1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2019 (09:38 IST)

સુરતની આગમાંથી જીવતા બચી ગયેલા વિદ્યાર્થીની આપવીતી

ભાર્ગવ પરીખ
બીબીસી ગુજરાતી માટે
"મોતથી બચ્યા બાદ બે દિવસથી હું ઘરે બેસીને વિચાર કરું છું કે સરકાર દુનિયાની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી શકે, તો શું ચાર માળ સુધી પહોંચી શકે તેવી સીડી વસાવી ન શકે, જેથી કરીને લોકોના જીવ બચી શકે." આ શબ્દો છે ટીનેજર રામ વાઘાણીના.
સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડ ખાતે આગ લાગી ત્યારે વાઘાણી ત્યાં ત્રીજા માળે હતા અને આગમાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, આ માટે તંત્ર કરતાં સ્થાનિકોના પ્રયાસ વધુ જવાબદાર હતા.
સ્થાનિકોનું કહેવું છે કે આગ બાદ હાથ ધરવામાં આવેલા રાહત અને બચાવકાર્ય માટે સ્થાનિક તંત્ર સજ્જ ન હતું.
શુક્રવારે લાગેલી આગમાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સરકારે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.
 
'હું ત્રીજામાળે હતો'
રામ વાઘાણી કહે છે, "હું ક્લાસમાં હતો ત્યારે અચાનક જ ધુમાડો દેખાયો. એક મેડમ દોડીને ત્રીજા માળે પહોંચ્યાં ત્યારે હું પણ તેમની પાછળ ગયો. ત્યાં સુધીમાં આગ ફેલાઈ ગઈ હતી અને કંઈ સમજ પડતી ન હતી."
"ખાસ્સા સમય સુધી ફાયરબ્રિગેડની ગાડી આવી ન હતી અને નીચે લોકો એકઠા થઈ ગયા હતા. તેમની પાસે ચાદર જેવું કંઈ ન હતું."
"ફાયરબ્રિગેડના લોકો બીજા માળ સુધી પહોંચી શકે તેમ નહોતા અને વધુમાં નીચે ઊતરી શકાય તેમ ન હતું."
"ધુમાડાને કારણે અંદર ગૂંગળામણ વધી રહી હતી. હું અને મેડમ બારીમાંથી ડોકું બહાર કાઢીને શ્વાસ લઈ રહ્યાં હતાં."
"નીચેથી ઊભેલા લોકો બૂમાબૂમ કરીને અમને નીચે કૂદી જવા કહી રહ્યા હતા, પરંતુ મારી હિંમત થતી ન હતી."
"મેં ઉપરથી દફતર ફેંક્યું, જે નીચે ઊભેલા લોકોએ ઝીલી લીધું, એટલે અચાનક જ મારામાં હિંમત આવી અને મેં પણ ભૂસકો મારી દીધો."
નીચે ઊભેલા લોકોએ રામ વાઘાણીને ઝીલી લેતાં તેમનો જીવ બચી ગયો. તેમને નાની અમથી પણ ઈજા ન થઈ.
17 વર્ષીય રામ વાઘાણી આર્કિટેક્ટ બનવા માગે છે અને ઍન્ટ્રેન્સ પરીક્ષાના ટ્યૂશન લેવા માટે જ તક્ષશિલા આર્કેડ ગયા હતા.
 
'સજ્જ નહોતું ફાયરબ્રિગેડ'
સ્થાનિક સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલા દેવ પટેલના કહેવા પ્રમાણે, "અમારી સંસ્થાના યુવાનો સીડી લઈને બીજા માળે પહોંચ્યા અને લોકોને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો."
"જે બાળકો ઉપરથી કૂદ્યાં તેમને ઝીલવાનો પ્રયાસ કર્યો. જો ફાયરબ્રિગેડ પાસે મોટી જાળી કે જાડી ચાદર હોત તો વધુ કેટલાક લોકોને બચાવી શકાયા હોત."
નાના વરાછા રોડ ઉપર રહેતા હેમંત ચોરવાડિયા કહે છે, "ઘટનાસ્થળેથી ફાયરબ્રિગેડની ગાડીઓ માંડ દોઢ કિલોમિટરના અંતરે હોવા છતાંય તેને પહોંચતા 45 મિનિટ ગઈ હતી."
"પાણીના બંબામાં પાણીનું પ્રેશર ન હતું. સીડીની લંબાઈ અપૂરતી હતી."
ચોરવાડિયા અને પટેલે સરકાર અને મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે અવાજ ઉઠાવવાની વાત કહી હતી.