શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (11:16 IST)

ટ્રિપલ તલાક બિલ : લોકસભામાં પાસ, હવે રાજ્યસભામાં થશે પરીક્ષા

શુક્રવારે લાંબી ચર્ચા બાદ લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું છે.
ટ્રિપલ તલાકને ગુના ગણાવતા બિલ પર ચર્ચા બાદ મતદાન થયું હતું. જેમાં બિલના પક્ષમાં 303 અને તેના વિરોધમાં 82 મતો પડ્યા હતા.
આ બિલમાં ટ્રિપલ તલાકને ગેરકાનૂની ગણાવતા 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.
મુસ્લિમ મહિલા (લગ્ન અંગેના અધિકારોનું રક્ષણ) બિલ 2019ને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગયા મહિને લોકસભામાં રજૂ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીનું કહેવું હતું કે આ બિલ મુસ્લિમ મહિલાઓના હક્કોનું રક્ષણ કરવામાં મદદ કરશે.
લોકસભામાં પાસ થયા બાદ હવે આ બિલ રાજ્યસભામાં જશે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ જ બિલ રાજ્યમાં પસાર થઈ શક્યું ન હતું.
રાજ્યસભામાં આ બિલ પસાર ન થતા સરકાર દ્વારા તેના માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો.
 
ટ્રિપલ તલાક બિલમાં શું છે કાયદાકીય જોગવાઈઓ?
•ટ્રિપલ તલાકના કાયદામાં ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે.
•આ કાયદા મુજબ ટ્રિપલ તલાક બિન-જામીનપાત્ર ગુનો ગણાશે અને આરોપીને પોલીસ સ્ટેશનમાં જામીન નહીં મળી શકે.
•સુનાવણી અગાઉ જામીન માટે આરોપીને મૅજિસ્ટ્રેટ પાસે જવું પડશે. ત્યાં પત્નીની સુનાવણી બાદ જ પતિને જામીન મળી શકશે.
•કાયદા મુજબ પતિ પત્નીને ભરણપોષણ આપવા સહમત છે તેની મૅજિસ્ટ્રેટ જામીન અગાઉ ખાતરી કરશે. કાયદા મુજબ વળતરની રકમ મૅજિસ્ટ્રેટ નક્કી કરશે.
 
શું છે તત્કાળ ટ્રિપલ તલાક?
તત્કાળ ટ્રિપલ તલાક અથવા તો 'તલાક-ઉલ-બિદ્દત' છૂટાછેડાની ઇસ્લામી પ્રથા છે.
તેમાં પતિ તેની પત્નીને એકસાથે ત્રણ વખત 'તલાક' બોલીને તેમના લગ્નજીવનનો અંત આણી શકે છે.
'તલાક' શબ્દ ઉચ્ચારીને કે ટેક્સ્ટ મૅસેજ કે ઈ-મેઇલ મારફત એમ કોઈ પણ રીતે સંદેશો મોકલીને મુસ્લિમ પતિ તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે.
સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
તેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ વર્ષના ઑગસ્ટમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી.