શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (17:02 IST)

ચીન એવરેસ્ટની ટોચ પર વિભાજનરેખા ખેંચવા કેમ માગે છે?

ચીનનું કહેવું છે કે નેપાળથી આવતા પર્વતારોહીઓને પોતના પર્વતારોહીઓ સાથે હળવા-મળવાથી બચાવવા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર એક વિભાજનરેખા ખેંચી રહ્યું છે.
 
એક અઠવાડિયા પહેલાં નેપાળના બેઝ કૅમ્પમાં પર્વતારોહીઓ અને વહીવટી તંત્ર દ્વારા પર્વત પર ચઢનાર લોકોમાં કોરોના વાઇરસના કેસ વધવા બાબતે ચેતવણી આપવામાં આવી હતી.
 
એવરેસ્ટ ચીન અને નેપાળની સરહદે આવેલો છે. એવરેસ્ટની બંને તરફથી પર્વતારોહીઓ ચઢે છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ચીન પહાડ પર કઈ રીતે નિયમ લાગુ કરશે.
 
એવરેસ્ટની ટોચ પર બહુ બરફ હોય છે અને એક સાથે માત્ર 6 લોકો ત્યાં ઊભા રહી શકે છે. જ્યારે વધારે પર્વતારોહી હોય, ત્યારે ત્યાં લાઇન લાગી જાય છે.
 
ચીને શું કર્યું છે?
એવરેસ્ટની ટોચ પર વિભાજનરેખા ખેંચી શકાય તે માટે ચીને તિબ્બતના પર્વતારોહી ગાઇડસની એક ટીમને ટોચ પર મોકલી છે. ચીનના પર્વતારોહીઓ રસ્તામાં છે અને જલદી જ ત્યાં પહોંચી જશે.
 
ચીન તરફથી જે પર્વતારોહીઓ એવરેસ્ટ પર ચઢી રહ્યા છે, તેમની પર નેપાળથી આવતી કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
ટોચ પર મૂકવામાં આવેલી વસ્તુઓને સ્પર્શ કરવાની પણ આ પર્વતારોહીઓને પરવાનગી અપાતી નથી.
 
હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી કે આ પ્રતિબંધોને અકબંધ રાખવા માટે તિબ્બતી ગાઇડ કેટલા દિવસો સુધી આ વિસ્તારમાં રહેશે.
 
ચીનના સરકારી મીડિયા સાથે વાત કરતા તિબ્બતના સ્પૉર્ટસ બ્યુરોના નિયામકે જણાવ્યું કે ઉત્તર અને દક્ષિણથી ચઢનાર પર્વતારોહીઓ ટોચ પર પહોંચ્યા બાદ એક-બીજાના સંપર્કમાં આવી શકે છે.
 
કોણે પર્વતારોહણ માટે પરવાનગી આપવામાં આવી છે?
હાલમાં પરવાનગી વગર યાત્રીઓ ચીનના બેઝ કૅમ્પમાં નહીં જઈ શકે. ચીને વિદેશી લોકોના પર્વતારોહણ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
 
બીજી બાજુ નેપાળ, જેની આવકનો મોટા હિસ્સો એવરેસ્ટના અભિયાનો પર નિર્ભર છે, વિદેશી પર્વતારોહીઓને પરવાનગી આપી છે. આ સિઝનમાં 400 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે.
 
નેપાળમાં અત્યારે કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં નેપાળની તરફથી ચઢનાર 30થી વધુ બીમાર પર્વતારોહીઓને બચાવવામાં આવ્યા છે.
 
ગયા અઠવાડિયે બેઝ કૅમ્પમાં મેડિકલ ક્લિનિક ચલાવનાર એક સરકારી સંગઠન હિમાલયન રેસ્ક્યૂ ઍસોસિયેશને બીબીસીને જણાવ્યું કે અમુક પર્વતારોહીઓ કોરોના સંક્રમિતા હતા, જેમને શોધીને કાઠમાંડુ લઈ જવાયા હતા.
 
સમાચાર સંસ્થા એએફપી મુજબ છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી નેપાળમાં પૉઝિટિવ કેસની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને દર પાંચમાંથી બે લોકો પૉઝિટીવ મળી રહ્યા છે.
 
હાલમાં નેપાળમાં 3,94,667થી વધુ કોરોના વાઇરસના કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે 3720 લોકોનાં મૃત્યુ થયાં છે.