શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (15:18 IST)

જામિયા ફાયરિંગ : 'રામભક્ત ગોપાલ' કોણ છે?

દિલ્હીના જામિયા વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં યોજેલી એક માર્ચમાં એક વ્યક્તિએ ગોળી ચલાવી છે. પોલીસે ફાયરિંગ કરનારા શખ્સની અટકાયત કરી છે. સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસના ડીસીપી ચિન્મય બિસ્વાલના હવાલાથી કહ્યું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું નામ શાદાબ ફારૂક છે, જ્યારે ગોળી ચલાવનારનું નામ રામ ગોપાલ છે. પોલીસ અનુસાર શાદાબ ફારૂકને ડાબા હાથે ગોળી વાગી છે અને તેને હૉસ્પિટલમાંથી ટ્રૉમા સેન્ટર રિફર કરાયો છે. ડૉક્ટરના અનુસાર ઈજાગ્રસ્તની હાલત ખતરાથી મુક્ત છે.
 
એએનઆઈ અનુસાર ગોળી ચલાવનાર ગોપાલની પોલીસ પૂછપરછ કરી રહી છે. સોશિયલ મીડિયામાં શૅર કરાઈ રહેલી તસવીરમાં એક શખ્સ હવામાં પિસ્તોલ લહેરાવી રહ્યો છે. જ્યારે પોલીસ આ શખ્સને લઈને જતી હતી ત્યારે મીડિયાકર્મીએ પૂછ્યું કે તમારું નામ શું છે. જવાબમાં ગોળી ચલાવનારે કહ્યું- રામભક્ત ગોપાલ.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગોળી ચલાવનાર શખ્સે બરાડા પાડીને કહ્યું, 'આ લો, આઝાદી'. ફેસબુકમાં જ્યારે આ નામથી શખ્સની શોધખોળ શરૂ કરાઈ તો ફાયરિંગ પહેલાંની કેટલીક જાણકારી મળી છે.
જોકે આ એકાઉન્ટ વેરીફાઇડ નથી. પરંતુ આ એકાઉન્ટથી શૅર કરાયેલી તસવીરો અને વીડિયોથી અંદાજ આવે છે કે આ શખ્સ જામિયામાં ગોળી ચલાવનાર ગોપાલ જ છે.
કોણ છે રામભક્ત ગોપાલ?
 
ફેસબુક ફીડની ઘણી પોસ્ટમાં આ શખ્સ પોતાને હિંદુત્વનો સમર્થક ગણાવી રહ્યા છે. આ પ્રોફાઇલમાં પહેલાં શૅર કરેલી તસવીરોમાં રામભક્ત ગોપાલ બંદૂક અને મોટી કટાર સાથે જોવા મળે છે. દિલ્હી પોલીસ અનુસાર હુમલાખોર ગોપાલ નોઇડાની પાસેના જેવરનો રહેવાસી છે. જેવરમાં ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પણ બનવાનું છે. ગોપાલે પોતાના ફેસબુક ઇન્ટ્રોમાં લખ્યું છે- રામભક્ત ગોપાલ નામ છે મારું. બાયોમાં આટલું જ પૂરતું છે. બાકી યોગ્ય સમય આવ્યે. જય શ્રીરામ.
 
ગોપાલ પોતાના ફેસબુક બાયોમાં પોતાને બજરંગદળના ગણાવે છે. બજરંગદળ આરએસએસ સાથે જોડાયેલું સંગઠન છે. જોકે 28 જાન્યુઆરીની એક પોસ્ટમાં ગોપાલે લખ્યું હતું- હું બધાં સંગઠનોથી મુક્ત છું.
29 જાન્યુઆરીએ ગોપાલે એક પોસ્ટ લખી હતી- પહેલો બદલો તારો હશે ભાઈ ચંદન. 26 જાન્યુઆરી 2018માં ઉત્તર પ્રદેશના કાસગંજમાં ચંદન ગુપ્તા અનેક બાઇકસવારો સાથે તિરંગાયાત્રા કાઢી રહ્યા હતા, ત્યારે હિંસા ભડકી હતી અને ગોળી વાગતાં ચંદનનું મૃત્યુ થયું હતું.
 
'શાહ-મોદીને કારણે ઉશ્કેરાયો'
 
આ બનાવની સોશિયલ મીડિયામાં પણ બહુ પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેએનયુ વિદ્યાર્થી સંઘનાં પૂર્વ ઉપાધ્યાક્ષ શૈહલા રશીદે આ ઘટનાને 'આતંકવાદી' ગણાવી છે. શૈહલાએ ટ્વીટ કર્યું, "જામિયાનો હુમલો માત્ર હાથમાં પિસ્તોલ લઈને ગોળી ચલાવનાર વ્યક્તિનો જ નથી. આ એક આતંકવાદી હુમલો છે, જે આરએસએસની વિચારધારાથી પ્રભાવિત એક દક્ષિણપંથી વ્યક્તિ કર્યો છે. જે અમિત શાહ, નરેન્દ્ર મોદી અને અનુરાગ ઠાકુરના માધ્યમથી હિંસાની અપીલ કરવાને કારણે ઉત્તજિત થયો છે."
 
તો જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારે લખ્યું કે આખો દેશ બરબાદ થઈ જાય એ પહેલાં લોકોએ જાગી જવું જોઈએ. 
 
કનૈયા કુમારે ટ્વીટ કર્યું, "આ તસવીરોને જુઓ. નફરતમાં આંધળા થઈને આઝાદ ભારતના પહેલા આતંકવાદી નાથુરામ ગોડસેએ 72 વર્ષ પહેલાં આ જ રીતે ગાંધીજીની હત્યા કરી હતી, કેમ કે તેને લાગતું હતું કે બાપુ 'દેશના ગદ્દાર' છે. આજે રામનું નામ લઈને સત્તામાં આવેલા લોકો નાથુરામનો દેશ બનાવી રહ્યા છે. દેશ બરબાદ થઈ જાય એ પહેલાં જાગો."
 
આ ઘટના બાદ પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઊઠી રહ્યા છે.
 
ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે દિલ્લી પોલીસ પર નિશાન સાધતાં લખ્યું- 'તુસ્સી ગ્રેટ હો'.
 
દિલ્હી પોલીસની સાથે ઘણા લોકો સોશિયલ મીડિયા પર આના માટે ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓનાં ભડકાઉ ભાષણને જવાબદાર માને છે.
 
હુસૈન હૈદરીએ કહ્યું કે આવનારા એક-બે વર્ષમાં તમારા બાળકને ધોળા દિવસે ગોળી મરાશે અને પોલીસ મૂકપ્રેક્ષક બની રહેશે.
 
તો વરિષ્ઠ પત્રકાર વિનોદ કાપડીએ પણ દિલ્લી પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે.
 
તેઓએ કહ્યું કે દિલ્હી પોલીસની નજર સામે આ બધું થયું છે.