પંચમહાલ : કૉંગ્રેસના ઉમેદવારનો નાણાં આપતો વીડિયો વાઇરલ થયા બાદ હવે શું?

Last Modified સોમવાર, 15 એપ્રિલ 2019 (10:06 IST)
પંચમહાલની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટ દ્વારા સ્થાનિકોને પૈસા આપતો વીડિયો વાઇરલ થયો છે.
આ બેઠક ઉપર ખાંટની મુખ્ય સ્પર્ધા ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડની સામે છે.
આ અંગે ચૂંટણીપંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી જાય છે જે બાદ કોઈ પણ પક્ષ કે ઉમેદવાર મતદારને ધમકી, લોભ કે લાલચ ન આપી શકે.
વાઇરલ વીડિયોનો વિવાદ
આ અંગે ગોધરાથી સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહ જણાવે છે, "પંચમહાલ બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટનો વીડિયો વાઇરલ થયો હતો."
"આ વીડિયોમાં તેમના હાથમાં રૂ.500ની નોટનું બંડલ જોઈ શકાય છે, જેમાંથી મહિલાને પૈસા આપતા નજરે પડે છે."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું:
"આ અંગે મેં જાતે તપાસ કરી છે. કાર્યક્રમ દરમિયાન થયેલા ચા-નાસ્તાના ખર્ચ પેટે તેમણે આ ચૂકવણું કર્યું હતું."
"આ બેઠક ઉપર કૉંગ્રેસનો વિજય નિશ્ચિત છે, એટલે ભાજપ દ્વારા આ પ્રકારના વિવાદ ઊભા કરવામાં આવી રહ્યા છે."
ખાંટના હરિફ અને ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું:
"મેં તેમના (વી. કે. ખાંટ દ્વારા) પૈસા વિતરણની તસવીરો જોઈ છે, આ અંગે હું ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવાનો છું."
જિલ્લા નોડલ ઑફિસર આર. પી. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું:
"આ વીડિયો (કૉંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટ દ્વારા નાણાં વિતરણ) અમારા ધ્યાને આવ્યો છે અને આ અંગે તપાસના આદેશ આપી દેવાયા છે."
રાઠોડે પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતા એટલે કે Model Code of Conduct અમલમાં આવી જાય છે.
ઉમેદવાર જ્ઞાતિ-જાતિ કે કોમની લાગણીઓને ઉશ્કેરે તેવી ભાષા ન વાપરી શકે અને તેના આધારે મતદાતાને આકર્ષવાનો પ્રયાસ ન કરી શકે.
મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરી શકે.
મતદાતાને મત આપવા માટે 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' રીતે 'નાણાકીય કે અન્ય કોઈ રીતે' મત આપવા માટે લાલચ ન આપી શકે.
મતદાન સમાપ્ત થાય તેના 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જાય છે.
આ ગાળા દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે, પરંતુ સામૂહિક પ્રચાર-પ્રસારનાં માધ્યમો ઉપર જાહેરાત ન આપી શકે.
જોકે, ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.
સરકાર માટે MCC
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને 'આકર્ષિત' કે 'પ્રભાવિત' કરી શકે તેવી જાહેરાત ન કરી શકે.
આ સિવાય લોકહિતની કોઈ યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ન કરી શકે.
સરકારી પદાધિકારીઓની જાહેરખબરો અને તેની યોજનાઓની પ્રચાર સામગ્રી જાહેરમાંથી હટાવી દેવામાં આવે છે.
સત્તામાં રહેલો પક્ષ સરકારી સંશાધનોનો ઉપયોગ પક્ષના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ન કરી શકે. 'સરકારી અને પ્રચારના કામ' એકસાથે ન કરી શકે.
જો સરકાર દ્વારા પ્રજાના પૈસે જાહેરાત આપવામાં આવે, તો તેને આદર્શ આચારસંહિતાના ભંગ સમાન ગણવામાં આવે છે.
ત્યારબાદ તમામ સરકારી સંસાધનો (જાહેર મેદાન, હેલિપૅડ, સરકારી પ્રસાર માધ્યમો) વગેરે ઉપર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો અધિકાર સમાનપણે રહે છે.
તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય, ત્યાર સુધી ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ ઍક્ઝિટ પોલ્સ બહાર પાડી શકાય છે.
અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો :