શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 4 ઑગસ્ટ 2019 (09:25 IST)

શું છે ક્લસ્ટર બૉમ્બ, જેનો ઉપયોગ કરવાનો પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો છે

પાકિસ્તાને ભારત પર નિયંત્રણ રેખા પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂર અને વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ અંગે ટ્વીટ કર્યું છે.
શાહ મહમૂદ કુરૈશીએ ટ્વીટ કર્યું છે કે ભારતીય સુરક્ષાદળે ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ કર્યો છે જે જિનિવા સંધિ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.
તેમણે લખ્યું, "નિયંત્રણ રેખા પર સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને ભારતીય સેનાએ કરેલા ક્લસ્ટર બૉમ્બના ઉપયોગની હું નિંદા કરું છું."
 
આ પછી કુરૈશીએ બીજું ટ્વીટ કર્યું અને એમાં ભારતને શાંતિનો ભંગ કરનાર ગણાવ્યું.
તેમણે લખ્યું કે યુદ્ધોન્માદ ફેલાવનાર ભારત શાંતિનો ભંગ કરે છે એટલું જ નહીં નિયંત્રણ રેખા પર માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
વિદેશમંત્રી કુરૈશીએ આ ટ્વીટમાં દુનિયાના દેશો પાસે માગ કરી છે કે નિયંત્રણ રેખા અને ભારત પ્રશાસિત કાશ્મીરની હાલની સ્થિતિ અંગે જાણકારી મેળવે.
જ્યારે પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે પણ ભારત પર આંતરરાષ્ટ્રીય સમજૂતીનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.
 
 
તેમણે લખ્યું છે, "ભારતીય સેના દ્વારા ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સમજૂતીનું ઉલ્લંઘન છે અને આ નિંદનીય છે."
"કોઈ પણ હથિયાર આત્મનિર્ણયનો અધિકાર મેળવવા માટેના કાશ્મીરીઓના દૃઢ સંકલ્પને દબાવી નહીં શકે. કાશ્મીર દરેક પાકિસ્તાનીઓના લોહીમાં વહે છે. કાશ્મીરીઓનો સ્વતંત્રતા સંગ્રામ સફળ થશે."
ભારતીય સેનાએ પાકિસ્તાનના આરોપો નકારી કાઢ્યા છે. ભારતીય સેનાનું કહેવું છે કે પાકિસ્તાની સેના સતત ઘૂસણખોરી કરી રહી છે અને હથિયાર આપીને ઉગ્રવાદીઓને પ્રોત્સાહિત કરી રહી છે.
ભારતીય સેનાના નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના હંમેશાં પ્રતિક્રિયાનો જવાબ આપે છે અને આ પ્રકારની પ્રતિક્રિયા માત્ર પાકિસ્તાની સેનાની સૈન્ચ ચોકીઓ અને તેમની મદદ મેળવતા ઉગ્રવાદી ઘૂસણખોરો વિરુદ્ધ કરવામાં આવી છે.
 
શું છે ક્લસ્ટર બૉમ્બ?જિનિવા સંધિ અંતર્ગત ક્લસ્ટર બૉમ્બના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ છે પણ ઘણા દેશની સેનાઓ પર તેનો સશસ્ત્ર સંઘર્ષ અથવા તો યુદ્ધમાં ઉપયોગ કરવાના આરોપ છે.
આ બૉમ્બને ખતરનાક માનવામાં આવે છે કેમ કે મુખ્ય બૉમ્બમાંથી નીકળતા ઘણા બધા વિસ્ફોટકથી નિર્ધારિતી લક્ષ્યની આસપાસ નુકસાન થાય છે.
એનાથી સંઘર્ષ દરમિયાન સામાન્ય નાગરિકોને નુકસાન થવાની આશંકા વધી જાય છે.
આ ઉપરાંત મુખ્ય બૉમ્બના વિસ્ફોટ પછી આસપાસ વિખેરાતા વિસ્ફોટકો લાંબા સમય સુધી પડ્યા રહે છે.
એવામાં સંઘર્ષ પૂર્ણ થઈ ગયા પછી પણ એની ચપેટમાં આવી જવાથી જાન-માલનું નુકસાન થયું હોય એવી ઘટનાઓ નોંધાઈ છે.
આ બૉમ્બનો ઉપયોગ વિરોધી સૈનિકોને મારવા માટે કે તેમના વાહનોને ઉડાવી દેવા માટે કરવામાં આવે છે.
ફાઇટર પ્લેનની મદદથી આ બૉમ્બથી હુમલો કરી શકાય છે, આ ઉપરાંત જમીનથી લૉન્ચ પણ કરી શકાય છે.
 
ભારત-પાકિસ્તાન બન્ને સંધિમાં સામેલ નથી
2008માં ડબલિનમાં કન્વેન્શન ઑફ ક્લસ્ટર મ્યુનિશન નામથી આંતરરાષ્ટ્રીય સંધિ અસ્તિત્વમાં આવી.
જે અંતર્ગત ક્લસ્ટર બૉમ્બ ન રાખવા, વેચવા અને ઉપયોગ કરવા પર રોક લગાવવાનો પ્રસ્તાવ હતો.
ત્રણ ડિસેમ્બર 2008થી આની પર હસ્તાક્ષરની શરૂઆત થઈ અને સપ્ટેમ્બર 2018 સુધીમાં 108 દેશ આના પર હસ્તાક્ષર કરી ચૂક્યા હતા.
જ્યારે 106 દેશોએ આને અપનાવવા અંગે સૈદ્ધાંતિક સંમતિ આપી હતી.
કેટલાક દેશોએ આ સંધિનો વિરોધ કર્યો હતો.
જેમાં ચીન, રશિયા, ઇઝરાયલ અને અમેરિકાની સાથે ભારત અને પાકિસ્તાન પણ સામેલ હતા. આ બન્ને દેશોએ આજે પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી.