શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (14:20 IST)

લોકમાન્ય ટિળકને જ્યારે અમદાવાદની જેલમાં પૂરી દેવાયા

કલ્પિત ભચેચ
બીબીસી ગુજરાતી માટે
મહાત્મા ગાંધીના ભારત આગમન પહેલાં જેમને ક્યારેક ભારતના એક માત્ર રાષ્ટ્રીય કદના નેતા ગણાવાયા હતા એવા બાળગંગાધર ટિળકનો અમદાવાદ સાથે ખાસ નાતો રહ્યો છે.
વાત સો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાંની છે. 1908માં રાજદ્રોહની સજા બદલ ટિળકને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.
કેસ તો મુંબઈમાં ચાલ્યો હતો પણ સજાના ભાગરૂપે ટિળકને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
આ અંગે વાત કરતા ટિળકના પપૌત્ર દીપક ટિળક કહે છે, "મુંબઈમાં ચાલેલી ટ્રાયલમાં ટિળકને સજા થઈ હતી અને આ સમાચારના પગલે મુંબઈમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસવાની શક્યતા હતી. આ દહેશતને લઈ તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા."
ટિળક 23 જુલાઈ, 1908થી લઈને 13 સપ્ટેમ્બર, 1908 સુધી સાબરમતી જેલમાં રહ્યા હતા.
આ અંગે વાત કરતા ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી જણાવે છે, "રાજદ્રોહના કેસમાં ટિળકને અમદાવાદની સાબરમતી કેન્દ્રીય જેલમાં રાખવામાં આવ્યા હતા."
"એ વાત પણ રસપ્રદ છે કે પોતાના 53માં જન્મદિને સજા ભોગવવા માટે સાબરમતી લાવવામાં આવેલા ટિળક સાબરમતી જેલમાં 53 દિવસ રહ્યા હતા."
ટિળકને સાબરમતી જેલની જે બૅરેકમાં રાખવામાં આવ્યા હતા એ બૅરેકને આજે 'ટિળક'ના નામથી ઓળખાય છે.
 
ગુજરાત કૉલેજની હોસ્ટેલ બની ટિળક હૉસ્ટેલ
 
સાબરમતી જેલમાં ટિળકે ગાળેલા જેલવાસનો ઉલ્લેખ જેલની કોટડીની બહાર લગાવેલી તકતીમાં પણ કરવામાં આવ્યો છે.
ટિળક જ્યારે અમદાવાદમાં હતા ત્યારે ખાસ કરીને યુવાનોમાં એમનું ભારે આકર્ષણ હતું. એ અંગે વાત કરતા ડૉ. કાદરી જણાવે છે, "અદાવાદમાં ટિળકના જેલવાસના સમાચાર વહેતા થતાં યુવાનોમાં ઉત્સાહ વ્યાપી ગયો હતો."
"એ વખતે ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ પોતાની હૉસ્ટેલનું નામ 'ટિળક હૉસ્ટેલ' જાહેર કર્યું હતું."
નોંધનીય છે કે ગુજરાત કૉલેજની આ હૉસ્ટેલ આજે પણ 'ટિળક હૉસ્ટેલ' તરીકે ઓળખાય છે.
 
ટિળકના નામે અમદાવાદમાં ઉદ્યાન
અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલો 'ટિળકબાગ' ક્યારેક 'વિક્ટોરિયા ગાર્ડન'ના નામે ઓળખાતો હતો.
1 ઑગસ્ટ, 1920ના રોજ ટિળકનું અવસાન થયું ત્યારે વલ્લભભાઈ પટેલ અમદાવાદમાં સુધરાઈના પ્રમુખ હતા.
તેમણે અમદાવાદમાં ટિળકની પ્રતિમા મૂકવાનો નિર્ધાર કર્યો. જોકે, બ્રિટિશ સરકારને આ વાત મંજૂર નહોતી.
આ અંગે વાત કરતા ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી કહે, "સરદાર પટેલે વર્ષ 1924માં એ વખતના વિક્ટોરિયા ગાર્ડનના પ્રવેશદ્વાર પાસે જ ટિળકની પ્રતિમા મૂકવાનો નિર્ધાર કર્યો હતો."
"તેમણે અંગ્રેજ સરકારના અણગમાની પરવા કર્યા વગર જ પ્રતિમા તૈયાર કરાવી. પ્રતિમાનું અનાવરણ ગાંધીજી કરશે એવું નક્કી કરાયું. જોકે, અનુકૂળ તારીખ મેળવવામાં એક વર્ષ નીકળી ગયું."
"અનાવરણ કરનારનું નામ નક્કી હતું પણ અનાવરણની તારીખ નક્કી નહોતી કરાઈ શકાઈ. જેને લીધે તકતી પર તારીખ લખી શકાઈ નહોતી."
ડૉ. કાદરીના જણાવ્યા અનુસાર પ્રતિમાનો નિર્ધાર કરનારા સરદાર પટેલ અનાવરણ કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા.
જોકે, ગાંધીજીએ એ પ્રસંગે વલ્લભભાઈનો ઉલ્લેખ પણ કર્યો હતો અને તેમના આવવાથી અમદાવાદની સુધરાઈમાં હિંમત આવી હોવાનું પણ જણાવ્યું હતું.
ગાંધીજીએ આ ઘટનાનો ઉલ્લેખ 19 માર્ચ, 1929માં પ્રકાશિત થયેલા નવજીવનના અંકમાં કર્યો હતો.
આજે પણ અમદાવાદમાં તારીખના ઉલ્લેખ વગરની તકતી સાથેની ટિળકની પ્રતિમા પર વર્ષ 1928 વાંચી શકાય છે.