Nathuram Godse : શું ગોડસેએ દેશહિતમાં ગાંધીજીની હત્યા કરી હતી? - દૃષ્ટિકોણ

ઉર્વીશ કોઠારીc| Last Modified બુધવાર, 20 મે 2020 (12:27 IST)

ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી મુખ્ય ત્રણ હેતુ તેમનું જીવનકાર્ય હતું : હિંદુ-મુસલમાન એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને રાજકીય આઝાદી.
તેમાંથી પહેલા બંને હેતુઓ સામે કેટલાક રૂઢિચુસ્ત, ઉગ્રવાદી હિંદુઓનો આકરો વિરોધ હતો.

ગાંધીજીના આવતા પહેલાંના કોમવાદી રાજકારણમાં, મુસ્લિમ કોમવાદને અંગ્રેજોનો રાજ્યાશ્રય મળ્યો હતો.

તેની હરીફાઈમાં હિંદુ કોમવાદ પણ પાછળ ન હતો. મુસ્લિમ હિત માટે મુસ્લિમ લીગ અને હિંદુ હિત માટે હિંદુ મહાસભા જેવી સંસ્થાઓ ગાંધીજીના આગમન પહેલાં સ્થપાઈ ચૂકી હતી.
બંને કોમી સંસ્થાઓના સભ્યો સર્વધર્મસમભાવમાં માનતી રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય પણ બની શકતા હતા.

ગાંધીજીના આવ્યા પછી ઘણા સમય સુધી હિંદુ હિતનું રાજકારણ કૉંગ્રેસની સાથે હાથમાં હાથ મિલાવીને ચાલી શક્યું.

કારણ કે હિંદુ હિતના મુખ્ય બે પ્રકાર હતા : પંડિત મદનમોહન માલવિય જેવા નેતાઓ હિંદુહિતની વાત કરતા, પણ મુસ્લિમોનો કે બીજા ધર્મીઓનો વિરોધ કરતા ન હતા.
તેમના પ્રત્યે દુશ્મનાવટ રાખતા કે ફેલાવતા ન હતા. બીજા ફાંટામાં, દેશપ્રેમ બરાબર હિંદુહિત બરાબર મુસ્લિમદ્વેષ—એવું સમીકરણ હતું.

ગોડસે અને શરૂઆતનાં વર્ષોને બાદ કરતા, તેના ગુરુ વિનાયક સાવરકર બીજા પ્રકારના હિંદુહિત કે દેશપ્રેમની 'સમજ'વાળા હતા. એટલે, હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરતા અને તેના માટે વખત આવ્યે જાનની બાજી લગાડતા ગાંધીજી તેમને હિંદુદ્રોહી-દેશદ્રોહી લાગતા હતા.
દ્વેષ-ધીક્કારના પાયા પર સંકુચિત હિંદુહિત-સંકુચિત દેશપ્રેમની ઇમારત ઊભી કરવા ઇચ્છતો ગોડસે જેવાઓનો આખો સમુદાય હતો. તેમની વિચારધારાના વિરોધાભાસ, જૂઠાણાં અને સગવડીયાં અર્ધસત્યો વિશિષ્ટ હતાં. જેમ કે,

(1) કૉંગ્રેસથી અલગ રહીને, અંગ્રેજ સરકાર સામે એકેય નોંધપાત્ર આંદોલન ન કરવા છતાં કે નોંધપાત્ર બલિદાનો ન આપવા છતાં, એ સમૂહ જોરશોરથી દેશપ્રેમનો દાવો કરી શકતો હતો અને ગાંધીજી સહિત ઘણા કૉંગ્રેસી નેતાઓને દેશવિરોધી-દેશદ્રોહી ઠરાવી શકતો હતો.
(2) આઝાદીની લડત દરમિયાન વિનાયક સાવરકર કદાચ એકમાત્ર એવા નેતા હશે, જે જેલમાંથી માફીપત્રો લખીને છૂટ્યા હોય.

છતાં, સાવકરનો 'વીર' તરીકે જયજયકાર કરવામાં તેમને કશો વિરોધાભાસ લાગતો ન હતો.

અહીં સાવરકરની વાત એટલા માટે પણ કરવી જોઈએ, કારણ કે તે ગોડસેના ગુરુસ્થાને હતા. ગોડસે અગાઉ એક છાપું કાઢતો હતો, તેના મથાળે સાવરકરનો ફોટો છપાતો હતો. સાવરકર ગાંધીહત્યામાં સંગીન મનાતા, છતાં ટેકનિકલ રીતે નિર્દોષ છૂટેલા આરોપી હતા.
આંદામાનની સૅલ્યુલર જૅલમાં સાવરકર પર થયેલા જુલમો કોઈ પણ ભારતીયને કમકમાટી અને રોષ ઉપજાવે એવા છે.

પરંતુ એ હકીકતને સાવરકરના મૂલ્યાંકનમાં વાપરતી વખતે યાદ રાખવું પડે કે આંદામાનમાં બધા કેદીઓ પર આવા અત્યાચાર થતા હતા.

તેમાંથી માફીપત્રો લખીને, અંગ્રેજોની શરતો કબૂલ રાખીને, રાજકારણમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપીને છૂટી જનારા સાવરકર એકલા જ હતા. (ખુદ સાવરકર તેને વ્યૂહરચના કે વ્યવહારબુદ્ધિ જેવાં રૂપાળાં લેબલથી ઓળખાવતા હતા. એટલે, તેમની વિચારધારાના વર્તમાન વારસદારો પણ એવું કરે, તેની નવાઈ ન લાગવી જોઈએ.)
કોઈ પણ નેતાની જેમ સાવરકરનાં ઘણાં પાસાં હતાં. તેમનો મુસ્લિમદ્વેષ અને ગાંધીવિરોધ ગોડસે પ્રકારના અનુયાયીઓએ અપનાવ્યો, પરંતુ સાવરકરના અસ્પૃશ્યતાનિવારણ કે નાસ્તિકતા અંગેના પ્રગતિશીલ વિચાર કહેવાતા હિંદુહિતરક્ષકોને મંજૂર ન હતા.

(3) કોમી હુલ્લડો થાય ત્યારે ગાંધીજી બંને પક્ષોને કહેવા જેવું કહેતા હતા, તેનાં અનેક ઉદાહરણ નોંધાયેલાં છે.
સાથોસાથ, ગાંધીજી એવું પણ માનતા હતા કે વધુમતી ધરાવતા હિંદુઓએ લઘુમતી મુસ્લિમો પ્રત્યે ઉદારતાપૂર્વક વર્તન કરીને તેમનો વિશ્વાસ જીતવા કોશિશ કરવી જોઈએ.

ગાંધીજીએ કરેલી મુસ્લિમોની (કે છેલ્લા વર્ષમાં કરેલી પાકિસ્તાનની) ટીકા નજરઅંદાજ કરીને, ગોડસેના સમુદાયવાળા સતત એવું જ કહેતા રહ્યા કે ગાંધીજી મુસ્લિમોને પંપાળી રહ્યા છે. માટે તે હિંદુઓના દુશ્મન છે.
રામનું નામ જપતા, 'ગીતા'ને ટાંકતા, ઉદાત્ત હિંદુ ધર્મના પ્રતિનિધિ ગાંધીજી ગોડસેને હિંદુઓના શત્રુ લાગતા હતા, કારણ કે ગોડસેજૂથ માટે મુસ્લિમદ્વેષ અને હિંદુહિત અભિન્ન હતાં.

એકના ટેકે જ બીજું ઊભું રહી શકે એવી તેમની રચના હતી.

હત્યા, કારણો અને લોકલાગણી

ગોડસેમંડળી તરફી સામાન્ય પ્રચાર એવો કરવામાં આવે છે કે કોંગ્રેસ દ્વારા મુસ્લિમના તુષ્ટિકરણની નીતિ, ભાગલા માટે ગાંધીજીની જવાબદારી અને પાકિસ્તાનને તેના હિસ્સાના પંચાવન કરોડ રૂપિયા આપવા માટે ગાંધીજીએ કરેલા આગ્રહ-ઉપવાસને કારણે ગોડસેએ ગાંધીજીની હત્યા કરી.
પરંતુ ગાંધીચરિત્રકાર નારાયણ દેસાઈએ આધારો આપીને નોંધ્યું છે કે ૧૯૪૪થી ગોડસેએ અને તેના જેવી વિચારધારા ધરાવતા લોકોએ ગાંધીજી પર હુમલાના પ્રયાસ કર્યા હતા.

(મારું જીવન એ જ મારી વાણી-૪, નારાયણ દેસાઈ, પૃ. ૪૬૪-૪૬૫)

ભાગલા રોકવા માટે છેવટ સુધી પ્રયાસો કરનાર ગાંધીજીને ભાગલા માટે જવાબદાર ઠેરવવા અને એ કારણને તેમની હત્યા માટે ખપમાં લેવું, એ પણ વિચારાધારાકીય જૂઠાણાનો જ હિસ્સો હતો.
આઝાદીની આસપાસની કોમી તંગદીલીથી દોઢેક દાયકા પહેલાં, ૧૯૩૪માં પણ પૂનાના કેટલાક રૂઢિચુસ્ત હિંદુઓએ ગાંધીજીની કાર પર બૉમ્બ ફેંકીને તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

એ વખતે તેમનો રોષ અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશ સામે હતો.

ગાંધીજીની હત્યા કરનારા ગોડસે અને તેને સીધો કે આડકતરો સાથ આપનાર સાવરકર સહિતની કાવતરાબાજ મંડળી ગાંધીહત્યાને 'ગાંધીવધ' ગણાવતી હતી.
(સારા માણસની થાય એ હત્યા ને દુષ્ટ માણસનો થાય તે વધ. જેમ કે, કંસવધ, કીચકવધ) હિંદુ ધર્મ અને દેશપ્રેમની વાતો કરનારા આ લોકો અને તેમની વિચારધારા એક ઉત્તમ હિંદુની જ નહીં, વીસમી સદીના એક મર્યાદાસભર છતાં ઉત્તમ મનુષ્યની હત્યાને 'વધ' ગણાવે, એ તેમની બિમાર માનસિકતાનું પ્રતિબિંબ ગણાય.

પરંતુ એ માનસિકતા ફક્ત બીમાર નહીં, ચેપી પણ હતી. ગાંધીહત્યાના માંડ દોઢેક મહિના પછી ટોચનાં ગાંધીજનોની એક બેઠકમાં વિનોબા ભાવેએ કહ્યું હતું કે ગાંધીહત્યારાઓ જે વિચારધારાના હતા, એ સંગઠન બહુ ફેલાયેલું હતું અને તેનાં મૂળ ઊંડે સુધી પહોંચી ગયાં હતાં.
'એ સંગઠનવાળા બીજાઓને વિશ્વાસમાં નથી લેતા. ગાંધીજીનો નિયમ સત્યનો હતો. એમ લાગે છે કે એમનો (સંગઠનવાળનો) નિયમ અસત્યનો હોવો જોઈએ.

આ અસત્ય એમની ટેક્નિક--એમના તંત્ર--અને એમની ફિલૉસૉફીનો ભાગ છે.'

'ગુરુજી' તરીકે ઓળખાતા ગોળવેલકરનો એક લેખ ટાંકીને વિનોબાએ કહ્યું હતું કે એ લોકોની હિંદુ ધર્મની સમજ પ્રમાણે, તેમનો આદર્શ અર્જુન છે, જે ગુરુજનો પર આદર-પ્રેમ રાખવા છતાં ને તેમને પ્રણામ કરવા છતાં તેમની હત્યા પણ કરે.
આ મંડળી તેની વિકૃત સમજ પ્રમાણે એવું ઠસાવતી હતી કે આ પ્રકારની હત્યા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જ કરી શકે.

વિનોબાએ કહ્યું હતું, 'આ દંગોફિસાદ કરનાર ઉપદ્રવકારીઓની જમાત નથી. આ ફિલૉસૉફરોની જમાત છે. એમનું એક તત્ત્વજ્ઞાન છે અને એ પ્રમાણે નિશ્ચય સાથે તેઓ કામ કરે છે.
ધર્મગ્રંથોના અર્થ કરવાની પણ એમની પોતાની એક ખાસ પદ્ધતિ છે.' (ગાંધી ગયાઃ હવે માર્ગદર્શન કોણ આપશે?, ગોપાલકૃષ્ણ ગાંધી, અનુ. રમણ મોદી, પૃ.૯૦-૯૧)
આ જમાત અને તેના કેટલાક વારસદારો એવા છે કે તે વિનોબાની વાતમાંથી 'ફિલૉસૉફરોની જમાત', 'તત્ત્વજ્ઞાન', 'નિશ્ચય' જેવા હકારાત્મક શબ્દો લઈને, તેનો સગવડીયો અર્થ કાઢી બતાવે--એવું સિદ્ધ કરી બતાવે કે વિનોબા ખરેખર આ જમાતનાં વખાણ કરી રહ્યા છે.

એવા લોકોને યાદ કરાવવાનું કે લાખો યહુદીઓનો જનસંહાર કરાવનાર હિટલર પાસે પણ તેનાં કરતૂતોના સમર્થનમાં આવી જ ફિલૉસૉફરોની જમાત, કથિત તત્ત્વજ્ઞાન અને નિશ્ચય ઉપરાંત 'વિજ્ઞાન આધારિત માન્યતા' હતાં.
બીજાઓને હત્યા માટે પ્રેરવાની અને તેમના માટે નિવેદન બનાવી આપવાની સાવરકરની જૂની રીત હતી.

તે લંડનમાં હતા ત્યારે અંગ્રેજ અફસરની હત્યા કરનાર મદનલાલ ઢીંગરા પણ સાવરકરના શાગીર્દ હતા અને ઢીંગરાના નામે પ્રગટ થયેલું ભવ્ય નિવેદન સાવરકરે તૈયાર કર્યું હતું,

એવું જેમ્સ ડગ્લાસે નોંધ્યું છે. તેમના મતે, ગોડસેએ અદાલતમાં નવ કલાક લાબું 'મિશન સ્ટેટમૅન્ટ' જેવું નિવેદન આપ્યું, તેના લેખક પણ સાવરકર હોય એવી પૂરી સંભાવના હતી. (ગાંધી એન્ડ ધ અનસ્પીકેબલ, જેમ્સ ડગ્લાસ, અનુ. સોનલ પરીખ, પૃ.૧૦૯)
ગોડસેના નિવેદનમાં રહેલા કુતર્ક, અર્ધસત્યો, જૂઠાણાં અને સગવડીયાં અર્થઘટનોના અસરકારક મિશ્રણથી અદાલતમાં એવું વાતાવરણ ઊભું થયું કે ત્યાં બેઠેલા લોકો ગોડસેની દલીલોમાં તણાઈ જાય, તેને દેશભક્ત અને ગાંધીહત્યાને વાજબી માનવા લાગે.

આ વાતને-અદાલતમાં સર્જાયેલા વાતાવરણને પણ ગોડસેની તરફેણમાં રજૂ કરાતું રહ્યું છે અને ગમે તેમ કરીને ગોડસેને દેશભક્ત તરીકે ખપાવવાના પ્રયાસ થતા રહ્યા છે.
ગોડસેના એ નિવેદનને નાટકથી માંડીને જુદા જુદા સ્વરૂપે લોકપ્રિય માધ્યમોમાં પણ મુકવામાં આવ્યું છે.

સમય વીતે એમ એ નિવેદનમાં રહેલાં સગવડીયાં તથ્યો ને અર્ધસત્યો ઓળખવાનું મોટા ભાગના લોકો માટે વધુ કઠણ બને છે.

ગાંધીદ્વેષ કે ગાંધીભક્તિ દૂર રાખીને, ફક્ત અભ્યાસદૃષ્ટિથી તપાસવામાં આવે તો ગોડસેની દરેક દલીલોના મુદ્દાસર જવાબ આપી શકાય એમ છે અને જાત વિશેના ગોડસેના ભવ્ય દાવા પોકળ ઠરે એમ છે.

વિશ્લેષણ

ગાંધીજીના ઘણા વિચારો સાથે અસંમતિ કે તેનો વિરોધ હોઈ શકે. પરંતુ તેમને હિંદુદ્રોહી ને દેશદ્રોહી ગણવા, તેમની હત્યાથી દેશની સેવા થશે એમ માનવું, તેમની હત્યા દેશભક્તનું કાર્ય છે એવું ઠસાવવું--આ માનસિક અસ્વસ્થતાનું સૂચક છે.

વિચારધારાનો આધાર હોવા માત્રથી હત્યા 'વધ' બની જતી નથી ને ગોડસે દેશભક્ત બની જતો નથી. પરંતુ ગાંધીજી વિશેની ગેરસમજણો ઉપરાંત બંધિયાર ગાંધીવાદ-ગાંધીવાદીઓથી અકળાયેલા લોકો પણ ગાંધીદ્વેષમાં ને પછી ગોડસે પ્રત્યે સહાનુભૂતિમાં પલોટાતા રહ્યા છે.
ગોડસેવાદી વિચારધારાના રાજકીય પ્રતિનિધિઓએ ગાંધીજીને ખરાબ ચિતરવામાં કોઈ કસર નથી છોડી.

પરંતુ ગાંધીજીની બધી માનવીય મર્યાદાઓ સહિત તેમનું કર્તૃત્વ એટલું મોટું છે કે હવેના રાજકીય હિંદુત્વના ખેલાડીઓ ગોડસેને વખોડી શકતા નથી, તેમ ગાંધીજીને છોડી પણ શકતા નથી.

(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબર 2018 થી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલા હેઠળ આ લેખ પ્રકાશિત થયો હતો. આ શૃંખલા અંતર્ગત ગાંધીજીના જીવન અંગેનાં અનેક પાસાં ચકાસવામાં આવ્યાં હતાં. અહીં ફેબ્રુઆરી-2019માં પ્રકાશિત લેખને સામાન્ય ફેરફાર સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે.)


આ પણ વાંચો :