બ્રિટનનાં ગૃહમંત્રી બનેલાં ગુજરાત મૂળનાં પ્રીતિ પટેલ કોણ છે?

Last Modified ગુરુવાર, 25 જુલાઈ 2019 (13:28 IST)
ગુજરાત મૂળનાં ભારતીય પ્રીતિ પટેલ બ્રિટનનાં નવાં ગૃહમંત્રી બનશે અને એ સાથે સાજિદ જાવિદને ગૃહમંત્રીપદેથી ખસેડી નાણામંત્રી બનાવવામાં આવ્યા છે.
મતલબ કે બ્રિટનમાં હવે ગૃહમંત્રી અને નાણામંત્રી તરીકે એક ભારતીય અને એક પાકિસ્તાની મૂળની વ્યક્તિ છે.
બુધવારે વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળતાંની સાથે બોરિસ જોન્સને પોતાની નવી કૅબિનેટનું ગઠન કર્યું છે.
આ કૅબિનેટમાં ડોમિનિક રાબને નવા વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે.
બે વર્ષ અગાઉ એક વિવાદને કારણે પ્રીતિ પટેલે થેરેસા મેની સરકારમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ હવે તેઓ પરત ફર્યાં છે.
ઇઝરાયલ વિવાદ
47 વર્ષીય પ્રીતિ પટેલનાં માતાપિતા મૂળરૂપે ગુજરાતી છે, પંરતુ તેમનો જન્મ લંડનમાં જ થયો છે. એમનાં માતાપિતા પાછળથી યુગાન્ડા જતાં રહ્યાં હતાં અને 1960ના દાયકામાં ભાગીને બ્રિટન આવી ગયાં હતાં.
ખૂબ નાની વયે પ્રીતિ પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીમાં સામેલ થયાં હતાં. 20 વર્ષની ઉંમરે તેઓ પાર્ટીમાં જોડાયાં ત્યારે જૉન મેજર બ્રિટનના વડા પ્રધાન હતા.
2017માં પ્રીતિ પટેલના ઈઝરાયલ પ્રવાસથી વિવાદ થયો હતો અને તેમને ઇન્ટરનેશનલ ડેવલપમૅન્ટ સેક્રેટરીપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
ઑગસ્ટ 2017માં તેઓ પરિવાર સાથે રજાઓ ગાળવા ઈઝરાયલ ગયાં હતાં. આ સમયે તેમણે ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ અને અન્ય ઈઝરાયલી અધિકારીઓની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતની જાણકારી એમણે ઈઝરાયલના દૂતાવાસ કે બ્રિટન સરકારને કરી નહોતી.
કન્ઝર્વેટિવ પાર્ટીનો ચમકતો તારો
કન્ઝર્વેટિવ પાર્ટીમાં એમને એક ચમકતા તારા તરીકે જોવામાં આવે છે.
આ અગાઉ પણ તેઓ અનેક ભૂમિકાઓ નિભાવી ચૂક્યાં છે. જૂન 2016માં તેમને ઇન્ટરનેશનલ ડેવલપમૅન્ટમંત્રી બનાવાયા હતાં.
આ પદેથી તેઓ બ્રિટન વિકાસશીલ દેશોને જે મદદ કરે છે તેની દેખરેખ રાખતાં હતાં.
તેઓ યુરોપિયન યુનિયનના ટીકાકાર છે. એમણે સમલૈંગિક સંબંધોનો વિરોધ કર્યો હતો અને ધૂમ્રપાન સામે પણ અભિયાન ચલાવ્યું હતું.
2010માં તેઓ પહેલી વાર સાંસદ બન્યાં હતાં. બ્રેક્સિટ અભિયાનનાં પ્રખર સમર્થક પ્રીતિ પટેલ 2014માં ટ્રેજરીમંત્રી હતાં.
2015ની ચૂંટણી પછી તેઓ રોજગારમંત્રી તરીકે કામ કરતાં હતાં.
યુરોપિયન યુનિયન વિરોધી પાર્ટીના પ્રવક્તા
યુગાન્ડાથી લંડન ભાગી આવેલી ગુજરાતી પરિવારમાં જન્મેલા પ્રીતિ પટેલે છોકરીઓ માટેની લૈટફૉર્ડ ગ્રામર સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ લીધું છે.
એમણે કીલ અને ઍસૅક્સ વિશ્વવિદ્યાલયમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. એમણે કન્ઝર્વેટિવ પાર્ટીમાં નોકરી પણ કરી છે.
1995થી 1997 દરમિયાન તેઓ ગૉલ્ડસ્થિમની આગેવાનીવાળી રેફરેંડમ પાર્ટીનાં પ્રવક્તા પણ રહી ચૂક્યાં છે.
રેફરેંડમ પાર્ટી બ્રિટનની યુરોપિયન યુનિયન વિરોધી પાર્ટી હતી.
વિલિયમ હેગ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બન્યા તે પછી તેઓ પાર્ટીમાં પરત ફર્યાં અને 1997થી 2000 સુધી ડેપ્યુટી સેક્રેટરી તરીકે કામ કર્યું.
એમણે દારૂનું ઉત્પાદન કરતી કંપની ડાયજિયો સાથે પણ કામ કર્યું છે.
2005માં નોટિંગઘમ બેઠક પરથી તેઓ ચૂંટણી હારી ગયાં હતાં. 2010માં વિટહૈમ બેઠક પર તેમનો વિજય થયો હતો.
પ્રીતિ પટેલ બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન મારગ્રેટ થેચરને પોતાના આદર્શ નેતા માને છે.આ પણ વાંચો :