું ફોકસ ગ્રામીણ અર્થતંત્ર અને રોજગારીના સર્જન પર વધુ રહેશે."
 
ભારતના કેટલાક ધનિકો માટે નાણાંનું વ્યવસ્થાપન કરનારા લોકો પણ આ મત સાથે સહમત છે.
 
એએસકે પ્રાઇવેટ હૅલ્થના સીઈઓ અને મૅનેજિંગ ડાયરેક્ટર રાજેશ સલુજા કહે છે કે, "ગરીબીમાં ઘટાડો એ સરકારના બજેટનો અજેન્ડા હશે જ અને તે રાજકોષીય ગણિત બગાડ્યા વગર પણ થઈ શકે છે. તેના માટે મજબૂત રાજકોષ અને કડક ટૅક્સ કલેક્શન જરૂરી છે."
 
પરંતુ અર્થશાસ્ત્રીઓ એ વાતની ચેતવણી આપે છે કે ગરીબોને સીધા જ વધુ પૈસા આપવા એ સાચો રસ્તો નથી, એ સાચું પરિવર્તનકારી વિકાસનું કામ નથી. આપણે એ યાદ રાખવું જોઈએ કે 80 કરોડ ભારતીયો હજુ પણ મફત અનાજ પર જીવે છે અને રાજ્યો તેમના બજેટનો 10 ટકા જેટલો હિસ્સો આ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ કરે છે.
 
આવનાર બજેટથી સરકારે લાખો લોકોને વર્કફૉર્સ કઈ રીતે બનાવવા અને તેમને કઈ રીતે કમાતાં કરવા તેના માટેનું વિઝન મૂકવું પડશે.
 
ઇન્ડિયા રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી સુનિલકુમાર સિંહા કહે છે, "અસંગઠિત ક્ષેત્રનું ઘટી રહેલું કદ એ પણ રોજગારીના સર્જન સાથે જોડાયેલું છે. આથી આપણે એવી મિક્સ્ડ પોલિસી જોઈશે કે જે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર બંનેનું સાથે કામ કરવું શક્ય બનાવે."
 
રૉય કહે છે, "ભારતે તેની અતિશય વિશાળ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે કાપડ અને કૃષિ ખાદ્યઉત્પાદન જેવા ક્ષેત્રોમાં નીચા સ્તરે, શ્રમ-સઘન ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. "
 
ભારતની સૌથી મોટી બૅન્ક એસબીઆઈના અર્થશાસ્ત્રીઓએ એવી સલાહ આપી છે કે મોદી સરકારે ઉત્પાદનક્ષેત્ર સાથે જોડાયેલા લાભને નાના એકમોને પણ આપવા જોઈએ.
 
રૉય કહે છે,"જ્યાં સુધી આપણે ઉત્પાદનની વાત વિચારીએ છીએ ત્યારે આપણે મોટા ગજાનાં લોકોનું જ વિચારીએ છીએ. આપણે સુપરકમ્પ્યુટર વિશે વિચારીએ છીએ, ઍપલ કઈ રીતે આવશે અને અહીં આઈફૉન બનાવશે એ જ વિચારીએ છીએ."
 
"આ બધી એવી વસ્તુઓ છે જેની સાથે ભારતની 70 ટકા વસ્તીને કોઈ લેવાદેવા નથી. આપણે એ વસ્તુઓનું ઉત્પાદન વધારવું જોઈએ કે જેને ભારતની 70 ટકા વસ્તી મેળવવા ઇચ્છે છે અથવા તો તે સક્ષમ છે."
 
"જો હું ભારતમાં જ 200 રૂપિયાનો શર્ટ બનાવી શકતો હોઉં અને તેના માટે મારે બાંગ્લાદેશ કે વિયતનામ જેવા દેશો પર આધારિત ન રહેવું પડતું હોય તો જ એ મારા ઉત્પાદનને વધારશે."
 
Edited By- Monica Sahu